સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પુરુષોત્તમ ગ. માવળંકર/કાર્ય અને પદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આઝાદી પછી આપણા રાષ્ટ્રીય જીવનનાં અવનવાં ક્ષેત્રો જ્યારે પહેલી જ વાર ખૂલ્યાં છે, ત્યારે નિષ્ઠાવાન કાર્યકરોની મોટી સંખ્યા આપણે ત્યાં તૈયાર થવી જોઈએ; તેને બદલે દંભ અને દોરદમામમાં રાચતા પદાધિકારીઓની ફોજ વધી રહી છે. ભારત સ્વતંત્ર નહોતું ત્યારે આપણી વચ્ચે જેટલા કાર્યકરો હતા, તેટલા પણ આજે દેખાતા નથી; અને ગુલામ દેશના લોકસેવકોમાં સચ્ચાઈ, સન્નિષ્ઠા તથા સ્વાભિમાન જેટલા પ્રમાણમાં હતાં તેટલાંય આજે વર્તાતાં નથી. કાર્ય કરતો રહે તે કાર્યકર; અને પોતાનું નિયત કામ સતત, સરસ રીતે કરતો રહે તે સાચો કાર્યકર. કામ કરતા રહેવામાં જ તેને આનંદ આવે છે. પદની લાલસા એ રાખતો નથી. કામ કરતાં કરતાં પદો મેળવવાનાં છે તેમ છોડવાનાં પણ છે, એમ તે સમજે છે. ગમે તે કારણે પોતાનું પદ છોડી દેવાની તૈયારી સાથે પોતાનું કાર્ય એ કરતો રહે છે. ગમે તેટલું મોટું પદ મળે તેને શોભાવવાની લાયકાત અને કુશળતા એ પ્રાપ્ત કરી શકે છે. અને કોઈ પણ પદ ન મળે તોયે, પોતાનું વ્યક્તિત્વ એ જ એક અનેરું પદ છે એવા નિર્દોષ રૂઆબથી એ વર્તે છે.


[‘અભ્યાસ’ માસિક : ૧૯૬૯]