સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પુ. લ. દેશપાંડે/સુખનો કાળ બાળપણનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જો નિશાળ ન હોત તો બધાંના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ, એનો અર્થ એવો જરાય નહિ કે મને ભણવાની હોંશ નહોતી. પણ કેરી પીળી કઈ રીતે થાય? નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે? ગર ભરેલી આમલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય? આખો દિવસ આપણે ગીતો ગાતાં રહીએ તો શું થાય?—આવું આવું શિક્ષણ આપવાનું છોડીને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે! રોજ પ્રાર્થના કરવા છતાંય ભગવાન ગણિતમાં માર્ક આપવામાં આપણા પર આટલો ક્રૂર કેમ થાય? આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નથી. એટલું વળી ઠીક હતું કે મારા નાનપણમાં જૂનું ગણિત જ હતું. પણ જૂનું ગણિત ભણેલા ભગવાનને મૌખિક હિસાબના જવાબ મારા કાનમાં, ધીમેકથી આવીને કહી જવામાં શો વાંધો હતો? મારા વર્ગમાંના વિનાયક દેસાઈને, દિનુ અને મોહન વાગળેને તો ચોક્કસ એ જ જવાબ કહી જતો હશે. હકીકતે તો અમે ત્રણેય જણ જોગેશ્વરીના રામેશ્વરના મંદિરમાં ઘંટ વગાડીને, ભગવાનનું બરાબર ધ્યાન ખેંચીને, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને, ‘ભગવાન મને ગણિતમાં પાસ કર’, ‘પુરવણી પર શાહી ઢોળાવા દઈશ નહિ’, એવી એવી માગણીઓ કરતા. મારો જન્મ મુંબઈના ગામદેવી વિસ્તારની કિર્પાળ હેમરાજની ચાલીમાં થયેલો. મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું. આશરે પંચાવન-છપ્પન વર્ષ પહેલાં ગામદેવી-ગિરગામ વિસ્તારની ચાલીઓમાં રહેનારા કારવાર પ્રાંતના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધ્યાં. ત્યારે તો જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન સુધ્ધાં નહોતું. ચાર કુટુંબો રહે એવું એક એક માળનું મજાનું ઘર, ત્રણ ઓરડા, આગળ નાનકડું આંગણું, પાછળ વાડો. આવી આ વસાહતનું નામ હતું ‘સરસ્વતીબાગ’. પણ ત્યાં રહેનારાઓ એને ‘સોસાયટી’ કહેતા. મારું બાળપણ આ સોસાયટીમાં વીત્યું. બાળપણને સુખી કરનારી દરેક વાત ત્યાં હતી. એ વર્તુળાકાર અને અર્ધવર્તુળાકાર બંગલાઓની વચ્ચોવચ્ચ આવેલા ક્લબના બેઠા ઘાટના એક નાનકડા મકાનમાં ચાલતી મ્યુનિસિપાલિટીની નિશાળે એટલો એક મીઠાનો ગાંગડો મારા સુખમાં નાખ્યો હતો! બાકી તો અમારી આ સરસ્વતીબાગ સોસાયટી નાનાં બાળકો માટે કેવી સરસ હતી! આજે પણ એ ‘સોસાયટી’ છે, પણ હવે સિમેન્ટ-કોંક્રિટની ઇમારતોનાં જંગલોમાં એ પૂરેપૂરી ઢંકાઈ ગઈ છે, કૂંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો અડાબીડ વધેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ. એક સમયે જોઈએ તો ત્યાં આંબાનાં, જાંબુનાં, વડનાં, તાડનાં, વાડામાં સરગવાનાં, અગથિયાનાં ઝાડ હતાં. ગુલબાક્ષના તો હજારો છોડવા. તેટલી જ અબોલી. કેવડો પણ ખરો. (કારવાર તરફની સ્ત્રીઓને માથામાં નાખવા રોજ નવી નવી, જાતે ગૂંથેલી ફૂલની વેણી જોઈએ.) બપોર થતાં થતામાં જ ઘરે ઘરે પરસાળમાં સ્ત્રીઓ ટોળે મળીને વેણીઓ ગૂંથ્યે જતી. પશ્ચિમની હદે રેલગાડીના પાટા. સોસાયટીનાં મકાન થોડાંક ઊચે હતાં એટલે નદીના ઊચા કિનારા પરથી પાણી વહેતું દેખાય તેમ રેલગાડીઓ વહ્યે જતી. પૂર્વ, દક્ષિણ, ઉત્તર એમ ત્રણે બાજુ માત્ર ઝાડ જ હતાં. આજુબાજુ ડાંગરનાં ખેતરો અને પૂર્વમાં નજીક જ ટેકરીઓ ને તેની પાછળ ડુંગરોની હાર. ટેકરીઓ તો તાડનાં ઝાડથી ખીચોખીચ. ટેકરી પરની ઇસ્માઇલ કોલેજ ત્યારે ત્યારે જ બંધાવા લાગી હતી. આથી કોલેજ નામનો શબ્દ તો મેં ઠેઠ નાનપણથી સાંભળેલો. હાલમાં તો અફાટ ગિરદીથી ઊભરાતા એવા એ રસ્તા પર, ત્યારે તો ચકલુંય ફરકતું નહિ. સોસાયટીમાંનો, અમો બાળકોના વડીલ, કાકા, મામા વગેરે એવો પુરુષવર્ગ સવારે નવ સુધીમાં જમવાનું પરવારી અંધેરીથી છુકછુક ગાડીમાં બેસીને મુંબઈમાં કારકુની કરવા હોફિસમાં જતો. એ વખતે પત્ની પતિનું નામ જાહેરમાં ઉચ્ચારતી નહિ. દિનુના બાપુ, વિનુના બાપુ કે પછી ‘એ’ એવી રીતે બોલાવે. પણ સોસાયટીનાં એક બહેન પતિને ‘હોફિસ’ જ કહેતાં. “ચાલ બહેન, ‘હોફિસ’ આવવાનો વખત થયો!” એવું બોલતાં. એક વાર વડીલમંડળી હોફિસમાં જાય એટલે સોસાયટીમાં છોકરાં-છોકરીઓ અને બા-બહેનોનું રાજ. રામલાઓ, નિશાળના ગોખલે માસ્તર, સલગર ડોક્ટર, મસમોટા કૂવા પર બેસાડેલી ટાંકીનું એન્જિન ચાલુ કરનારા દત્તુમામા અને રામેશ્વર મંદિરના પૂજારી જેવા ગણ્યાગાંઠ્યા પુરુષો જ બાકી રહેતા. બહુ બહુ તો પાંચ-દશ પેન્શનર દાદાજી. મરાઠી ફક્ત નિશાળમાં જ; બાકી બધો વ્યવહાર કારવારી ભાષામાં. અમારી સોસાયટીમાં દૂધ આપવા આવનાર રામગુલામ ભૈયો અને વેસાવેથી રોજ માછલાં વેચવા આવનાર કોળણ બાઈ પણ કારવારી ભાષા જાણે. ભૂલોકમાં કારવારી, હોફિસમાં અંગ્રેજી અને મંદિરમાં થતાં ભજન-કીર્તન-પુરાણ પૂરતી જ ભાષા મરાઠી હોય એવું લાગતું. મારા પહેલા-બીજા ધોરણવાળા વાગળે, નાડકર્ણી, વાઘ, રાયાફેણે, દેસાઈ, તેલંગ વગેરેના કોંકણી ટોળામાં હું જ એકલો ઘાટી દેશપાંડે. પણ હું દુભાષિયો; મા સાથે કારવારીમાં અને બાપુ સાથે મરાઠીમાં બોલનારો. કારણ કે મારા બાપુ એકલા જ કોલ્હાપુરના, બાકી બધાં કારવાર તરફનાં. જોગેશ્વરીની આ કોલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો- ઘણો ચોરનો ઉપદ્રવ રહેતો. આ ચોરોથી બચવા માટે રાત્રે પહેરો ભરનારા બે પઠાણ ચોકીદાર હતા. તેમાંના કાદરખાનને હું ક્યારેય ભૂલીશ નહિ. એ વખતે રેડિયો આવ્યો નહોતો. રાત પડી નથી ને તમરાં સિવાયના બાકી બધા અવાજ થાય બંધ. ફક્ત જતી-આવતી રેલગાડીનો અવાજ, અને તે પણ કાંઈ આજની જેમ મિનિટે મિનિટે નહિ. નોકરીને કારણે મારા બાપુને સતત પરગામ ફરવું પડતું. આથી ઘરમાં બા, મારી મોટી બહેન વચ્છીતાઈ અને અમે ત્રણ ભાઈઓ. હું, મારાથી બે વર્ષે નાનો ઉમાકાંત અને ઘોડિયામાંનો રમાકાંત. સોસાયટીના દરવાજાને અડીને આવેલા એક પતરાના શેડમાં અમે રહેતાં. પાછળથી અમને સોસાયટીના બ્લોકમાં જગા મળી. રાત્રે બધું સૂમસામ થાય એટલે પેટમાં બીકનો આફરો ચઢે. ઘરમાં હોય ફાનસનું ટમટમતું અજવાળું. આવે વખતે દૂર ક્યાંકથી કાદરખાન પઠાણની વાંસળી સંભળાતી. એ સૂર રેલાતાં જ કેટલીયે હામ બંધાતી. આ કાદરખાન કદાવર હતો, પણ એ વાંસળી વગાડતો તેથી એનું કદાવરપણું મને ક્યારેય ડરામણું લાગ્યું નહોતું. ટાગોરની ‘કાબુલીવાલા’ વાર્તા મેં એ પછી જ્યારે પહેલી વાર વાંચી ત્યારે અમને બાળકોને વાંસળી વગાડી બતાવનારો કાદરખાન જ આંખ સામે આવીને ઊભો રહેલો. અમો બાળકો તેને કારવારીમાં, ‘કાદરખાં, વગાડ રે વગાડ’ કહેતાંની વારમાં જ વાંસળી વગાડતો કાદરખાન. રાતના વખતે મનને હામ દેનારો વાંસળીવાળો. થોડા સમય બાદ સોસાયટીમાંથી એ અલોપ થયો ત્યારે બીજા પઠાણે ‘કાદરખાં મુલૂખ ગયા’ એવું જણાવેલું. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું છે. મારી બાનો અવાજ પણ એકદમ ખુલ્લો અને સુરીલો. ગાયન સાથે વાચન પણ સારું. મારા નાનાજી જ નહિ, સદ્ભકિત મંદિરની ભક્તમંડળી પણ ‘હરિવિજય’, ‘પાંડવપ્રતાપ’ વગેરે તેની પાસે વંચાવતા. મારા નાનપણના સુખ સાથે આ સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે. અમારે બારણે એકતારો વગાડતો એક ભિખારી આવતો. એ પ્રેમાબાઈનાં ભજનો ગાતો. એમાંનું ‘મારા રામને કોઈ લઈ આવો રે’ એ ગીત અમે તેની પાસે વારંવાર ગવડાવતા. સંગીત, સાહિત્ય, નાટક જેવી કલા પ્રત્યે મારું ખેંચાણ વધારે અને મેદાની રમત કરતાં એ અધિક પ્રિય. કલાનો નહિ, नकला (મિમિક્રી)નો પણ ગમો ખરો. આ બધાં બીજ મારા મનમાં જોગેશ્વરીના સરસ્વતીબાગમાં રોપાયાં. રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય કે ખાવાપીવાની સૂધ રહે નહિ. કથાકાર મહારાજના ગાન જેટલું જ વાજાંપેટીવાળા તરફ પણ મારું ધ્યાન હોય. પેટીમાંથી ગાન નીકળવા માંડે એટલે ચમત્કાર થતો! કીર્તન સાંભળીને ઘરે આવ્યા બાદ, બીજા દિવસથી મારું કીર્તન ઘરમાં શરૂ થાય. સોસાયટીના ગણેશોત્સવમાં મેં પહેલવહેલી વાર જ્યારે કામતને મિમિક્રી કરતા જોયા ત્યારથી જ મિમિક્રી માટેની મારી રુચિ પેદા થઈ. પ્રયોગ તો ઘરમાં જ થાય, આથી કાયમ હાઉસફુલ! પહેલી-બીજીમાં હતો ત્યારે મેં પહેલી વાર શાહિર ખાડિલકરનાં શૌર્યગીતો સાંભળ્યાં. પછી લાગલું જ સૂપડાનું ડફ બનાવીને, ‘પ્રથમ નમન શારદાચરણે... શારદાચરણે... શારદાચરણે; યુકિત, બુદ્ધિ અને શકિત દે, ગાઉ હું કવન’ શરૂ. ‘જી’... ‘જી’...ના હોંકારા ભરવા માટે હોય ઉમાકાંત. સોસાયટીમાં વચ્ચે વચ્ચે ક્યારેક ભાષણો થતાં. મારું પહેલું જાહેર ભાષણ પાંચ-છ વર્ષનો હતો ત્યારે ટાકી મહારાજની હાજરીમાં સદ્ભકિત મંદિરમાં થયું. એમાંનું એક સંભારણું તો પાક્કું છે. મારા નાનાજીએ લખેલું વીર અભિમન્યું પરનું ભાષણ મેં ચાર-પાંચ મિનિટમાં ફટાફટ બોલી બતાવ્યું અને છેલ્લે ભૂલી ગયો, પણ તરત જ સમયસૂચકતા વાપરીને, ‘છોડો, મારો દૂધ પીવાનો સમય થઈ ગયો છે,’ એમ કહીને શ્રોતાઓના ચક્રવ્યૂહમાંથી મારો છુટકારો કરી લીધો! મારાં આ ‘દૂધ પીવાનો સમય થયો’વાળાં મજાક અને લાડ એ પછી લાંબો સમય ચાલ્યાં. અને આ જ સોસાયટીમાં નાટક નામની ચીજ મેં પહેલવહેલી વાર જોઈ. મુંબઈમાં ગંધર્વનાં નાટકો થતાં. પણ જે ઉંમરે બાના ખોળામાં બેસીને મેં એ જોયાં તે સમયે બાલગંધર્વ મરાઠી રંગભૂમિ ગજાવી રહ્યા હતા છતાંય તે મને જગાડી શક્યા નહિ હોય. મેં પહેલું સંપૂર્ણ નાટક જોયું તે ૧૯૨૫-૨૬ના કાળમાં: સોસાયટીના રાયાફેણે, સંજીવ, કાશીનાથ વાઘ, સાખરદાંડે, લજપત વગેરેએ કરેલું ‘પુણ્યપ્રભાવ’. મારી દૃષ્ટિએ તો એ એક ચમત્કાર જ હતો. એમાંના વૃંદાવન થયેલા રાયાફેણેની અને કંકણ બનેલા કાશીનાથ વાઘની બીક તો મને કેટલાય દિવસો સુધી રહી હતી. વસુંધરાના પાત્રમાં હતો લજપત અને કામત તરીકે હતો પેલો કિંકિણી. પચાસ વર્ષ થઈ ગયાં તોય પાત્રયોજના યાદ છે. (નિશાળમાં ભૂગોળ પણ આવી જ યાદ રહી હોત તો?) એની સામે જોઈએ તો રમતગમતમાં મારી જરાયે પ્રગતિ નહોતી. સોસાયટીમાં સુંદર ટેનિસકોર્ટ હતો. ત્યાં સફેદ હાફપેન્ટ પહેરીને મોટેરા રમતા. હદની બહાર જતો દડો લાવી આપવાની સ્વયંસેવકગીરી અમારા હાથે થતી. એમાંનો ‘ડ્યૂ...સ’ શબ્દ મને ખૂબ ગમતો. એના અર્થની આજે પણ ખબર નથી. ક્રિકેટનું મેદાન પણ હતું. પણ એ રમતમાં સેકંડ વિકેટકીપર અને લાસ્ટ પ્લેયરના હોદ્દાથી આગળ ક્યારેય હું ગયો નથી. પણ ખરી રુચિ તો નાટકની. એમાંયે મારા નારાયણમામા આગેવાન. મિમિક્રી, અભિનય એ બધાંમાં નારાયણમામા અમારો આદર્શ. એ મુંબઈ જઈને અંગ્રેજી સિનેમા જોઈ આવતા. ત્યારે બોલતાં ચિત્રપટ નહોતાં. દેમાર મારામારી. એટલે અમારાં નાટકો મારામારી-ફાઇટિંગનાં. ક્યારેક મારા નાનાજી (ઋગ્વેદી) અમને નાટકો લખી આપતા. નારાયણમામાની નાટકમંડળી આખીયે સોસાયટીમાં ફરી ફરીને નાટક નાટક રમતી. વિષય ‘રામાયણ’, પણ સ્ત્રીપાત્રરહિત. મુખ્ય ભાર રામ-રાવણ યુદ્ધ પર. અમે વાનરસેનામાં. પૂંઠાં-પતરાંનાં ચમકતા મુગટ, ધનુષ્યબાણ, પૂંછડાં ચોંટાડેલ ચડ્ડીઓ હોય એવા ઠાઠમાઠમાં અમારી નાટકમંડળીના પ્રયોગો આખી સોસાયટીમાં થતા. વાનરમંડળી સાચકલા આંબાની ડાળ પર ચઢી બેસતી. મારા મોટા મામા ચિત્રકાર, તે અમને સુંદર મુગટ બનાવી આપતા. અમારી આ નાટ્યસેવાની સાથેસાથે નાનાજી પાસેથી શ્લોક-આર્યા શીખવાનો કાર્યક્રમ પણ ચાલુ રહેતો. વરસ આખરે બે અડધી પાટલૂન અને પહેરણ સિવાય અમારા પોશાકમાં બાપુ બીજું કાંઈ ઉમેરતા નહિ. પણ નાનાજી બાળકો માટે વાર્તાની ચોપડીઓ પુષ્કળ લાવી આપતા. ‘રામાયણ’—‘મહાભારત’ સાથેનો મારો ગ્રંથપરિચય વા. ગો. આપટેનાં પુસ્તકોથી થયો. મારા સાતમા-આઠમા વર્ષે મને લાગતું કે નાનાં બાળકોના વાચનની ચિંતા કરનારા આ એક જ લેખક અને તેમનું ‘આનંદ’ નામનું એક જ માસિક છે. તે જમાનામાં બાળકો માટે ચંપ્ાલ બનાવનારા કારીગરો નહિ હોય. છેક મૅટ્રિકના વર્ગમાં ગયો ત્યારે મેં ચંપલ પહેર્યાં અને જિંદગીનો પહેલવહેલો પાયજામો ચઢાવ્યો. પણ નિશાળમાં માસ્તર સિવાય કોઈ જ ચંપલ પહેરનારું નહોતું. બાપુમંડળી કારવારથી ‘જૂતી’ લાવતી, તેને કોપરેલ તેલનું માલિસ થતું. એટલું ખરું કે તે સમયે અમારા બાપુઓનું પણ બાળપણ જ ચાલતું હોવું જોેઈએ. અમો બાળકોની કલાઉપાસનામાં તેમનો ખૂબ જ સાથ હોય. અમારા બધા જ મનોરંજન કાર્યક્રમોના એ લોકો હોંશીલા શ્રોતાઓ. “ગાવાનું નહિ, નાટક કરવાનાં નહિ, ફક્ત ભણવાની ચોપડીઓ વાંચવાની!” એવાં વાક્યો મારા બાળપણમાં બાપુમંડળીને મોઢેથી સાંભળ્યાં નથી. ઊલટું મારા બાપુજીના મોઢે ‘શાપસંભ્રમ’, ‘શારદા’ જેવાં નાટકોનાં ગીતો જ હોય. મારા મહારુદ્રમામા તો ‘પરવશતા પાશ દૈવી’ ગાવાનું શરૂ કરે તો એવું લાગતું કે માસ્ટર દીનાનાથ આમની પાસેથી જ શીખ્યા હોવા જોઈએ! ઘરમાં સૌથી પહેલો ભૂંગળીવાળો ફોનોગ્રાફ પણ એ જ લાવેલા, જેમાં હાસ્યના વિવિધ પ્રકારો બતાવનારું એક ‘લાફિંગ સોંગ’ હતું. સોસાયટીના બધા જ લોકો ‘જુઓ, અમારાં છોકરાં કેવાં ગુણિયલ’, એવા વટથી અમને તાકી રહેતા. મારા સાહિત્યપ્રેમી નાનાજી છોકરાં-છોકરીઓ માટે ગીતો લખી આપતા. રાયાફેણે, સાખરદાંડે જેવા નાટ્યપ્રેમી લોકો, ટાકી મહારાજ જેવા અત્યંત રસમય પ્રવચનો કરનારા ભકિતમાર્ગીઓ, ગાંઠનું ખરચીને હોંશે હોંશે ‘વાહ વા, દડો આ’ વગેરે ગીતો અંગભંગિ સાથે શીખવનારાં કૃષ્ણાબાઈ (સાહિત્યકાર જ્ઞાનેશ્વર નાડકર્ણીનાં બા)—સોસાયટીમાં આવા વડીલવર્ગનું નેતૃત્વ હોવાથી, બીજે બધે હોય છે તેવી બાળકોના કાન ખેંચીને ફક્ત ભણવા બેસાડે એવી ધાકભરી સંસ્કૃતિનો સોસાયટીનાં અમ બાળકોને ક્યારેય ત્રાસ થયો નથી. હોંશે હોંશે આ કુટુંબો સાથે રહેવા આવ્યાં હતાં. મહિને ‘સો’ની આસપાસ બધાની આવક. મોટે ભાગે બધા અંગ્રેજી કંપનીમાં નાનામોટા કારકુની હોદ્દા પર. થોડાક જણ સરકારી નોકરીમાં. એ. એફ. ફર્ગ્યુસન કંપની, રેલી બ્રધર્સ, શો વોલેસ, ડંકન સ્ટ્રેટન, ઇમ્પીરિયલ બેંક, આવાં આવાં નામ અમારા કાન પર અથડાતાં. દિનુ, વિનાયક, ચરણ, વસંત, મોહન જેવા છોકરાઓની માયું ગમે ત્યારે જમાડે, ખાઉ આપે. આથી ‘સુકરુંડે’ કોની બા સારાં બનાવે, કોના ઘરના ‘એરાપ્પે’ સારા, ‘ચવડે’ સૌથી ફરસાં કોનાં, એની બધીયે ખબર અમો બાળકોને બરાબર રહેતી. મજમુદારનાં ઘરડાં માજી અનંત ચતુર્દશીને દિવસે સોસાયટીનાં બાળકોને એક એક વાડકી ખીર આપે. એમાં કિસમિસ હોય અને કેસરની સુગંધ પણ હોય. આ બધાં સુખોની આડે જો સાચે જ કોઈ આવતું હોય તો તે સવારે અગિયારથી પાંચ એક પાટલી પર પાંચ પાંચ છોકરાંઓને બેસાડી રાખનારી, અંગૂઠા પકડાવનારી, કાન આમળનારી, ટેબલ પર હાથ ઊચો કરી તેના પર ફૂટપટ્ટીનો માર ખવડાવનારી અથવા તો મૌખિક હિસાબ ભૂલ્યા તો હરોળમાં આપણી નીચે ઊભેલાં અને હિસાબ બરાબર આવડનારાં છોકરાં પાસેથી આપણી કાનપટ્ટીમાં ફટકારાવીને, આપણને ‘વાંકો વળ, ગધેડા’ એવું બધું સંભળાવનારી નિશાળ. ત્યાં જતી વખતે અમારા નાટકનો રામ જ નહિ, રાવણ પણ રોજ વનવાસે જવા નીકળતો હોય તેમ નીકળતો! નાનાં બાળકો માટે છ રવિવાર અને ફક્ત એક જ સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવું જોઈએ. પછી જુઓ દરેકનું બાળપણ કેવું સુખમાં જાય છે!


– અનુ. અરુણા જાડેજા


[‘ઉદ્દેશ’ માસિક: ૨૦૦૧]