સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પેરી બાસ્કોમ/હાલરડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સંગીત-મહોત્સવમાં મશહૂર બજવૈયા ને વિખ્યાત સ્વર-કિન્નરીના કાર્યક્રમો હતા. ભવ્ય રંગભવન શ્રોતાજનોથી છલોછલ હતું. બજવૈયો વાજિંત્રાના સૂર છેડવાની હજી તો શરૂઆત કરે છે, ત્યાં જ આગલી હરોળનું એક બાળક રડવા લાગ્યું. તરત જ સૂર-સમ્રાટે વાદ્ય હેઠું મૂક્યું, અને લજ્જાભરી માતા હજારો તીણી નજરોથી પરોવાયેલાં પગલાં ભરતી બહાર નીકળવાના દરવાજા સુધીનો લાંબો પંથ ખેડી રહી ત્યાં સુધી એ વાટ જોતા ઊભા.
થોડી વાર પછી, ગાયિકાના કોકિલ-કંઠનો આલાપ શરૂ થયો. ત્યારે વળી પાછું મોખરાની જ હરોળમાંનું બીજું કોઈ શિશુ રડી ઊઠ્યું. બાલ-રુદનનો આગલો બનાવ, સ્વાભાવિક રીતે, આ માતાના સ્મરણમાં હતો. એટલે ઝટઝટ બાળકને લઈને બહાર નીકળી જવા એ ઊભી થઈ. પણ પોતાની સાથે સૂર પુરાવતા વાદ્યને બંધ કરાવી, રંગમંચની કિનારી સુધી આવીને ગાનારીએ તે મૂંઝાયેલી માતાને પોતાની બેઠકમાં પાછાં ફરવાનો ઇશારો કર્યો : “હું યે સાત છોકરાંની મા છું, બહેન,” એ બોલી : “અને કોઈ પણ બાળક રડી શકે તેના કરતાં ઊંચા સાદે હું ગાઈ જાણું છું. જે ગીત હું ગાવાની હતી તેને બદલે, ચાલ, એક હાલરડું સંભળાવું.” અને તાળીઓનો હર્ષઘેલો ગડગડાટ શમ્યો તેવી જ પોતાના પ્રિય હાલરડાના કોમળ સૂરની હલક એ કોકિલ— કંઠમાંથી નીકળવા લાગી. જોતજોતામાં બાળક જંપી ગયું — અને શ્રોતાસમુદાય પણ.