સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/ઉપવાસમાં ક્ષતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રાજકોટના ઠાકોરસાહેબે પોતાના રાજ્યની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવાની જાહેરાત ૧૯૩૯માં કરેલી. પણ પાછળથી દીવાન વીરાવાળાની સલાહ માનીને પોતાના વચનમાંથી તે ફરી ગયા હતા. એ અંગે ગાંધીજીએ લાંબી વાટાઘાટો ચલાવી. પણ તેનું કાંઈ પરિણામ ન આવતાં, પ્રજાને આપેલા વચનનું ઠાકોર પાલન કરે તે માટે ગાંધીજી આમરણ ઉપવાસ પર ઊતરેલા. પછી ઉપવાસને ચોથે દિવસે તેમણે આ બાબતમાં વચ્ચે પડવા તે વખતના વાઇસરોયને તાર કર્યો. વાઇસરોયની દરમિયાનગીરીને કારણે ઝઘડો લવાદને સોંપવા દીવાન તૈયાર થયા. હિંદની વરિષ્ટ અદાલતના વડા ન્યાયમૂતિર્ મોરીસ ગ્વાયરે દીવાનની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો. પણ દીવાન એવા ચાલાક નીવડ્યા કે કેટલીક છટકબારીઓનો લાભ લઈને એમણે ચુકાદાને વ્યવહારમાં નિરર્થક બનાવી દીધો. ત્યારે ઊંડા આત્મનિરીક્ષણ પછી ગાંધીજી એવા નિર્ણય પર આવ્યા કે એક બાજુથી પોતે કષ્ટસહન દ્વારા દીવાનનો હૃદયપલટો કરાવવા મથી રહ્યા હતા, ત્યારે બીજી બાજુથી દીવાન પર દબાણ લાવવાની અપીલ તેમણે વાઇસરોયને કરી. આટલે અંશે એમના ઉપવાસમાં ક્ષતિ રહી હતી. આને કારણે અહિંસાનો એમનો પ્રયોગ દૂષિત બન્યો. આ ભૂલ નજરે ચડતાં જ ગાંધીજીએ પોતાના વિજયનાં ફળ છોડી દેવાનો નિર્ણય કર્યો, અને લવાદના ચુકાદાને જતો કરતો પત્ર વાઇસરોયને લખી દીવાનને પણ તેની ખબર આપી.


અનુ. મણિભાઈ ભ. દેસાઈ


[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ : પુસ્તક]