સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અનન્ય સર્વસમર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાદેવભાઈના જીવન વિશે વિચાર કરતાં સૌનાં મન ઉપર જે ઊડામાં ઊડી છાપ પડે તે તેમના સર્વસમર્પણની. આપણા જમાનામાં કેવળ અંધશ્રદ્ધાનું સમર્પણ કોઈ વ્યકિતના જીવનમાં મળી આવે, પણ જેની બુદ્ધિશકિત વિસ્તૃત શિક્ષણથી અને વાચન-મનનથી પૂર્ણ ખીલેલી છે એવી વ્યકિતનું સર્વસમર્પણ જેવું મહાદેવભાઈમાં જોઈએ છીએ તેવું બીજા કોઈમાં જોતા નથી. જે વ્યકિત ખરેખર આત્મસમર્પણ કરે છે તેની કેટલીક શકિતઓ ન જ દેખાય. મહાદેવભાઈમાં કેટલીક વિરલ અને અસાધારણ શકિતઓ નાનપણથી હતી. એમની સ્મરણશકિત આશ્ચર્ય પમાડે એવી હતી. બહુ નાનપણનો એમણે મને એક કિસ્સો કહેલો. પોતે એકડિયામાં ભણતા હતા, અને પાસે જ પહેલી કે બીજી ચોપડીનો ક્લાસ ચાલતો હતો. એ ક્લાસમાં ઇન્સ્પેક્ટર આવ્યા. કંઈ સવાલ પૂછ્યો; આખા વર્ગને ન આવડ્યો. મહાદેવભાઈથી ન રહેવાયું અને પોતે બોલી ઊઠ્યા: “હું કહું?” એ વખતે એમને બીજા ક્લાસના કેટલાય પાઠો માત્ર સાંભળવાથી જ મોઢે આવડતા હતા અને તેમાંના કોઈ એમણે ત્યાં બોલી બતાવ્યા! એ તો નાનપણની વાત થઈ. પણ બારડોલીની રેવન્યૂ તપાસણીમાં બંને અંગ્રેજ ન્યાયાધીશો એક પછી એક પ્રશ્ન મામલતદારને પૂછે અને પોતપોતાની નોંધ કરે. મહાદેવભાઈએ બંનેની નોંધોનું ટાંચણ કરી લીધું. એમની લખવાની ઝડપ પણ બહુ જબરી હતી. આખી જુબાની, એમણે પછી એ અમલદારોને જોઈ, સુધારાવધારા કરી, પાછી આપવા મોકલી આપી. બંને ચકિત થઈ ગયા કે આટલું બધું એમણે યાદ શી રીતે રાખ્યું? એમનું વાચન પણ વિશાળ હતું. હું ઇચ્છું કે કોઈ એમણે વાંચેલી ચોપડીઓની યાદી બનાવે. અમે બોર્ડિંગમાં હતા ત્યારે પણ એમનું વાચન ઘણું વિશાળ હતું, અને એમાંથી લાંબાં અવતરણો ગમે ત્યારે આપી શકતા. મેં પોતે આટલી સ્મરણશકિતવાળો કોઈ માણસ જોયો નથી. ભાષા સમજવાની—નવી ભાષા શીખવાની—એમની શકિત પણ અજબ હતી. અમે જેલમાં ભેગા હતા. લોર્ડ એક્ટનનું નાનું સરખું ઇતિહાસ પરનું પુસ્તક અમારી સાથે હતું. એમાં પાછળ ફ્રેંચ ભાષામાં લાંબાં અવતરણો હતાં. અમારા અબ્બાસ તૈયબજી દાદાને ફ્રેંચ આવડતું. એમની પાસે આ અવતરણો પરથી એમણે ફ્રેંચ શીખવા માંડ્યું. થોડી વારમાં તો અબ્બાસ કરતાં એ પોતાની મેળે આગળ નીકળી ગયા. તેમણે કાંઈક પૂછ્યું. અબ્બાસ સાહેબે કહ્યું કે તે પોતાને નહોતું આવડતું. મહાદેવભાઈએ પૂછ્યું: “આવો અર્થ ન હોઈ શકે?” અબ્બાસસાહેબ કહે: “કમબખ્ત! તું તો મારા કરતાં પણ વધારે આગળ ગયો. હવે મને પૂછવા ન આવીશ!” તેમને અંગ્રેજી તો ઘણું સારું આવડતું. મહાત્માજી સાથે રહ્યા પછી તેમનામાં મહાત્માજી જેવું જ અંગ્રેજી લખવાની શકિત આવી ગઈ. મહાત્માજી તેમનું લખાણ ભાગ્યે જ સુધારતા. તેમનું શબ્દભંડોળ—અંગ્રેજી, ગુજરાતી બંને—મોટું હતું. એમની ડાયરીઓને જગતસાહિત્યમાં હું તો અનન્ય માનું છું—વિષયની મહત્તાની દૃષ્ટિએ, લેખકની સચ્ચાઈની દૃષ્ટિએ અને લેખકની શકિતની દૃષ્ટિએ. [‘મનોવિહાર’ પુસ્તક: ૧૯૫૬]