સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આ વિસ્તાર तेनो છે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક સદ્ગૃહસ્થ ચાલ્યા જતા હતા. રસ્તામાં તે છાપું ખરીદવા ઊભા રહ્યા. છાપાંવાળા છોકરાએ કહ્યું, “હું તમને છાપું નહીં આપી શકું, સાહેબ!” “કેમ? શા માટે નહીં? થોડા વખત પહેલાં તો તું જ છાપાં વેચવાની બૂમ પાડતો જતો હતો!” “હા, પણ એ તો પેલા નાકા સુધી જ.” “રહેવા દે પંચાત; ચાલ, મારે ઉતાવળ છે; જલદી એક છાપું આપી દે.” “અહીં હું આપને છાપું નહીં આપી શકું, કારણ કે આ વિસ્તાર લિંપીનો છે. અત્યારે તે પેલે છેડે છે, ત્યાંથી તેની પાસેથી છાપું લઈ લેજો.” “લિંપી વળી કોણ છે? અને આ વિસ્તાર રૂહ્રઙદ્બહ્ર છે એટલે વળી શું?” “એટલે એમ, સાહેબ, કે ૐહ્ર બધા છોકરાઓએ મળીને નક્કી કર્યું છે કે આટલો વિસ્તાર લિંપી માટે રાખવો. એ બિચારા લંગડાથી અમારી જેમ ઝટ બધાં મકાનોમાં પહોંચી શકાતું નથી; એટલે અમે નક્કી કર્યું કે આટલા ભાગમાં તેને એકલાને જ છાપાં વેચવા દેવાં. સમજ્યા?” “હા, સમજ્યો. તમારું અહીં યુનિયન જેવું લાગે છે!” “યુનિયન-બુનિયન તો ઠીક; પણ એ છોકરો લંગડો છે, એટલે અમે અંદરોઅંદર આવી ગોઠવણ કરી લીધી છે... જુઓ, પેલો આવે લિંપી!” પેલા ગૃહસ્થે લિંપી પાસેથી બે છાપાં ખરીદ્યાં અને ચાલતાં ચાલતાં એમના મનમાં વિચાર આવ્યો કે પોતાના વર્ગના જ નબળા પડેલા કોઈ વેપારીને આ રીતે તક આપવા માટે પોતાનો માલ વેચવાનું કેટલા વેપારી જતું કરે?