સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ઓળખો છો આમને?
આજીવન બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરનાર અનંત વાસુદેવ સહસ્રબુદ્ધેએ ૧૯૨૦થી માંડીને સ્વરાજ માટેની દરેક લડતમાં ભાગ લીધેલો. તિલક રાષ્ટ્રીય વિદ્યાપીઠ (પુણે)થી એમના સાર્વજનિક જીવનનો આરંભ થયેલો. તેમાં હરિજનોને પ્રવેશ આપવાના મુદ્દા પર સંસ્થાને મળતી સહાય બંધ થઈ ગઈ ત્યારે વિદ્યાર્થીઓ સાથે ડાંગરનાં ખેતરોમાં મજૂરી કરીને તેમણે સંસ્થાનું ખર્ચ કાઢેલું. દલિતવાસમાં જઈને એમણે રાત્રીશાળાઓ ચલાવેલી. અબ્રાહ્મણોને જનોઈ આપવાનો મોટો સમારંભ રચીને તેમણે બ્રાહ્મણોનો રોષ વહોરી લીધો હતો. ૧૯૧૯માં એમણે પ્રથમ વાર ગાંધીજીનાં દર્શન કર્યાં. મૂળ તો ગાંધીજીની સભામાં ધાંધલ મચાવવા મિત્રો સાથે ગયા હતા, પણ ગાંધીજીના ભક્ત બની ગયા. પછી સાબરમતી આશ્રમમાં આવીને ખાદી-ઉદ્યોગની સંપૂર્ણ તાલીમ લીધી. આંધ્રપ્રદેશના મેટપલ્લી ખાદી કેન્દ્રને તેમણે જોતજોતામાં લાખોનું ઉત્પાદન કરતું કરી દીધું. ૧૯૩૪માં બિહાર ધરતીકંપના સેવાદલમાં જોડાયા. પછીને વરસે મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિના મંત્રી બન્યા. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ લડત વખતે બોંબની હેરવણીફેરવણી કરતા. સ્વરાજ મળ્યા પછી ૧૯૫૧માં ગ્રામોદ્યોગની જાણકારી મેળવવા જાપાન ગયા. ત્યાંથી આવીને અખિલ ભારત ચરખા સંઘના મંત્રી બન્યા. ભૂદાન આંદોલનમાં જોડાયા. કોરાપુટ (ઓરિસા)માં જિલ્લાદાન થતાં ત્યાં નવ-નિર્માણનું કામ ચાર વરસ સુધી કર્યું.
પોતાની નિવૃત્તિ સુધી મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં શિક્ષણકાર્ય કરનાર પ્રાધ્યાપક કાણેકરની સર્જક પ્રતિભા પણ સાથોસાથ ખૂબ પાંગરી. લલિત નિબંધ, લઘુકથા, નાટક, પ્રવાસવર્ણન, પત્રકારિત્વ, રાજકારણ, ચલચિત્રો—એમ અનેક ક્ષેત્રમાં તેમણે કલમ ચલાવેલી છે. ૧૯૩૩માં સ્થપાયેલી ‘નાટ્ય મન્વન્તર’ સંસ્થા દ્વારા શિક્ષિત મરાઠી મહિલાઓને રંગમંચ પર લાવનારા એ પ્રથમ નિર્માતા હતા.
ઇન્દોરના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા અશરફખાન નાનપણથી જ દિવસમાં પાંચ વખત નમાજ પઢતા. ધર્માચરણ માટેના અનુરાગની સાથે સાથે નાટ્યભૂમિ પ્રત્યેનું આકર્ષણ એટલું ભારે થયું કે નાની વયે ઘરેથી નાસી જઈને વાંકાનેર નાટક કંપનીમાં જોડાઈ ગયેલા. કુટુંબના માણસોને થયું કે છોકરો ખોટા છંદે ચડ્યો છે, એટલે શોધખોળ કરી, તેને સમજાવી ઘેર પાછો લાવ્યા. પણ અશરફની ઉંમર પચીસ વર્ષની થઈ ત્યારે રંગભૂમિ માટેની તેની ઝંખના પિછાણીને પરિવારજનોએ તેને પારસી નાટક મંડળીમાં જોડાવાની રજા ૧૯૦૫માં આપી. ત્યાં ‘ઝહરી સાપ’ નામના તેના પ્રથમ નાટ્યપ્રયોગમાં જ અશરફે પોતાનામાં રહેલી અભિનય-ક્ષમતાનો પરિચય કંપની-સંચાલકોને કરાવ્યો. તેને ઉર્દૂ ભાષા, અભિનય, સંગીત વગેરેની વ્યવસ્થિત તાલીમ મળે તે માટે અમૃત કેશવ નાયક અને પંડિત નારાયણપ્રસાદ જેવા ગુરુઓ પાસે મૂકવામાં આવ્યો. એ રીતે અશરફખાને નાટ્યકલામાં પ્રવીણતા મેળવી. ૧૯૧૪માં તે આલ્ફ્રેડ નાટક કંપનીમાં માસિક પચીસ રૂપિયાના પગારથી જોડાયા. ગુજરાતી ભાષામાં પહેલું નાટક તેમણે કરાંચીમાં રજૂ કર્યું, ત્યાં સુધી તો હિન્દી અને ઉર્દૂ નાટકો જ એમણે ભજવેલાં. પણ ઉચ્ચ કોટિના અભિનેતા તરીકેની કીર્તિ તેમણે ગુજરાતી રંગમંચ દ્વારા જ પ્રાપ્ત કરી. ‘માલવપતિ’ નાટકના પ્રથમ પ્રયોગથી જ મુંજ તરીકેનો તેમનો અભિનય ખૂબ વખણાયો. ‘સિરાજુદૌલા’ નાટકમાં દારૂડિયા સિરાજનું મુખ્ય પાત્ર એમને મળ્યું. દારૂને ક્યારેય હાથ ન અડાડનાર અશરફખાને એ પાત્ર એવી અદ્ભુત રીતે ભજવ્યું કે પ્રેક્ષકો એમના અભિનય પર ફિદા થઈ ગયા. પછી તો અનેક નાટકોમાં એમણે સફળ ભૂમિકાઓ ભજવી.
મૂળ નામ જોન રોલેન્ડ્ઝ. જન્મ પછી તરત પિતૃસુખ ગુમાવ્યું. માતાએ તેને ત્યજી દીધો. અનાથાશ્રમમાં ઉછેર થયો. છ વરસની વયે એક ધર્માદા સંસ્થામાં મૂકવામાં આવ્યો. ત્યાં કાળી મજૂરી ને મારઝૂડમાંથી નાસી છૂટીને વતન ઇંગ્લેન્ડથી અમેરિકા જતા જહાજમાં કેબિન-બોય તરીકે એ ચડી ગયો. ત્યાં એક દુકાનના માલિક પાસેથી એને આશરો ને નોકરી મળ્યાં. એ રાંક, લાચાર છોકરામાં જોતજોતામાં ખુમારી પ્રગટી. માલિકની પત્ની બીમાર પડી ત્યારે છોકરાએ ઘણી ચાકરી કરી. તે તો બચી નહીં, પણ છોકરાની સેવાથી ગદ્ગદ બનેલો માલિક હવે તેને પુત્ર સમાન ગણવા લાગ્યો. માલિકનું નામ હતું હેન્રી મોર્ટન સ્ટેનલી. તે પછી ઇંગ્લેન્ડવાળું નામ જોન રોલેન્ડ્ઝ લુપ્ત થયું, તેનું સ્થાન લીધું પિતા સમાન એ પુત્રે આપેલા પોતાના નામે: હેન્રી મોર્ટન સ્ટેનલી. થોડો વખત લશ્કરમાં કામ કરીને હેન્રી એક અખબારનો ખબરપત્રી બની ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશોમાં ઘૂમ્યો. પછી ન્યુયોર્કના ‘હેરલ્ડ’ દૈનિકના માલિક જેમ્સ બેનેટે સ્ટેનલીને એક કામગીરી સોંપી: આફ્રિકાનાં અંધારાં ઉલેચવા ગયેલા શોધસફરી ડેવિડ લિવિંગસ્ટનનો ઘણા વખતથી પત્તો નહોતો, તેની આફ્રિકા જઈને ભાળ લગાડવાની. ઘાસની ગંજીમાં ખોવાયેલી સોય શોધી કાઢવા જેવી એ વાત હતી. અનેક મુસીબતો ભરેલી રઝળપાટને અંતે ૧૮૭૧ના નવેમ્બરમાં તેની ખોજ પૂરી થઈ ત્યારે સ્ટેનલીએ ઉચ્ચારેલા શબ્દો ઇતિહાસમાં અંકાઈ ગયા છે: “હું ધારું છું કે આપ જ ડો. લિવિંગસ્ટન હશો!” આફ્રિકાથી પાછા ફરીને સ્ટેનલીએ એક પુસ્તક લખ્યું: ‘ડો. લિવિંગસ્ટન મને કેવી રીતે મળ્યા’. તે પછી આફ્રિકાના અજાણ પ્રદેશોની ખોજમાં એણે કેટલીયે સફરો કરી: ૧૮૭૪-૭૭માં, ૧૮૭૮માં, ૧૮૭૯-૮૪માં અને છેલ્લે ૧૮૮૭-૮૯માં. એ દરેકનાં બયાન આપતાં પુસ્તકો પ્રગટ કર્યાં. જીવનનાં છેલ્લાં વરસોમાં સ્ટેનલી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય ચૂંટાયા હતા. એમને ‘સર’નો ખિતાબ મળેલો. સ્ટેનલીની આરામગાહની નીચે તેના સમગ્ર જીવનના સરવૈયારૂપ એક જ શબ્દ કોતરેલો છે: ‘આફ્રિકા’.
મૂળશંકર પ્રા. ભટ્ટ
[‘વિશ્વપ્રસિદ્ધ વ્યકિત-કોશ’ પુસ્તક]