સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કલાકારને સવાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૩૮માં કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ગામે ભરાયું હતું તે વખતે સુશોભન કરવા માટે ગાંધીજીએ શાંતિનિકેતનથી કલાકાર નંદલાલ બોઝને નોતરેલા. એમની દોરવણી નીચે તૈયાર થયેલું કળા અને ગ્રામ-ઉદ્યોગને લગતું પ્રદર્શન જોવા ગાંધીજી આવ્યા ત્યારે તેમાં મૂકેલી વસ્તુઓ એમણે ખૂબ ઝીણવટથી તપાસવા માંડી. એકએક ચીજ જુએ અને ક્યાંના કારીગરે તે બનાવી, તેમાં શી વિશેષતા છે, શી ખામી છે તેની ચર્ચા કરતા જાય. એ રીતે આગળ ચાલતાં ચાલતાં બાપુ એકાએક થંભી ગયા અને પ્રદર્શન-મંડપની લીંપેલી ભોંયને એકીટશે ક્યાંય સુધી નિહાળી રહ્યા. ધરતી સામે આટલું ટીકીટીકીને એ શું જોઈ રહ્યા છે, તેની કોઈને ગમ ન પડી. વાત એમ હતી કે પ્રદર્શનનું છાપરું સૂકાં તાલપત્રોથી છાજેલું હતું, અને મધ્યાહ્ને સૂર્ય માથા પર આવવાથી તેનો તડકો એ પાંદડાં વચ્ચેથી પ્રવેશીને નીચે લીંપેલી ભોંય પર આકર્ષક ભાત પાડતો હતો. એ જોવામાં બાપુ તલ્લીન બની ગયા હતા. થોડી વાર પછી જાણે સમાધિમાંથી જાગતા હોય તેમ, બાપુ નંદબાબુ તરફ ફરીને બોલ્યા, “તમે આના જેવું તો ન કરી શકો, ખરું ને?” [‘બાપુની બલિહારી’ પુસ્તક : ૧૯૭૦]