સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખરી જરૂર!

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નાના એવા શહેરના મુખ્ય રસ્તા પરથી બેફામ ઝડપે પસાર થતી એક અમીરી મોટરગાડીને પાછળથી એને આંબી ગયેલા મોટરસાઇકલ-સવાર પોલીસે ઊભી રખાવી. હાંકનાર સન્નારીનાં નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડયાં, એટલે બાનુ જરા ગરમ થઈને બોલ્યાં : “તમે વધારે કાંઈ લખો તે પહેલાં એટલું જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.” એક શબ્દ પણ બોલ્યા વિના પોલીસે નોંધ ટપકાવવી ચાલુ રાખી. “અહીંના પોલીસ-ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.” સન્નારીએ આગળ ચલાવ્યું. એમના મિજાજનો પારો ચડતો જતો હતો, તે છતાં પેલાએ તો ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું. “ભલા આદમી, હું તમારા મેજિસ્ટ્રેટને અને અહીંના ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું.” નોંધ પૂરી કરીને ડાયરી બંધ કરતાં પોલીસે અંતે મધુરતાથી પૂછ્યું : “હવે કહો જોઈએ, તમે કાનજી રવજીને પણ ઓળખો છો?” “ના?” બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું. “ત્યારે ખરી જરૂર તમારે તેની ઓળખાણની હતી,” પોતાની મોટરસાઇકલ પર ચડતાં એણે કહ્યું, અને પછી ઉમેર્યું : “હું કાનજી રવજી છું.”