સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખાસ કાંઈ ફેર નથી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


“આવો માસ્તર.” “હા, કલ્પનાબેન. અમારાં અરુણાબેન ક્યાં છે?” “બહાર શેરીમાં રમતાં હશે. જુઓને, એમને ક્યાં પગ વાળીને બેસવું છે? આખો દિવસ દોડાદોડી, ને ઘરમાં તો ધમાચકડી મચાવે છે. કોણ જાણે બાલમંદિરે તો શું યે કરતાં હશે!” “બાલમંદિરે આવીને તો રમે છે ને મજા કરે છે; ત્યાંનાં કામો કરે છે.” “પણ મને તો થાય છે કે આ બધાં કચ્ચાંબચ્ચાંને તમે રાખતા હશો કઈ રીતે?” “અમારે એમને કાંઈ ખાસ રાખવાં પડતાં નથી. એ તો એમની મેળે કામ કર્યે જાય છે.” “કામ કરે ને રમે, એ બધી વાત સાચી; પણ એમને કાંઈ ભણાવવાનું ખરું કે નહીં?” “બાલમંદિરનાં જુદાં જુદાં કામ એવી રીતે ગોઠવેલાં હોય છે કે એમાં જ એમનું ભણતર થતું જાય છે.” “આ અમારી અરુણાને તો કાંઈ આવડતું જ નથી. આટલા વખતથી બાલમંદિરે જાય છે, પણ હજુ કાંઈ શીખી નથી.” “કેમ? બાલમંદિરે આવતાં થયાં પછી અરુણાબેનમાં કાંઈ ફેર નથી લાગતો?” “ના રે ભાઈ, કંઈ ફેર નથી; હજી તો દસ સુધીયે લખતાં આવડયું નથી.” “દસ સુધી લખતાં આવડે તો જ ફેર પડયો કહેવાય? એ નહીં આવડતું હોય, પણ બીજો કોઈ જાતનો ફેર એમના વર્તનમાં લાગે છે કે નહીં?” “મને તો કોઈ ફેર લાગતો નથી. તમે જ કહોને, કેવો ફેર?” “એ ઘેર જેટલો સમય રહે એ દરમ્યાન હાલવું-ચાલવું, ખાવું-પીવું, બીજાં ભાઈબહેન સાથે રહેવું — એ બધાંમાં બાલમંદિરે આવ્યા પછી કાંઈ ફેર લાગે છે ખરો?” “હા, એવું થોડું ખરું. ખાતી વખતે પહેલાંની જેમ કજિયા ન કરે, ને જમ્યા પછી ભાણાની આજુબાજુની જગ્યા સાફ કરે. બસ, આટલો ફેર; બીજો ખાસ કાંઈ ફેર નથી.” “પછી શેરીમાં બીજાં છોકરાં સાથે કેવી રીતે રહે છે?” “હા, એમાં પણ કાંઈક સમજણી થઈ લાગે. બાઝવા-કરવાનું હવે ઓછું થયું છે. બાકી બીજો તો કાંઈ ફેર નથી.” “બાલમંદિરે પરાણે તૈયાર કરીને મોકલવાં પડે?” “ના, એમ તો હેમુભાઈ આવે તે પહેલાં જ તૈયાર થઈ જાય. હાથપગ ધોવાનું, કપડાં બદલાવવાનું ગમે. પણ બાકી તો કાંઈ ખાસ ફેર નથી.” “બીજું કાંઈ ધ્યાનમાં આવ્યું છે?” “બીજું તો શું? આ એકલી એકલી લીટી-બે-લીટી ગાયા કરે ને બધાં સાથે રમ્યા કરે. મોઢામાં આંગળાં-બાંગળાં હવે ઓછાં નાખે. બસ, બીજો કાંઈ ખાસ ફેર નથી.” “ત્યારે બેન, આ તમે કહ્યા તે બધા ફેરફાર કાંઈ ઓછા કહેવાય? બાળકોમાં સારી ટેવો પડે એ તો સારું ને?” “ભાઈ, ઈ તો છે જ ને!” થોડી બીજી વાતો કરીને હું છૂટો પડયો. પણ મારા કાનમાં પેલું ગુંજતું રહ્યું : “બીજો ખાસ કાંઈ ફેર નથી!”