સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રમતનું ગાંડપણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણા દેશમાં ક્રિકેટની રમત વધુ લોકપ્રિય છે, પણ દુનિયાના ઘણાખરા દેશો ફૂટબોલ પાછળ ગાંડા છે. રમતગમતનો આ શોખ અને આનંદ જ્યારે ઘેલછા બનીને પાગલપણાની હદ વટાવે, ત્યારે કેવાં ગંભીર પરિણામો આવે એ પણ જાણવા જેવું છે. ૨૦૦૨ના વર્લ્ડ કપમાં યજમાનદેશ જાપાનની ટીમે રશિયાની ટીમને હાર આપી તેના કારણે રશિયામાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ફૂટબોલની મૅચ અને દુર્ઘટનાઓનો આ સંબંધ બહુ જૂનો છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણો: ૧૯૬૪માં પેરુ દેશમાં એક ફૂટબોલ મૅચમાં રૅફરીનો એક નિર્ણય પ્રેક્ષકોને પસંદ ના પડ્યો. આટલા કારણસર પ્રેક્ષકોમાં ઘમસાણ તોફાન ફાટી નીકળ્યું, જેમાં ૩૦૦થી વધુ મૃત્યુ પામ્યા અને ૫૦૦થી વધુ ગંભીર ઈજા પામ્યા. ફૂટબોલની મૅચની આ સૌથી મોટી દુર્ઘટના ગણાય છે. ૧૯૭૧માં, સ્કોટલૅન્ડમાં એક મૅચ પૂરી થયાનું માની પ્રેક્ષકો સ્ટેડિયમ બહાર જવા લાગ્યા. દરમિયાન, મૅચમાં છેલ્લી ઘડીએ ગોલ થયાનું જાણી પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં પાછા ફરવા ધસારો કર્યો. પરિણામ? ૬૬ ચગદાઈ મર્યા. એવો જ એક કિસ્સો ૧૯૮૨માં મોસ્કોમાં બન્યો અને ૩૪૦ લોકો મર્યા. ૧૯૮૫માં ઇંગ્લૅન્ડના એક સ્ટેડિયમમાં મૅચ દરમિયાન આગ લાગતાં ૫૬ પ્રેક્ષકો ભૂંજાઈ મર્યા. એ જ વર્ષે, માત્ર ૧૮ દિવસ પછી, બેલ્જિયમમાં દારૂ પીને છાકટા બનેલા પ્રેક્ષકો અંદરોઅંદર બાખડી પડ્યા. મૅચ રમતી બંને ટીમોના સમર્થકોને અલગ રાખવા માટે વચ્ચે કોંક્રિટની એક દીવાલ હતી, પરંતુ ધસારો એવો આવ્યો કે દીવાલ તૂટી પડી અને ૩૯ લોકો ચગદાઈ મર્યા. ૧૯૮૮માં નેપાળના કાઠમંડુમાં વિજયી ટીમના સમર્થકો જીતથી ગાંડાતૂર બન્યા. અન્ય લોકો એમાંથી બચવા ભાગ્યા, પણ સ્ટેડિયમના દરવાજા બંધ હતા. લગભગ ૮૦ મૃત્યુ પામ્યા. ૧૯૮૯માં, ઇંગ્લૅન્ડમાં ફરી બંને ટીમના સમર્થકોને અલગ પાડતી દીવાલ પ્રેક્ષકોના ધસારાથી તૂટી પડી. બ્રિટનની સૌથી ભીષણ એવી આ ફૂટબોલ દુર્ઘટનામાં ૯૬ લોકોએ જીવ ખોયો. ૨૦૦૧માં ઘાનામાં એક મૅચ વખતે ૧૨૦ લોકોનાં મરણ નીપજ્યાં. આફ્રિકાની આ ફૂટબોલ સંબંધિત સૌથી મોટી દુર્ઘટના છે. [‘આફતનિવારણ’ માસિક: ૨૦૦૨]