સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વીરતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કારગીલ, સીઆચેન, કાશ્મીર અને ભારતની ઉત્તર-પૂર્વ સરહદ પર વીરતા બતાવનારા ભારતના જવાનોનું વિવિધ પ્રકારના ચંદ્રકો વડે રાષ્ટ્રપતિના હાથે સન્માન કરવામાં આવ્યું. તેમાંના ૨૯ તો મરણોત્તર ચંદ્રકો હતા, જે એ શૂરવીર શહીદોની વતી એમનાં સ્વજનોએ સ્વીકારેલા હતા. વિજયંત થાપર નામના એવા એક શહીદ વતી વીરચક્ર સ્વીકારવા એનાં ૮૦ વરસનાં દાદીમા સુમિત્રાદેવી લાકડીને ટેકે ધીમે ધીમે, મગરૂરીભેર, ચમકતી આંખોમાંથી એક પણ આંસુ વહાવ્યા વગર સભામંચનાં પગથિયાં ચડી રહ્યાં હતાં, તેમને જોઈને ભાવવિભોર બનેલા રાષ્ટ્રપતિ જાતે નીચે ઊતરી આવ્યા હતા. લશ્કરના સૈનિકોની સાથે એક મરણોત્તર શૌર્યચક્ર કાનપુરના રમેશચંદ્ર યાદવ નામના નાગરિકને પણ અર્પણ કરવામાં આવ્યો હતો. હાઈવે પર જતી એક બસને અટકાવીને ડાકુઓ લૂંટ ચલાવી રહ્યા હતા ત્યારે વચમાં પડીને, જેમને એમણે અગાઉ કદી જોયેલા પણ નહોતા એવા મુસાફરોના બચાવમાં એ ખપી ગયેલા.