સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/શું વાંચશું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિતા

બાળ ગરબાવળી (૧૮૭૭): નવલરામ લ. પંડ્યા સ્ત્રી-કેળવણીના ઉદ્દેશથી રચાયેલી આ કૃતિઓમાં ભણતરથી માંડીને માતૃત્વ સુધીના સ્ત્રીજીવનના કાળનું આલેખન થયું છે. દલપતકાવ્ય: ૧-૨ (૧૮૭૯): દલપતરામ કવિ આ રચનાઓમાં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાનો હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશભકિત અને સમાજાભિમુખતા પણ છે. જેમ બને તેમ સહેલી-સરલ અને ઠાવકી કવિતા રચવાની કવિની નેમ છે. કલાપીનો કેકારવ (૧૯૦૩): સુરસિંહજી ગોહિલ, ‘કલાપી’ ૨૬ વરસના ટૂંકા આયુષ્યમાં રચાયેલાં ૨૫૦ જેટલાં કાવ્યોને સમાવતો સર્વસંગ્રહ. એની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે. કાવ્યમાધુર્ય (૧૯૦૩): સં. હિંમતલાલ ગ. અંજારિયા પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની ધાટીએ થયેલું, ૧૯મી અને ૨૦મી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું નોંધપાત્ર સંપાદન. સંપાદકની કાવ્યરુચિ, સાહિત્યની સમજ તથા એમના સરળ પ્રવાહી અને છટાયુક્ત ગદ્યનો તેમાં પરિચય મળે છે. ન્હાના ન્હાના રાસ: ૧-૩ (૧૯૧૦-૧૯૩૭): ન્હાનાલાલ કવિ લય, અલંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ રાસસંગ્રહોમાં ઊતરી આવેલી છે. ભણકાર (૧૯૧૮): બળવંતરાય ક. ઠાકોર પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ કાવ્યસંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. રાસતરંગિણી (૧૯૨૩): દામોદર ખુ. બોટાદકર સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય ત્રણ કાવ્યસંગ્રહો પછીના આ ચોથા સંગ્રહમાં કવિએ લોકગીતોના ઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યકિત સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. પૂર્વાલાપ (૧૯૨૬): મણિશંકર ભટ્ટ, ‘કાન્ત’ દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યકિતપ્રેમ નિરૂપતાં આ કાવ્યો અનન્ય રચનાઓ છે. ઇલા-કાવ્યો (૧૯૩૩): ચંદ્રવદન મહેતા આ કાવ્યોમાં ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. કોયા ભગતની કડવી વાણી (૧૯૩૩): સુન્દરમ્ જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના અહીં રજૂ થયાં છે. બારી બહાર (૧૯૪૦): પ્રહ્લાદ પારેખ મધુર, સુરેખ અને સંવેદ્ય કાવ્યો. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. આંદોલન (૧૯૫૧): રાજેન્દ્ર શાહ પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ જેવા સનાતન વિષયોનું નિરૂપણ કરતાં સાઠ ગીતોનો આ સંગ્રહ, ન્હાનાલાલનાં ગીતો પછીનું ગીતક્ષેત્રનું મહત્ત્વનું પ્રસ્થાન છે. પરિક્રમા (૧૯૫૫): બાલમુકુંદ દવે ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊમિર્-આલેખન અને પ્રાસાદિક અભિવ્યકિતથી દીપ્ત કાવ્યોનો ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવતો સંગ્રહ.

જીવનચરિત્ર

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ (૧૯૨૫): મો. ક. ગાંધી દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન ગાંધીજીને જે કીમતી અનુભવો થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ. એમનું જીવનઘડતર, રંગદ્વેશ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ—બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. સત્યના પ્રયોગો (૧૯૨૭): મો. ક. ગાંધી આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિર્વ્યાજ સરલતા અને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરસ્સર વિનિયોગ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યકિત—આ બધાં વડે શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે. સોરઠી બહારવટિયા: ૧-૩ (૧૯૨૭-૧૯૨૯): ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની ભૂમિમાં બહારવટે ચઢેલા નરબંકાઓનાં ચરિત્ર-ચિત્રોના સંગ્રહો. દોઢસો-બસો વર્ષ પૂર્વેનાં લોકમાનસ અને રાજમાનસનું દસ્તાવેજી ચિત્રણ આપતી આ કથાઓમાં અન્યાય સામે ઝૂઝનારા સ્વમાની પુરુષોનાં શૌર્ય-પરાક્રમ-ટેકને નિરૂપવામાં આવ્યાં છે. મારી હકીકત (૧૯૩૩): નર્મદાશંકર લા. દવે સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને લેખકે અહીં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તે ગાંધીજીના સમર્થ પુરોગામી છે. વીર નર્મદ (૧૯૩૩): વિશ્વનાથ મ. ભટ્ટ ચરિત્ર-અભ્યાસના ઉત્તમ નમૂનારૂપ આ ગ્રંથમાં પ્રેમ અને શૌર્યથી ઊછળતા નર્મદ-જીવનનો ચરિત્રકારે ટૂંકો પણ મામિર્ક પરિચય કરાવ્યો છે. સ્મરણયાત્રા (૧૯૩૪): કાકા કાલેલકર અહીં સંચિત નાનપણનાં સ્મરણો મોટે ભાગે કૌટુંબિક જીવનનાં તેમ જ મુસાફરી અંગેનાં છે. જ્યાં જ્યાં જવાનું થયું ત્યાંનું લોકજીવન તથા ત્યાંનાં પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન ઉપર કાયમી છાપ મૂકી ગયેલી વ્યકિતઓ અને પ્રસંગો એ આ પુસ્તકની મુખ્ય સામગ્રી છે. ગાંધીજીની સાધના (૧૯૩૯): રાવજીભાઈ મ. પટેલ ગાંધીજીના આફ્રિકાના નિવાસ દરમિયાનની ત્યાંની સત્યાગ્રહની લડત તેમજ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ. જીવનનાં ઝરણાં: ૧-૨ (૧૯૪૧-૧૯૬૦): રાવજીભાઈ મ. પટેલ સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક, એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો રજૂ કરતા આ આત્મવૃત્તાંતમાં લેખકે ગુજરાતનું ૧૯૦૭થી ૧૯૫૭ સુધીનું સામાજિક અને રાજકીય વાતાવરણ આલેખ્યું છે. ગ્રંથ અને ગ્રંથકાર: ૧-૧૧ (૧૯૪૪-૧૯૪૬) ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમજ સાહિત્યની ગતિવિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશવાળી આ અત્યંત ઉપયોગી શ્રેણીના આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિ. પારેખે કર્યું છે; બાકીનાનું સાત જુદા જુદા વિદ્વાનોએ. મહાદેવભાઈની ડાયરી: ૧-૧૭ (૧૯૪૮-૧૯૮૦) મહાદેવભાઈ દેસાઈની ૧૯૧૭થી શરૂ થયેલી રોજનીશીમાં લખનારની આત્મકથા નહિ, પરંતુ મહાન ચરિત્રનાયક ગાંધીજી અંગેની વિપુલ કાચી સામગ્રી પડેલી છે. સ્વલ્પ ગુજરાતી ડાયરી-સાહિત્યમાં આ ગ્રંથો અત્યંત મૂલ્યવાન છે. જીવનપંથ (૧૯૪૯): ‘ધૂમકેતુ’ એક સામાન્ય પણ ગરવા બ્રાહ્મણ કુટુંબની જીવનપંથ કાપવાની મથામણોનો પરિચય લેખકે અહીં મોકળાશથી આપ્યો છે. બાપુના પત્રો: ૧-૧૦ (૧૯૫૦-૧૯૬૬): મો. ક. ગાંધી સ્વાભાવિકતા, સાદગી અને પારદર્શક વ્યકિતત્વનો પરિચય કરાવતા ગાંધીજીના પત્રોના આ સંચયો વિશ્વના પત્રસાહિત્યમાં નોંધપાત્ર છે. અમાસના તારા (૧૯૫૩): કિશનસિંહ ચાવડા જીવનશ્રદ્ધા અને જીવનમાંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી મનસ્તંત્રની અનેક મુદ્રાઓ પ્રગટાવતા આ લેખકના ગદ્યનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરતું પુસ્તક. એમાં રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. ઘડતર અને ચણતર (૧૯૫૪): નાનાભાઈ ભટ્ટ લેખકનો પ્રધાન ઉદ્દેશ દક્ષિણામૂતિર્ સંસ્થાનું ચિત્ર સમાજ પાસે મૂકવાનો છે. આ કૃતિ એમના જન્મ-ઉછેરથી આરંભાઈ, ચરિત્રનાયક જેમ જેમ વ્યકિત મટી સંસ્થા બનતા ગયા તેમ તેમ તે સંસ્થાની બની છે. રસિક અને પ્રેરક પ્રસંગો લેખકનું પારદર્શક વ્યકિતત્વ ખડું કરે છે. વનાંચલ (૧૯૬૭): જયન્ત પાઠક શૈશવના આનંદપર્વના આ વિશાદ-મધુર સંસ્મરણમાં શિશુવયના નિર્ભેળ રોમાંચની સૃષ્ટિ ખૂલે છે. સાથે, વતનની આદિવાસી પ્રજાની ગરીબી, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતાં જુલમ-સિતમ, એમના હરખશોકની આર્દ્ર-વેદનશીલ હૃદયમાં અંકિત છબી પણ ઊપસે છે. અભિનય-પંથે (૧૯૭૩): અમૃત જાની જૂની રંગભૂમિના સુવર્ણકાળ અંગેની મહત્ત્વની વિગતોવાળું, સંસ્મરણાત્મક શૈલીમાં લખાયેલું આ પુસ્તક દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. થોડાં આંસુ, થોડાં ફૂલ (૧૯૭૬): જયશંકર ભોજક, ‘સુંદરી’ સંનિષ્ઠ અને પારદર્શી વ્યકિતત્વ ધરાવતા ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અદાકારે ઉચ્ચ કોટિનું નાટ્યકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી, તેની સંઘર્ષમય કથા. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગતો ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. ગુજરાતના સારસ્વતો (૧૯૭૭): કેશવરામ કા. શાસ્ત્રી ગુજરાતી લેખકોનો, એમનાં પુસ્તકોના નિર્દેશો સાથે પરિચય. આત્મવૃત્તાંત (૧૯૭૯): મણિલાલ ન. દ્વિવેદી લેખક, ચિંતક અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા. નામરૂપ (૧૯૮૧): અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જીવનના વિવિધ પ્રસંગોએ ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે આવીને જીવી ગયેલાં ચરિત્રો. થોડા નોખા જીવ (૧૯૮૫): વાડીલાલ ડગલી દેશી-વિદેશી મહાનુભાવોના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને ચરિત્રસંકીર્તન આ ચરિત્ર-નિબંધોની લાક્ષણિકતા છે.

નવલકથા

સરસ્વતીચંદ્ર: ૧-૪ (૧૮૮૭-૧૯૦૧): ગોવર્ધનરામ ત્રિપાઠી આશરે ૧૮૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી આ નવલકથાએ ગાંધીજી પૂર્વેના ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊડો પ્રભાવ પાડ્યો, એનું કારણ તેમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊડું ચિંતન અને એ ચિંતનને કળારૂપ આપનારી સર્જક પ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ—એ ત્રણ સંસ્કૃતિઓના સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં વિવિધ સ્તરોમાંથી અહીં વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે તેથી એ જીવંત અને હૃદયસ્પર્શી બને છે. આજે બતાવી શકાય એવી આ કૃતિની કેટલીક મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ, આ બૃહત્ નવલકથામાં જીવનને આટલા વ્યાપક સંદર્ભોમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે, તે ઘટના સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે. ભદ્રંભદ્ર (૧૯૦૦): રમણભાઈ મ. નીલકંઠ આ હાસ્યરસિક નવલકથાનો વિષય સુધારા-વિરોધનો ઉપહાસ છે. એક અલ્પજ્ઞ બ્રાહ્મણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્ય-કટાક્ષને વિકસાવીને લેખકે નવલકથાને અને તેના મુખ્ય પાત્ર ભદ્રંભદ્રને અમર કરી દીધાં છે. ઉષા (૧૯૧૮): ન્હાનાલાલ કવિ અનેક સ્થળે કાવ્યકોટિએ પહોંચતું તાજગીભર્યું, આલંકારિક ગદ્ય ગુજરાતની આ પહેલી ગણાવાપાત્ર લઘુનવલને કાવ્યાત્મક સાહિત્યકૃતિ બનાવે છે. એમાંની ગદ્યસૌરભે એને ગુજરાતીની ‘કાદંબરી’ પણ કહેવડાવી છે. પૃથિવીવલ્લભ (૧૯૨૧): કનૈયાલાલ મુનશી તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ ઐતિહાસિક નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. કોકિલા (૧૯૨૮): રમણલાલ વ. દેસાઈ પ્રસન્નમધુર દાંપત્યજીવનનું આલેખન કરતી આસ્વાદ્ય નવલકથા. ગ્રામલક્ષ્મી: ૧-૪ (૧૯૩૩-૧૯૩૭): રમણલાલ વ. દેસાઈ ૧૨૦૦થી વધુ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા ગામડાંની અવદશાને આગળ કરે છે અને, કથાનાયક દ્વારા ગ્રામોદ્યોગના અનેક કાર્યક્રમો અમલમાં મુકાતાં, બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. બંદીઘર (૧૯૩૫): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ લેખકની પ્રથમ નવલકથા. આ રસપ્રદ કૃતિમાં જેલના અમલદારોના દમન સામેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું ભાવવાહી આલેખન છે. ભારેલો અગ્નિ (૧૯૩૫): રમણલાલ વ. દેસાઈ મુખ્યત્વે કાલ્પનિક અને કેટલાંક ઐતિહાસિક પાત્રો દ્વારા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામની ઘટનાઓનું આલેખન કરતી, એના સર્જકની સૌથી વધુ સફળ અને સંતર્પક ગણાયેલી ઐતિહાસિક નવલકથા. અમે બધાં (૧૯૩૬): જ્યોતીન્દ્ર હ. દવે, ધનસુખલાલ મહેતા રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ પછી આપણા હાસ્યસાહિત્યમાં બીજી મહત્ત્વપૂર્ણ આસ્વાદ્ય કૃતિ. દેવો ધાધલ (૧૯૩૭): ચંદ્રશંકર બૂચ, ‘સુકાની’ વિષયવસ્તુની રીતે અનોખી રહેલી સમંદરના સાવજોની આ સાહસકથા માહિતીસભર હોવા છતાં રોમાંચક રીતે વાસ્તવિકતાનું વાતાવરણ રચે છે. બસો વર્ષ પહેલાંનો જમાનો એમાં આલેખાયેલો છે. બંધન અને મુકિત (૧૯૩૯): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ ૧૮૫૭ના મુકિતસંગ્રામની પશ્ચાદભૂમાં સર્જાયેલી, અવિરત રાષ્ટ્રપ્રેમ પ્રેરતી આ નવલકથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. વળામણાં (૧૯૪૦): પન્નાલાલ પટેલ જાનપદી જીવનની, નાનકડા ફલકની પણ વિલક્ષણ કથા અહીં રજૂ થઈ છે. ગ્રામજીવનનું સાચકલું વાસ્તવલક્ષી ચિત્રણ, પ્રકૃતિનો જીવંત પરિવેશ, ગૌણ પાત્રોની પણ બળવાન રેખાઓ અને સુરેખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય આપે છે. દરિયાલાલ (૧૯૪૧): ગુણવંતરાય આચાર્ય આપણી અલ્પ દરિયાઈ સાહસકથાઓમાં નોંધપાત્ર આ નવલકથામાં કથાનું આયોજન ચુસ્ત, નાટ્યાત્મક અને આકર્ષક છે; વર્ણનો ને વસ્તુ વાસ્તવનિષ્ઠ. મળેલા જીવ (૧૯૪૧): પન્નાલાલ પટેલ ઇડરિયા પ્રદેશના પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાંત પ્રેમકથા લેખકની સીમાસ્તંભ નવલકથા છે. સુન્દરમે સાચું કહ્યું છે: “અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં, અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.” જિગર અને અમી: ૧-૨ (૧૯૪૩-૧૯૪૪): ચુનીલાલ વ. શાહ એક મૂલ્યનિષ્ઠ નાયક અને પતિવ્રતા નારીના પ્રેમની સત્યઘટનાત્મક નવલકથા. જનમટીપ (૧૯૪૪): ઈશ્વર પેટલીકર પાટણવાડિયા કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી, ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી નવલકથા. દીપનિર્વાણ (૧૯૪૪): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા આ નવલકથામાં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશકિત સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું અર્થઘટન તારવવાની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે. પાછલે બારણે (૧૯૪૭): પન્નાલાલ પટેલ દેશી રાજ્યોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોના ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા. માનવીની ભવાઈ (૧૯૪૭): પન્નાલાલ પટેલ લેખકની આ સીમાસ્તંભ નવલકથામાં પહેલી વાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશના ઉત્સવો અને રીતરિવાજો, બોલી અને લહેકાઓ વચ્ચે, તેમજ છપ્પનિયા કાળની વચ્ચે, કાળુ-રાજુની પ્રેમયાતનાને ગ્રામવાસીઓની બ્રૃહદ્ યાતનાના સંદર્ભમાં અહીં તોળેલી છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન મહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. ભવસાગર (૧૯૫૧): ઈશ્વર પેટલીકર ગ્રામસમાજની જડતા-નિષ્ઠુરતા નીચે રિબાતી, અને એ અસહ્ય બનતાં આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. પાત્રોચિત અને ભાવોચિત ભાષા અહીં સાહજિક બળકટતા પ્રગટાવી શકી છે. લેખકની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે. ઝેર તો પીધાં છે જાણી જાણી: ૧-૩ (૧૯૫૨-૧૯૮૫): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ સ્થળ-કાળના સુવિશાળ ફલક પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે, પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનનાં અંત:સ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ લેખકની આ નવલકથામાં છે. અમૃતા (૧૯૬૫): રઘુવીર ચૌધરી લેખકની સજ્જતાનો પરિચય આપતી કીતિર્દા નવલકથા. પરોઢ થતાં પહેલાં (૧૯૬૮): કુન્દનિકા કાપડિયા જીવનમાં પડેલા દુ:ખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસાંધિત થઈ શકે, એ મૂળભૂત પ્રશ્નને છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશા-કિરણની ઝાંખી કરાવતી કથા. વાંસનો અંકુર (૧૯૬૮): ધીરુબહેન પટેલ દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે, વાંસના અંકુરની પેઠે, ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુક્ત નિરૂપણ કરતી લઘુનવલ. સોક્રેટિસ (૧૯૭૪): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ, આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટિસને આ મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક નવલકથામાં આપણી વચ્ચે હરતા ફરતા કરવા લેખકને પ્રેર્યા છે. ઉપરવાસ-સહવાસ-અંતરવાસ (૧૯૭૫): રઘુવીર ચૌધરી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના ગાળામાં આપણે ત્યાં લોકજીવનમાં જે પરિવર્તન આરંભાયું, તેની આ દસ્તાવેજી કથાને લેખકે ‘વતનની આત્મકથા’ તરીકે ઓળખાવી છે. એમનો મુખ્ય રસ, નવાં પરિબળોએ માનવી-માનવી વચ્ચેના વ્યવહારો અને સંબંધો પર જે અસર પાડી છે તેનું સચ્ચાઈભર્યું આલેખન કરવામાં છે. સર્જક પાસે વતનના લોકજીવનનો વિશાળ અનુભવ હોવાથી ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાં પાત્રોનું ભાતીગળ વિશ્વ એ ઊભું કરી શક્યા છે. શીમળાનાં ફૂલ (૧૯૭૬): ધીરુબહેન પટેલ નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં, આળા હૈયાના નારીત્વને લાગણીના નમણા શિલ્પરૂપે ઉપસાવતી નવલકથા. ચિહ્ન (૧૯૭૮): ધીરેન્દ્ર મહેતા પોલિયોના રોગથી અપંગ બનેલા અત્યંત સંવેદનશીલ કથાનાયકની આત્મસન્માનપૂર્વક જીવવાની મથામણ આ નવલકથા જીવંત ગદ્યમાં રજૂ કરે છે. પરદુખ્ખભંજન પેસ્તનજી (૧૯૭૮): ધીરુબહેન પટેલ ‘ડોન કિહોટે’નું સ્મરણ કરાવતી પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમોની કથા. મૃત્યુ મરી ગયું (૧૯૭૯): ઉષા ર. શેઠ પોતાની બાર વર્ષની પુત્રીને થયેલા અસાધ્ય અને પીડાકારી વ્યાધિ સામે બળપૂર્વક ઝૂઝતાં પુત્રી અને પોતે અનુભવેલા મનસંઘર્ષની સત્યઘટનાત્મક નવલકથા. આંધળી ગલી (૧૯૮૩): ધીરુબહેન પટેલ એકલવાયા પ્રેમાળ પિતાની સારસંભાળ માટે અપરિણીત રહેતી, અને પછી લગ્નવય વટાવી જતાં લગ્નની તક ગુમાવી બેઠેલી, પુત્રીની આસપાસ વિસ્તરેલી કથા. સાત પગલાં આકાશમાં (૧૯૮૪): કુન્દનિકા કાપડિયા સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરૂપતી નવલકથા. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. ગગનનાં લગન (૧૯૮૪): ધીરુબહેન પટેલ સામાન્ય લાગતાં પાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓ ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું હાસ્ય આ કથા પીરસે છે. આંગળિયાત: (૧૯૮૬): જોસેફ મેકવાન ખેડા જિલ્લાના ગામડાના વણકરસમાજના જીવનસંઘર્ષની સંવેદનશીલ રજૂઆત કરતી પ્રાણવાન નવલકથા.

નવલિકા

પિયાસી (૧૯૪૦): સુન્દરમ્ નિમ્ન તેમજ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા સાધતી આ વાર્તાઓ સુન્દરમ્ને વાર્તાકાર તરીકે ઊચા સ્થાને સ્થાપિત કરે છે. સુખદુખનાં સાથી (૧૯૪૦): પન્નાલાલ પટેલ સરળ, શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબોલીનાં તત્ત્વોને સાંકળીને વાર્તાકથનની વિશિષ્ટ શૈલી વિકસાવવામાં, પાત્રોનાં ભીતરી વૃત્તિ-વલણો છતાં કરવામાં અને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં લેખકે પોતાના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં ઊડી સૂઝ બતાવી છે. ખરા બપોર (૧૯૬૮): જયંત ખત્રી માનવજીવનની સંકુલના સાથેનું, તેના આવેગો અને વિશમતાઓનું કરુણગર્ભ આલેખન આ વાર્તાસંગ્રહમાં થયું છે.

નાટક

ભટનું ભોેપાળું (૧૮૬૭): નવલરામ લ. પંડ્યા ફ્રેંચ પ્રહસનકાર મોલિયેરના નાટકનું આ ગુજરાતી રસાનુસારી રૂપાંતર મૌલિક હોવાનો ભાસ ઊભો કરે છે. વૃદ્ધની સાથેનાં એક કન્યાનાં લગ્નને અટકાવી, કન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટક ગુજરાતી ભાષાનું પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે. મિથ્યાભિમાન (૧૮૭૧): દલપતરામ કવિ ગુજરાતી નાટ્યસાહિત્યના આ પહેલા પ્રહસનમાં પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃત નાટક અને તળપદા ભવાઈના અંશોનું જીવંત મિશ્રણ છે. સાહિત્યિક ગુણવત્તા અને અભિનયક્ષમતાને કારણે આ નાટક યાદગાર બન્યું છે. પૌરાણિક નાટકો (૧૯૩૦): કનૈયાલાલ મુનશી આ ચાર નાટકોનું વસ્તુ પુરાણમાંથી લીધું છે, પરંતુ તેમાં કલ્પનાથી અર્વાચીન યુગભાવનાઓનું નિરૂપણ કર્યું છે. મામિર્ક સચોટ સંવાદો, કાવ્યમય બાનીછટા, માનવીય પાત્રચિત્રણ—એ આ નાટકોની વિશેષતા છે. વડલો (૧૯૩૧): કૃષ્ણલાલ શ્રીધરાણી કાવ્યતત્ત્વ, નાટ્યતત્ત્વ, સંગીત અને નૃત્યનો સમન્વય આ નાટકમાં થયો છે. તે અનેક વાર ભજવાયું છે અને તેની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે. આગગાડી (૧૯૩૩): ચંદ્રવદન મહેતા રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની અવદશા આલેખતું કરુણાંત નાટક. જલિયાંવાલા (૧૯૩૪): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે કરેલી કત્લેઆમના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. સાપના ભારા (૧૯૩૬): ઉમાશંકર જોશી ગ્રામીણ સમાજ, ગ્રામીણ પાત્રો અને ગ્રામીણ પરિસ્થિતિઓેની કોઠાસૂઝભરી કલાનિમિર્તિ આ અગિયાર એકાંકી નાટકોનો વિશેષ છે. ગ્રામજીવનની વાસ્તવિકતાને નાટકકારે લોકબોલીના વિવિધ ઘાટમાં ઉતારી છે. જવનિકા (૧૯૪૧): જયંતિ દલાલ સચોટ સંવાદો, ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, જીવનનું મામિર્ક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા—એ આ બાર એકાંકીઓની વિશેષતા છે. અલ્લાબેલી (૧૯૪૨): ગુણવંતરાય આચાર્ય ચિત્રાત્મક આલેખન અને ગતિશીલ સંવાદોવાળું આ ત્રિઅંકી નાટક તેના નાયક મૂળુ માણેકના શૌર્યવાન, ટેકીલા તથા વતનપ્રેમી વ્યકિતત્વને ઉપસાવે છે. અંતિમ અધ્યાય (૧૯૮૩): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત કહેતાં આ ત્રણ એકાંકીઓ પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊચાં ઊઠનારાં માનવીઓની જિજીવિષાના જયને નિરૂપે છે.

નિબંધ-લેખ

બાળ વિલાસ (૧૮૯૭): મણિલાલ ન. દ્વિવેદી માધ્યમિક શાળામાં ભણતી કન્યાઓ માટેનો પાઠસંગ્રહ. પૌરાણિક પાત્રો અને પ્રસંગોને લઈને લેખકે તેમાં ધર્મ અને નીતિનો ઉપદેશ આપ્યો છે. કન્યા, પત્ની અને માતાના કર્તવ્યનો બોધ આપતા આ પાઠો સુદૃઢ વિષયગ્રથન અને પ્રાસાદિક ભાષાને કારણે લઘુનિબંધના નમૂના બન્યા છે. આપણો ધર્મ (૧૯૧૬): આનંદશંકર બા. ધ્રુવ ભારતીય ધર્મ તત્ત્વદર્શનના કેટલાક મુદ્દાઓને ચર્ચતો મહત્ત્વનો ચિંતનગ્રંથ. સુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯): મણિલાલ ન. દ્વિવેદી વિભિન્ન રુચિવાળા વાચકોને રસ પડે તેવા તમામ ક્ષેત્રોના મહત્ત્વના વિષયોની તાત્ત્વિક તેમજ વ્યાવહારિક વિચારણા લેખકના નિબંધોના આ બૃહત્સંગ્રહમાં છે. આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાયો છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે. ઓતરાતી દીવાલો (૧૯૨૫): કાકા કાલેલકર સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિના વિશેષ આલેખતું લઘુ પુસ્તક. જીવનનો આનંદ (૧૯૩૬): કાકા કાલેલકર પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલા આ લેખોમાં જીવનનો આનંદધર્મ વિવિધ રીતે પ્રગટ્યો છે. ગોષ્ઠિ (૧૯૫૧): ઉમાશંકર જોશી જીવંત ગદ્યવાળા સંસ્કારલક્ષી મામિર્ક નિબંધોનો સંગ્રહ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬): ધીરુભાઈ ઠાકર ગુજરાતી અર્વાચીન સાહિત્યનો નીરક્ષીર દૃષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો આ ઇતિહાસ સૌ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. જીવનલીલા (૧૯૫૬): કાકા કાલેલકર ભારતમાં ઠેરઠેર ફરીને એના પહાડો, નદીઓ, સરોવરો અને સંગમસ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે, એને અહીં દેશભકિતના રંગથી રંગ્યાં છે. સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌંદર્યને ખડાં કરતાં વર્ણનો. આપણો વારસો અને વૈભવ (૧૯૬૧): મનુભાઈ પંચોળી, ‘દર્શક’ ‘વેદ’ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીનો ભારતનો નોંધપાત્ર સાંસ્કૃતિક ઇતિહાસ. જીવનવ્યવસ્થા (૧૯૬૩): કાકા કાલેલકર ‘વેદ’, ‘ઉપનિષદ્’, ‘ગીતા’ અને મરાઠી ભકિતપરંપરાથી પુષ્ટ થયેલી તથા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત લોકકેળવણીકારની લોકભોગ્ય શૈલીમાં ધર્મવિચારણા કરતાં લખાણોનો સંગ્રહ. જનાન્તિકે (૧૯૬૫): સુરેશ હ. જોષી કાવ્યાત્મક, કથનાત્મક ને ચિંતનાત્મક શૈલીઓનો સમન્વય કરીને નિપજાવેલું આ લલિત નિબંધોનું નવા જ પ્રકારનું સ્વરૂપ કાલેલકર પછી ગુજરાતી સાહિત્યના નિબંધને એક નવું પરિમાણ આપે છે. જ્યોતીન્દ્ર-તરંગ (૧૯૭૬): જ્યોતીન્દ્ર હ. દવે બુદ્ધિલક્ષી નર્મ-મર્મયુક્ત હળવા નિબંધોના સર્જકોનો જે વર્ગ ગાંધીયુગમાં આવ્યો, તેમાં જ્યોતીન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. પોતાનાં પંદરેક પુસ્તકોમાંથી એમણે સંપાદિત કરેલા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ. [‘ગુજરાતી સાહિત્યકોશ’ પુસ્તક]