સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સૂરજે સળગાવેલું ફાનસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દુનિયાની વસ્તીનો ત્રીજો ભાગ, એટલે કે બે અબજ જેટલા લોકો, એકવીસમી સદીના આરંભે પણ વીજળીની સગવડ વિહોણા છે. રાતવેળાએ પ્રકાશ માટે એમને મીણબત્તી કે કેરોસીનના ફાનસ પર જ આધાર રાખવો પડે છે. પાણીના ધોધને નાથીને તેની શક્તિ વડે વીજળી પેદા કરવાનું બહુ ઓછી જગ્યાએ શક્ય બને છે. કોલસા કે ડીઝલથી ચાલતાં વીજમથકો બાંધવા પાછળ મોટું મૂડી-રોકાણ કરવું પડે છે અને એ જાતના બળતણને તેનાં ખાણ-કૂવામાંથી મથક સુધી પહોંચાડવાનો ખર્ચ આકરો બની જાય છે. એ મથક પરથી દૂરદૂરનાં ગામડાં સુધી વીજળી પહોંચાડવાનું તો તેનાથી પણ અનેકગણું ખર્ચાળ નીવડે છે. આ બધી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવો હોય તો લાખો-કરોડો ગામડાંમાં જ નજીવા ખર્ચે વીજળી પેદા કરવી જોઈએ. દરેક ગામને કુદરત તરફથી શક્તિનો એક જબરદસ્ત ભંડાર નિરંતર મળતો રહે છે, તે સૂરજનો પ્રકાશ. દિવસ દરમિયાન એ પ્રકાશનો ધોધ વરસતો જ રહે છે તેમાંથી જરીકનો પણ સંઘરો આપણે કરી શકીએ, તો રાત્રીના અંધકાર વેળા તે ઉપયોગમાં આવે. સૂર્યપ્રકાશનો આ જાતનો સંઘરો કરવાની સગવડ વિજ્ઞાન પાસેથી માણસે મેળવી છે. તેનું નામ છે ફોટોવોલ્ટેઈક પદ્ધતિ. તેના વડે દિવસ દરમિયાન સૂર્યશક્તિનું સીધું રૂપાંતર વિદ્યુતશક્તિમાં થાય છે અને તે વીજળીને બૅટરીમાં સંઘરી શકાય છે. પછી રાતે એ બૅટરી વડે બત્તી થઈ શકે છે. એ બત્તીનું નામ સૂર્ય-ફાનસ. ઘરના છાપરા ઉપર કે અગાશીમાં દિવસના પાંચ-છ કલાક તડકો જ્યાં પડતો હોય એવી જગાએ ફોટોવોલ્ટેઈક પેનલ ગોઠવીને રાખવાની હોય છે. તેમાં જોડેલા વાયરનો બીજો છેડો નીચે ઘરમાં રાખેલા સૂર્ય-ફાનસમાં ભરાવી દેવાનો હોય છે. એ રીતે સાંજ સુધીમાં છાપરાની પેનલ પર જેટલો તડકો પડે તે વીજળીમાં રૂપાંતરિત થઈને નીચે ઘરમાં ફાનસની અંદરની બૅટરીમાં સંઘરાય છે. પછી ફાનસમાં ચાંપ દાબીએ એટલે ૪૦ વોટના બલ્બ જેટલો પ્રકાશ તે આપે છે. સામાન્ય પેટ્રોમેક્સના કદનું ૪ કિલો વજનવાળું એ ફાનસ ઉપાડીને ઘરમાં ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તેમાંની વીજળી ચારેક કલાક ચાલે છે. આ ફોટોવોલ્ટેઈક પેનલ અને ફાનસની કિંમત આજે રૂ. ૪૦૦૦ જેટલી થાય છે, પણ સૂર્યશક્તિના વપરાશનો પ્રચાર કરવા સરકાર લગભગ અરધી રકમની સબસિડી આપે છે. એકવાર એટલો ખર્ચ કરીને આ સગવડ વસાવીએ, પછી રોજેરોજ કેરોસીન કે વીજળીના કશા જ ખર્ચ વગર ઘરને પ્રકાશ મળે છે. આ સગવડની આવરદા વીસેક વરસની છે. સૂર્યશક્તિ વડે આ રીતે પ્રકાશ મળે છે, તેમ તે શક્તિ વડે રસોઈ થઈ શકે છે, પાણી ગરમ કરી શકાય છે, કૂવામાંથી પાણી કાઢવાના પંપ ચલાવી શકાય છે. (આ અંગે વધુ વિગતો નીચેના સરનામા પરથી મળી શકશે : ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, સૂરજ પ્લાઝા નં. ૨, સયાજીગંજ, વડોદરા ૩૯૦૦૦૬. ફોન (૦૨૬૫) ૨૩૬૩૧૨૩.)