સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/હસી પડી શા માટે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બલ્ખના સુલતાનની જાહોજલાલી એવી હતી કે રોજ રાતે તેમના પલંગ ઉપર સવામણ તાજાં ફૂલોની સેજ બિછાવવામાં આવતી. ફૂલોની એ સેજ પાથરનાર દાસીને એક દિવસ થયું કે, સુલતાનને આવવાને હજી વાર છે ત્યાં, લાવને, થોડી વાર હું સેજ પર સૂઈ જોઉં! અને પછી પલંગ પર આડી પડતાંની સાથે જ, દૈવયોગે, તેને ઘસઘસાટ ઊઘ આવી ગઈ. થોડી વાર પછી સુલતાન શયનખંડમાં આવ્યા... ત્યાં પોતાની પથારી પર દાસીને સૂતેલી જોઈને એમના ક્રોધનો પાર ન રહ્યો. કોરડો લઈને એમણે દાસીના દેહ પર બેચાર ફટકા લગાવ્યા. રડતી ને કાંપતી દાસી તરત જ પલંગ પરથી ઊતરી ગઈ અને પછી રડતાં રડતાં એકદમ હસી પડી. તેનું આવું વિચિત્ર વર્તન જોઈને સુલતાનનો ગુસ્સો જરા ઠંડો પડ્યો, અને એમણે પૂછ્યું, “તું આમ અચાનક હસી કેમ પડી?” દાસીએ નરમાશથી કહ્યું, “જહાંપનાહ, મને હસવું તો એમ વિચાર કરતાં આવ્યું કે હું બે ઘડી આ ફૂલોની પથારીમાં સૂતી હઈશ, ત્યાં કોરડાના બે-ચાર ફટકા ખાવાનું મારા નસીબમાં આવ્યું. પરંતુ આપ નામદાર તો રોજ આખી રાત આ સેજ પર સૂવો છો, તો ખુદા પાક આપને એની કોણ જાણે કેવીય સજા કરશે?—બસ, એ જ વિચારથી મને હસવું આવી ગયું!” [‘પ્યારા બાપુ’ માસિક: ૧૯૫૭]