સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આવું પ્રજા આગળ મૂકીએ?”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક વાર ગાંધીજીએ પોતાના રાજકીય ગુરુ ગોખલેજીના લેખોનો ગુજરાતી અનુવાદ છપાવીને પ્રગટ કરવાનો મનસૂબો કર્યો. અનુવાદનું કામ નરહરિભાઈ અને મહાદેવભાઈને સોંપાયું હતું. પણ ગુજરાતના એક જાણીતા સાક્ષરે ગોખલેના કેળવણી-વિષયક લેખો તથા ભાષણોનો અનુવાદ કરવાની ઇચ્છા બતાવી, એટલે એ ભાગના લેખો તે સાક્ષરને સોંપવા ગાંધીજીએ નરહરિભાઈને સમજાવ્યું. નરહરિભાઈએ તેમ કર્યું. નરહરિભાઈ તથા મહાદેવભાઈનું ભાષાંતર તૈયાર થઈ ગયું. પેલા સાક્ષરનું ભાષાંતર પણ આવ્યું. નરહરિભાઈને એ અનુવાદ ગમ્યો નહીં, પણ પ્રસિદ્ધ ગુજરાતી લેખકને નાખુશ કરવાની તેમની હિંમત ચાલી નહીં. આખું પુસ્તક છપાઈ ગયું. નરહરિભાઈએ તેના છપાયેલ ફરમા વાંચીને ગાંધીજીને તેની પ્રસ્તાવના લખી આપવા વિનંતી કરી. પેલા સાક્ષરે કરેલો અનુવાદ ગાંધીજીએ વાંચ્યો. તે બિલકુલ ચાલે તેવો નહોતો. તેમણે નરહરિભાઈને ઠપકો આપતાં કહ્યું, “આવી તરજુમિયા ભાષા કોણ સમજશે? આ મુદ્દલ નહીં ચાલે!” મહાદેવભાઈ તથા કાકાસાહેબનો પણ એ જ મત પડ્યો. ગાંધીજીએ નરહરિભાઈને પૂછ્યું, “આખું પુસ્તક છપાઈ ગયું છે?” “હા જી.” “તો પણ આપણે તો પુસ્તક રદ જ કરવું પડશે.” “પણ આટલા કામનું લગભગ સાતસો રૂપિયા તો બિલ થયું હશે. એટલું બધું ખર્ચ નકામું જવા દેવાય?” “ત્યારે શું આની ઉપર પુસ્તક બાંધવા વગેરેનું ખર્ચ કરી વધારે પૈસા બગાડાય છે? સાતસો શું — પણ સાત હજાર રૂપિયા નકામા જતા હોય તો યે હું જવા દઉં. હું તો પાઈ પાઈની ગણતરી કરું, અને પ્રસંગ આવ્યે આવા ખર્ચની પરવા પણ ન કરું. આપણે પૈસા ખર્ચ્યા છે, તે માટે શું આવું પુસ્તક પ્રજા આગળ મૂકીએ? એ તો બેવડો વ્યય થાય!” પોતાની નાહિંમતથી અને ગફલતથી સાતસો રૂપિયાનું નુકસાન થયું, તે નરહરિભાઈને ડંખ્યું. તેમણે સાતસો રૂપિયા ભરપાઈ કરીને આ કામમાંથી રાજીનામું આપ્યું. બાપુએ રાજીનામું વાંચી કહ્યું : “આવા ગાંડા ન થાઓ! તમારે હાથે સાતસોનું તો શું પણ સાત હજારનું નુકસાન થાય તેથી શું હું તમને છોડી દઉં? એમ કરું તો મારું કામ કેમ ચાલે?” પુસ્તકની છપાયેલી બધી નકલો ગાંધીજીએ બળાવી નાખી. પછી મહાદેવભાઈ તથા નરહરિભાઈએ જે તરજુમો કર્યો તે છપાવવા આપ્યો.