સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આ વાટ અમુને ફિટ લાગે...”
ઘોલવડ — વલસાડ વિસ્તારની ચીકુની વાડીઓના માલિક ઈરાની શેઠના અચરજની આજે કોઈ સીમા નહોતી.
શેઠની વાડીમાં કેટલાંય મજૂરો રોજીઆણો (રોજના પગારને ધોરણે) કામ કરે. તેમાંનાં કેટલાંક આદિવાસી સ્ત્રી-પુરુષો પોતાના મામૂલી પગારમાંથી પણ રોજના પાંચપાંચ રૂપિયા છેલ્લા છ મહિનાથી કપાવતાં હતાં. ઈરાની શેઠને એમ કે કોઈ “અલ્પ બચત” જેવી યોજનાવાળા એ લોકોને સમજાવી ગયા હશે. ચાલો, એય સારું જ છે. બચત કરશે તો રોજ તાડીના પટ્ટે (અડ્ડે) જઈ ઢીંચવામાં તો પૈસા નહીં ગુમાવે! બે પૈસા બચ્યા હશે તો છોકરાં સારાં કપડાં પહેરશે અને પ્રસંગે એમને જ ખપ લાગશે.
પણ આ આદિવાસીઓનો પ્લાન કંઈ જુદો જ હતો, એ તો એમાંના એક રમલાએ આજે ફોડ પાડીને કહ્યું ત્યારે સમજાયું : “શેઠ! માફ કરજે. તારે તાં વરહોથી વેઠ કરીએ ને તું અમારું પેટ પૂરે. પન ટારા હાટુ અમુને કોઈ ભાવ ની મલે. ને અમારી જાત હો એવી કે લાગ મલે ટારે ચોરી હો કરી લેવાની. એમાં કાંઈ શરમ ની. ભાજી, ચીકુ, આંબા.... અને કો’કવાર તો શેઠ, તારું હઠિયાર બી વેકી મારેલું, હા!.... પન આ ભલું થજો અમારા ડાડાનું કે ટેમની વાટુ લઈને આ વાસુકાકા અમારે ટાં પાડામાં (વસ્તીમાં) આઈવા ને ભગવાનની ને સ્વાઢયાયની હારી હારી વાતો કીઢી. તેવાંએ શીખડાઈવું કે ભગવાન આપડી અંડર આવીને આપડને સંભાલે. દૂધની અંદર ઘી હોય, પન તે કંઈ હીદું દેખાય ની, તેવી રીતે એ વાલો બી પડી અંડર આપડી હાઠે ને હાઠે જ રીયે, પન ડાયરેક્ટ જોવા ની મલે. પન અંડર એ હોય તો ખરો જ.
“એક વાર ટેમની વીડીઓ કેસેટમાં વાટ કીઢી કે મનેખ પાપી હોય તો બી ભગવાન માફ કરવાનો. પન એક વાર આપડને હમજ મલીયા પછી બેઈમાની ના ઠાય, અને પછી માફી બી ના મલે. આ વાટ અમુને બરોબર ફિટ લાગે. તેઠી વિચાર કીઢો કે આપડે ઈરાની શેઠનું બહુ બધું લાટેલું છે, તે બધું તો નઈં પન ફૂલ નઈં ને ફૂલની પાંખડી પાછું વારવું જોવે. તે વિના અવે ની ચાલવાનું. તેઠી અમે બધા આ છ મહિનાથી રોજના પાંચ રૂપિયા તારી કને કપાવતા છે. એ પૈહા તારા જ છે ને તું જ રાખજે. અમુને બધ્ધાને માફ કરીને અમારું પ્રાયશ્ચિત કરવા ડેજે.”
ઠારે દિલના ઘા
અહો, મા તે મા! બીજા વનના વા!...
અહા! એ તો મા, સૂણી ધાતાં ધા;
શૂરાંપૂરાં બા ઝીલે આડા ઘા,
મીઠી નજરે મા ઠારે દિલના ઘા.
‘લલિત’