સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ખોદી લે તારી મેળે!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી સોળ માઈલ દૂર સેહાની નામનું ગામ છે. બ્રહ્મોદેવી નામની નવવધૂ પરણીને સેહાનીમાં પોતાને સાસરે આવી. એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો, પણ અહીં સેહાનીમાં બે ખેતરવા દૂર ગામને કૂવેથી પાણીની હેલ સીંચી લાવવી પડતી હતી. ઉમંગભરી નવોઢાને ઘરના કૂવાની ખોટ સાલી અને રાતે પિયુની પાસે એણે વાત મૂકી : “આપણા ફળિયામાં જ એક કૂવો હોય તો કેવું સારું!” “તું કાંઈ ગામમાં નવીનવાઈની નથી આવી,” પતિએ કહી દીધું. “કૂવાની તારે એટલી બધી જરૂર હોય તો, ખોદી લે તારી મેળે!” એ વેણ બ્રહ્મોદેવીના હૈયામાં કોતરાઈ ગયાં. વળતી સવારે પાણી ભરવા જતાં પોતાની પાડોશણો પરમાલી, શિવદેઈ અને ચંદ્રાવતી સાથે એણે વાત કરી. અને ચારેય સહિયરોએ મળીને એક યોજના ઘડી કાઢી. એક સવારે, ચારેયના ધણી પોતપોતાનાં ખેતરે ગયા પછી, એ પાડોશણોએ ગામના ગોરને તેડાવ્યો, સારું મૂરત જોવરાવ્યું ને.... પોતાના ઘરની લગોલગ એક કૂવો ખોદવા માંડયો. ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફર્યા ત્યારે ફળિયામાં આઠ ફૂટ ઊંડો ખાડો જોઈને અજાયબ થઈ ગયા. તે છતાં મોઢેથી તો એટલું જ બોલ્યા કે, “અરે, આ તે કાંઈ બાયડિયુંનાં કામ છે? આફૂરડી થાકીને પડતું મેલશે!” પણ ખાડો તો દિવસે દિવસે ઊંડો થતો ગયો. ચારેય બાઈઓને કૂવાની ધૂન એવી લાગી ગઈ હતી કે રોજ ઊઠીને ઊંધે માથે ખોદ્યે જ જતી હતી. બે જણિયું અંદર ઊતરીને ખોદે, તો બીજી બે માટીના સૂંડલા બહાર ઠાલવી આવે. પછી તો અડખેપડખેનાં છોકરાંઓ ને બીજી થોડી બાઈઓને પણ ચાનક ચડી.... ફક્ત ગામના મૂછાળા મરદો જ હાંસી કરતા અળગા રહ્યા. મૂરત કર્યા પછીના વીસમા દિવસે બ્રહ્મોદેવી ને શિવદેઈ ખાડાને તળિયે ઊભી ઊભી તીકમ ચલાવી રહી હતી, ત્યાં એમના પગ તળેથી શીતલ જળની સરવાણી ફૂટી. એમ વાતમાં ને વાતમાં આખો કૂવો ખોદાઈ ગયો. ટાબરિયાંઓએ કિકિયાટા કર્યા. ગામની સ્ત્રીઓએ હરખનાં ગીતો ગાયાં. હવે તો પુરુષોએ પણ તારીફ કરી. આખા ગામમાં આનંદની લહરી ફરી વળી. પંચાયત ભેગી થઈ ને તેણે કૂવા પર પથ્થર-સિમેન્ટનું પાકું મંડાણ મુકાવવાનો ખર્ચ મંજૂર કર્યો. આપણું સૌભાગ્ય છે કે બ્રહ્મોદેવી અને તેની આવી સહિયરો ગામેગામ પડેલી છે. “ખોદી લે તારી મેળે!” કહીને કોઈ વાર એને ચાનક ચડાવી જોજો!