સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“તેમ છતાં...”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બધા માણસાે વિચારપૂર્વક જ વર્તે છે એવું નથી. તેઓ જે કંઈ કરે છે તે યોગ્ય જ હોય છે એવું પણ નથી. મોટા ભાગના માણસો માત્ર પોતાનો જ વિચાર કરીને ચાલતા ને વર્તતા હોય છે. તેમ છતાં તેમની તરફ સદ્ભાવ રાખો, તેમની સાથે પ્રેમનો વ્યવહાર કરો. તમે કંઈ સારું કરશો તો લોકો કહેશે કે આમ કરવા પાછળ અંદરખાનેથી તમારો હેતુ સ્વાર્થી છે. તેમ છતાં સારું કરવાનું, ભલાઈને માર્ગે ચાલવાનું, ચાલુ રાખો. તમે આજે જે કંઈ સારું કરશો, ભલાઈનું કામ કરશો તે કાલે ભુલાઈ જશે. તેમ છતાં સારું કરતા રહેવાનું, ભલાઈ કરતા રહેવાનું ચાલુ રાખો. તમે પ્રામાણિકપણે વર્તશો, નિખાલસતાથી વાત કરશો તો તમે વિવાદમાં સપડાવાના અને તમારી ટીકાઓ પણ થવાની. તેમ છતાં પ્રામાણિકતા છોડશો નહિ. નિખાલસ રહેજો. જે ઇમારત ઊભી કરતાં તમને વરસો થયાં હોય તે રાતોરાત ધરાશાયી થઈ જાય એવું બને. તેમ છતાં ઇમારત ખડી કરવાનું ચાલુ રાખો. લોકોને ખરેખર મદદ જોઈતી હોય છે. તમે તેમને મદદ કરો ને તેઓ તમારો પાડ માનવાને બદલે તમારી પર હુમલો કરે એવું પણ બને. તેમ છતાં લોકોને મદદ કરવામાં પાછા પડશો નહિ. તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે દુનિયાને આપો. બદલામાં તમને કદાચ લાતો મળશે. તેમ છતાં દુનિયાને તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે આપી છૂટો. [અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીનાં આચરણ—સૂત્રો]