સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“મત જાઈએ, બાબુજી!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલ બહાદુર [શાસ્ત્રી] જેલમાં હતા ત્યારે સમાચાર મળ્યા કે એમની એક દીકરી ગંભીર માંદગીમાં પટકાઈ છે. જેલના અધિકારીએ કહ્યું કે, જો તમે લેખિત બાંહેધરી આપો કે તે સમય દરમિયાન કોંગ્રેસની ચળવળમાં ભાગ નહીં લો, તો તમને પેરોલ પર છોડીએ. લાલ બહાદુરજીએ ના પાડી. એમને સારી રીતે પિછાણનાર જેલરે પાછળથી એમને બિનશરતે પેરોલ પર છોડ્યા. પરંતુ લાલ બહાદુર ઘેર પહોંચ્યા તે દિવસે જ દીકરીનું અવસાન થયું હતું. તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને પેરોલના પંદર દિવસ પૂરા થયા તે પહેલાં જ એ જેલમાં પાછા પહોંચી ગયા. પછીને વરસે એ ફરી જેલમાં હતા ત્યારે એમના પુત્રને ટાઇફોઇડ થયેલો. તાવ ૧૦૪ ડિગ્રીએ પહોંચ્યો ત્યારે એમને અઠવાડિયાની પેરોલ પર છોડવામાં આવેલા. એ મુદત પૂરી થઈ ત્યારે પુત્રનો તાવ હજી ઊતર્યો નહોતો; ઊલટાની હાલત બગડતી જતી હતી. જેલના અધિકારીએ કહ્યું કે, પેરોલની મુદત હજી વધારવી હોય તો ચળવળમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપો. લાલ બહાદુરે ના પાડી અને પાછા જેલમાં જવા એ તૈયાર થયા. તે સમયે પુત્રને ૧૦૫-૧૦૬ ડિગ્રી જેટલો તાવ હતો. તેની પથારી પાસે કલાકો સુધી સૂનમૂન ઊભા રહ્યા. તાવથી ધગધગતા બાળકના હોઠ જરા ફફડ્યા; શબ્દ નીકળ્યા: “મત જાઈએ, બાબુજી!” પિતાની આંખોમાંથી આંસુની ધારા ચાલી. પરંતુ તરત જ માથાને એક ઝટકો મારી, જાણે કે સ્વપ્નમાંથી એકાએક જાગી ગયા હોય તેમ લાલ બહાદુરે દાંત ભીંસ્યા, સૌને નમસ્કાર કર્યા અને મક્કમ પગલે જેલની દિશામાં ચાલવા માંડ્યું—પાછું વળીને પુત્રની દિશામાં એક વાર જોયું પણ નહીં. [‘સમર્પણ’ પખવાડિક: ૧૯૬૬]