સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રબોધ ચોક્સી/કેટલું છેટું છે?
રાષ્ટ્રીય આવકના વિભાગવાર આંકડા રિઝર્વ બૅન્ક વખતોવખત પ્રસિદ્ધ કરે છે. તેમાં ખેતી વિભાગના કરતાં ઉદ્યોગ વિભાગની આવક વધારે ઝડપથી વધે છે, અને તેના કરતાં પણ વધુ વેગથી ‘સેવા-વિભાગ’ની આવક વધતી દેખાય છે. આ સેવા-વિભાગમાં કોણ આવે છે? સરકારી નોકરો, શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, ઇજનેરો, કલાકારો, સાહિત્યકારો, સામાજિક સેવકો તેમજ નેતાઓ : ટૂંકમાં એવા લોકો જે કશી નક્કર ચીજવસ્તુ પેદા નથી કરતા પણ ‘સેવા’ પેદા કરે છે. ભારતમાં ખેતીના શોષણ પર ઉદ્યોગો અને સેવાઓ વધ્યાં છે. ખેતી વિભાગના લોકોને દુકાળને આરે ધકેલીને દસેક કરોડ લોકો શહેરી સુખસવલતો ભોગવે છે. એ દસ કરોડ લોકો માને છે કે પોતે જ સમગ્ર ભારત દેશ છે અને પોતાના પ્રશ્નો તે જ રાષ્ટ્રના પ્રશ્નો છે. એ વર્ગ માટે, એ વર્ગ દ્વારા, એ વર્ગનું રાજ્ય આજે આ દેશ પર ચાલે છે. એક બાજુ દુકાળો પડે છે, અનાજ તેલને ભાવે વેચાય છે, તેલ ઘીના ભાવે વેચાય છે અને બીજી બાજુ બૅન્કોનાં થાપણખાતાં છલકાય છે, ગગનચુંબી મકાનો બંધાયે જાય છે. એક બાજુ સંપત્તિની છાકમછોળ છે; બીજી બાજુ કિસાનોને પોતાનાં હળબળદ ને ઘરવખરી વેચીને જીવવાના દહાડા આવ્યા છે. મરવા પડેલી માનવતામાં ફરિયાદની ચીસ પાડવા જેટલા હોશકોશ પણ નથી રહ્યા. લોકો આત્મશ્રદ્ધા ગુમાવી બેઠા છે. એમને પોતાની શક્તિમાં જરાકે વિશ્વાસ નથી રહ્યો; પૈસાની ને લાગવગની શક્તિમાં જ રહ્યો છે. સ્વરાજની લડતના આરંભકાળે ગાંધીએ એક લેખમાં કહેલું કે આ ‘ડેથ ડાન્સ’ છે, ‘પતંગ-નૃત્ય’ ચાલી રહ્યું છે. શોષણની પરંપરા પર મંડાયેલી આ નાચગાનની મહેફિલનો અંજામ ગાંધીએ દેશના મોતમાં જોયો હતો. આજે જે દશા છે, તેનાથી દેશનું મોત કેટલું છેટું છે? — વહેંત, બે વહેંત?