સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રબોધ જોશી/સ્મૃતિ –

From Ekatra Wiki
Jump to navigation Jump to search

(સમય: માર્ચ ૧૯૭૪નો, ગુજરાતમાં નવનિર્માણ ચળવળનો)
વી. એસ. હોસ્પિટલ: રાતના ૧૨-૪૦. નર્સના આંટાફેરા.
ટપોટપ એમ્બ્યુલન્સો આવવા લાગે.
હાંફની વધઘટ વચ્ચે સવાર પડે ને સામેની અગાસીએ,
કોઈ બાળકના રડમસ ચહેરા જેવો, ઝાંખો સૂરજ ચડવા લાગે.
ઘેનનું ઇન્જેક્શન સહસા ઊતરી ગયું હોય એમ,
હોસ્પિટલ સફાળી બેઠી થઈ જાય.
દૂધવાળાઓ, ચાવાળાઓ, સ્વીપર્સ, સફેદ વસ્ત્રોની ફરફર
—જોતો રહું ને નિસ્સહાયતાની ચાદર સહેજ નજીક ખેંચું...
(અને એક દિવસ, એટલે કે ૩ માર્ચ, ૧૯૭૪)
પ્રવેશતાંવેંત, બારી પાસે તાજો જ પ્રગટાવેલો દીવો.
મારી નજર સમક્ષ, મેં સાંભળેલી બધી જ વિધિઓ તરવરવા લાગે.
બધા—બધા જ પ્રયત્નો પર સફેદ ચાદરનું ઢંકાઈ જવું.
(વતન વડનગરમાં એમની સ્મૃતિ)
ખડકીના ગોખલા આગળ એમણે કરેલો સાથિયો.
તમાકુનું ભૂંગળાળું પડી રહેતું એ જગ્યા,
જ્યાં તેઓ પાઠ કરવા બેસતા એ જૂના ઘરનો ઉંબરો,
અને ફરી પાછું ખડકીના ગોખલામાં પડી રહેતું એમનું પંચિયું.
પાણિયારે દોરેલા ગણપતિ પાસે પડી રહેતા પાટલા પર
બેસી જમતાં-જમતાં ક્યારેક કહેલી અમદાવાદની નવાજૂની
—બધું, બધું જ યાદ આવી ગયું.
મેડા ઉપર બારી પાસે પડી રહેલા ખાટલે,
એમની આદતે, માથે ધોતિયાનો કકડો મૂકી આડો પડ્યો,
તો ખાસ્સી કલાકેક ઊઘ આવી ગઈ.
હોસ્પિટલના ત્રીજા માળના ખુલ્લા ગવાક્ષમાંથી
જેની પ્રતીક્ષા કરું છું તે એમ્બ્યુલન્સ આવી લાગે છે.
એક ધબકતો દેહ, ઋષિચહેરો
—સ્ટ્રેચરમાં લવાતો અને થોડા દા’ડા કેડે લઈ જવાતો—
જોઉં છું અને મને જૂના ઘરને પલ્લે બેસતા,
તમાકુનું ભૂંગળાળું ફંફોસવા માટે ખિસ્સામાં હાથ નાખતા,
ઉતાવળમાં બંડીનાં બટન બંધ કરવાનું ભૂલી જતા
અને માથે ઊધી કાળી ટોપી પહેરતા,
ગુનગુન પાઠ કરતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો,
બપોરે પીઠ ફેરવીને આડા પડતા,
જોરજોરથી બૂમો પાડીને મને ઉઠાડતા દાદા યાદ આવ્યા
—એમનો ફોટો સાફ કરતાં એમાં મારું પ્રતિબિંબ દેખાય છે
અને એમની સાથે રહેલા મને મળવા
હું એકાએક દોટ મૂકું છું,
તો ઠેસ વાગે છે અને ફસડાઈ પડું છું—
આ લિસ્સા કાગળ પર.