સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રવીણ દરજી/શિક્ષકોના યે શિક્ષક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મને બરાબર યાદ છે. પંચમહાલ અને સાબરકાંઠામાં ૧૯૬૦-’૬૧નાં વર્ષોમાં ગોધરા અને મોડાસા મુકામે પ્રથમવાર આર્ટ્સ-સાયન્સ કૉલેજો શરૂ થયેલી. એ વર્ષોમાં વિદ્યાસંસ્થાઓ શરૂ કરવી એ એક તપકાર્ય હતું. માત્ર વિદ્યાપ્રાપ્તિ, માત્ર ગામડાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળે એ જ એના સંચાલકોનો અભિલાષ. ધીરુભાઈ ઠાકર ગુજરાત કૉલેજની નોકરી છોડીને મોડાસા જેવા અલ્પવિકસિત નગરમાં આવે છે. જે કૉલેજ હજી શરૂ જ થઈ હતી. નહોતું એનું પોતાનું મકાન, એ વિદ્યાસંસ્થા વિશે કોઈના મનમાં ત્યારે કશો પાકો નકશો પણ ન મળે. કૉલેજ ચલાવવા માટે ભંડોળની પણ આગોતરી વ્યવસ્થા નહીં! છતાં ધીરુભાઈ અમદાવાદ છોડી મોડાસા આચાર્યપદ સ્વીકારી લે છે. કારણ ધીરુભાઈની શિક્ષણપ્રીતિનું — ગામડામાં શિક્ષણપ્રસારનું, ધૂણી ધખાવીને એક વિદ્યાકેન્દ્ર વિકસાવવાનું. ચિત્રો યાદ કરું છું તો હારમાળારૂપે એ સર્વ આવતું જાય છે. સગવડના અભાવવાળા મકાનમાં ધીરુભાઈ વિદ્યાર્થીઓને તન્મયતાથી ભણાવે, કૉલેજ સિવાયના સમયમાં મંડળના સદસ્યો સાથે મોડાસા અને આજુબાજુનાં ગામોમાં ઉઘરાણા માટે નીકળે, કૉલેજમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ ગામડેથી આવે, શિક્ષણનો લાભ લે તે માટે અધ્યાપકોને સાથે રાખી ગામડે તેની ટહેલ નાખવા પણ જાય. નવી નવી કૉલેજ, નવા નવા આચાર્ય. ત્યારે તેમના માટે કામના કલાક ચાર— પાંચ નહીં — ચોવીસ હતા. મકાનની સાથે હોસ્ટેલ, ગ્રંથાલય, રમતગમતનું મેદાન, નાટયગૃહ બધાં કામો તેમણે વારાફરતી હાથમાં લેવા માંડ્યાં. છેવટે અધ્યાપકો માટેનાં ક્વાર્ટર પણ. જોતજોતામાં તો કૉલેજ કેમ્પસ એક અનન્ય વિદ્યાધામ તરીકે યુનિવર્સિટીના નકશામાં ઉપર ઊપસી આવ્યું. ૧૯૬૫-૬૬નાં વર્ષોમાં તો કૉલેજ કેમ્પસ વિદ્યાપ્રવૃત્તિઓથી તેની ટોચ દાખવી બતાવે છે. કોમનરૂમના અધ્યાપકવર્તુળમાં વિભિન્ન વિષયોની દર અઠવાડિયે ચર્ચાઓ થાય. યુનિવર્સિટી કક્ષાની નાટયસ્પર્ધાઓ, આઉટડોર-ઈન્ડોર ગેઇમ્સ પણ આ કેમ્પસ ઉપર થાય. આખું વિદ્યાસંકુલ પ્રવૃત્તિઓથી ઊભરાતું લાગે. ભાગ્યે જ એવું એકાદ સપ્તાહ બાકી રહે કે જ્યારે કોઈ વિદ્વાનનું વ્યાખ્યાન ન થયું હોય! અહીં જ્યોતીન્દ્ર દવે આવે, રઘુવીર-ભોળાભાઈ આવે, ચં. ચી. મહેતા પડાવ નાખે, કુમુદિની લાખિયા અને મૃણાલિની સારાભાઈ પણ આવે. પુરુષોત્તમ માવળંકર, ઉમાશંકર-સુન્દરમ્, ઈશ્વર પેટલીકર કે ભોગીલાલ સાંડેસરા જેવા પણ ઘણા ઘણા આવે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પ્રકટ થવા, પામવા અહીં પૂરો અવકાશ હતો. આ સઘળા પાછળ ધીરુભાઈની તંતોતંત વિદ્યાપ્રીતિ પડેલી હતી. સાચો શિક્ષક કેટલો વિસ્તરી શકે અને પોતાની શક્તિઓથી સંસ્થાને પણ વિકસાવી શકે તેનું દૃષ્ટાંત ઠાકરસાહેબે અહીં પૂરું પાડયું. ધીરુભાઈ માત્ર શિક્ષક નહોતા, સ્વપ્નશીલ શિક્ષક હતા. પ્રવૃત્તિઓમાં ગળાડૂબ ઠાકરસાહેબ સેનેટ, સિન્ડિકેટ અને યુનિવર્સિટીનાં અન્ય મંડળોમાં સતત કામ કરે. પોતાના પ્રભાવથી શિક્ષણને ઉપકારક નિર્ણયો લેવડાવી શકે. પણ આ બધી વેળા ‘પોતાની કૉલેજ’ અને ‘પોતાનો વિદ્યાર્થી’ સહેજે અળગાં નહીં. બેલ પડે એટલે તરત વહીવટીકાર્યને બાજુએ મૂકીને અમારો બી.એ.નો પિરિયડ એ પોતાની ઑફિસમાં શરૂ કરી દે. ‘શર્વિલક’ ભણાવે ત્યારે એ નાટક આખે આખું નજર સામે ભજવાતું લાગે, તેવી તેમની ભાષાશૈલી. એમ.એ.માં ‘ગોરા’, ‘બ્રધર્સ કેરેમેઝોવ’, ‘ટેસ’ જેવી કૃતિઓ ભણાવે ત્યારે વિશ્વનવલકથાનો આખો પરિપ્રેક્ષ્ય તેઓ ઉઘાડી આપે. વિદ્યાર્થીને વ્યાખ્યાનમાં રસતરબોળ કરી મૂકે. ધીરુભાઈનું શિક્ષકત્વ ત્યારે એવું કોળે કે તેઓ શિક્ષકની સાથે સાથે નર્યા આત્મીયજન પણ લાગે. અધ્યાપકોની સાથે પણ તેમનું શૈક્ષણિક આદાન-પ્રદાન સતત ચાલુ રહે. બધાં કાર્યો પડતાં મૂકી તેઓ રિસેસમાં અધ્યાપકોના ખંડમાં આવીને સૌ સાથે ચા-નાસ્તો કરે. અંગત જીવનના પ્રશ્નોથી માંડીને લખવા-વાંચવાનું શું ચાલે છે, સાહિત્ય કે શિક્ષણમાં દેશમાં કે દેશબહાર કશું નવું થયું હોય — એ સર્વની વાત ઠાકરસાહેબ કરે. અધ્યાપકખંડ આખો મહેકતો થઈ જાય. દર અઠવાડિયે અધ્યાપકે અનિવાર્યપણે કોઈ એક વિષય ઉપર અધ્યાપકખંડમાં પેપર રીડિંગ કરવાનું રહેતું. પેપર પૂરું વંચાઈ રહે પછી ગોષ્ઠી થાય, અને એમ એવી ગોષ્ઠીઓમાંથી ‘સંગોષ્ઠી’ ગ્રંથ થયો. એક વાર તેમણે અધ્યાપકખંડમાં પ્રસ્તાવ મૂક્યો : “તમે મને ત્રણ મહિનાની ઉનાળુ રજાઓમાંથી માત્ર પંદર દિવસ આપો.” અધ્યાપકોએ હા પાડી, એટલે તેમણે કહ્યું : “આ પંદર દિવસ તમે કૉલેજના ગ્રંથાલયમાં હાજર રહો. મન ફાવે તે વાંચો, નોંધ કરો. ન વાંચવું ગમે તો એમ જ બેસી રહો. પણ ગ્રંથાલયમાં તમારી પંદર દિવસની ઉપસ્થિતિ જ એક દિવસે નવી આબોહવાનું નિર્માણ કરશે.” બસ, પછી અધ્યાપકોની ગ્રંથાલયમાં આવન-જાવન વધી. ગ્રંથપાલ પણ ઉત્સાહી. દોડી દોડીને પુસ્તકો ખોળી આપી, પરાણે વાંચવાનું કહે. આનું પરિણામ સરવાળે ઘણું સારું આવ્યું. સીમા ઉપર ઊભેલા નવા-સવા અધ્યાપકોને વાંચવાની એક સુટેવ પડી. સાચો શિક્ષક મૃદૂનિકુસુમાદપિ હોય, તો વજ્રાદપિ કઠોરાણિ પણ હોય. ધીરુભાઈમાં એ બંને ગુણોનું અજબનું મિશ્રણ. વર્ગમાં પૂરી આત્મીયતાથી ભણાવતા ઠાકરસાહેબ લૉબીમાં નીકળે, કેમ્પસમાં આંટો મારવા નીકળે. જો વર્ગ ચાલતો હોય અને કોઈ વિદ્યાર્થીએ પિરિયડ ન ભર્યો હોય તો તેનું આવી બન્યું સમજો. ત્યારે તેમની કઠોરતાનો પૂરો અનુભવ થઈ રહે. લાકડી તૂટી જાય ત્યાં સુધી માર્યાનો પ્રસંગ છે. અલબત્ત, તેનો પશ્ચાત્તાપ પણ તેમણે પ્રકટ કર્યો છે. હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીના કોઈ તોફાનને તે ચલાવી ન લે. ક્યારેક હોસ્ટેલમાંથી કે કૉલેજમાંથી એવા વિદ્યાર્થીને કાઢી મૂક્યાના પ્રસંગો પણ બન્યા છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓની જો કોઈ સાચી ફરિયાદ હોય તો તેઓ વિદ્યાર્થીની પડખે પણ ઊભા રહ્યા છે. રસોડાના કોન્ટ્રાક્ટર દાસભાઈને એવી વેળા તે ઊધડો પણ લે. કોલેજ હોસ્ટેલના કેમ્પસમાં ત્યારે તેમનો પ્રભાવ એવો કે કોઈ મધરાતે પણ બીડી-સિગારેટ પીવાની હિંમત ન કરે. મધરાતે પણ ઠાકરસાહેબ હોસ્ટેલમાં અચાનક રાઉન્ડ લેવા નીકળે! મારા જેવો મોડી રાત સુધી વાંચતો હોય તો પટાવાળા પાસે એ પુસ્તકો જ લેવડાવીને પોતાના ઘેર મુકાવી દે! વાંચો, પણ તબિયતના ભોગે નહીં. કઠોરતાની સાથે આવું માર્દવ પણ ઠાકરસાહેબમાં એટલું જ. કોઈ વિદ્યાર્થી ગરીબ હોય, ટી.બી. જેવો રોગ થયો હોય, પાસે દવાદારૂના પૈસા ન હોય તો ઠાકરસાહેબ તેની વહારે ધાય. તેને મદદ કરે — કરાવડાવે. જે કામ હાથમાં લે તે પછી નાનું હોય કે મોટું તંતોતંત તે તેમાં ખૂંપી જાય. પરિણામે કોઈ પણ કાર્ય એમના હાથે દીપી આવે. આવા સ્વસ્થ, શીલવંત, ભડ અને ભદ્ર શિક્ષકને નવનિર્માણના વર્ષમાં મેં વ્યથિત હૃદયે જોયા છે. પોતાની સાકાર સ્વપ્નભૂમિને વેરવિખેર થતી જોઈને તે દ્રવી ઊઠ્યા હતા. એ પળે મોડાસામાં ગાળેલાં વર્ષો વિશે — ‘શું મેં અઢાર અઢાર વર્ષ સુધી રણમાં પાણી રેડયા કર્યું?’ — એવો હલબલાવી મૂકે તેવો કરી બેઠા હતા. પેલી સ્વહસ્તે ચીતરેલી, રંગ પૂરેલી છબી હવે ઓઘરાળી બનતી જતી હતી. એ બધું તેઓ માટે અસહ્ય હતું. એમનું શિક્ષકત્વ એ જીરવી શક્યું નહોતું. મોડાસા કૉલેજમાંથી નિવૃત્તિ લીધી ત્યારે ૧૯૬૦થી ૧૯૭૮નાં અઢાર વર્ષોનું શિક્ષણજગતનું દોઢ તપ પૂરું થયું હતું. અમે થોડાક વિદ્યાર્થી મિત્રોએ એકઠા થઈ ઠાકરસાહેબનો વિદાય સમારંભ યોજ્યો. ઉમાશંકરભાઈને અમે રૂબરૂ મળી સમારંભમાં ખાસ હાજર રાખ્યા. હૉલ ચિક્કાર હતો. ઠાકરસાહેબમાંનો શિક્ષક ત્યારે ગદ્ગદિત હતો. મોડાસાને વિદ્યાધામ તરીકે પ્રતિષ્ઠા અપાવનાર તેઓની પાસે ત્યારે શબ્દો ઓછા હતા. ઉમાશંકરભાઈ બધું પારખી ગયા હતા. તેમણે આંખમાં આંસુ સાથે ધીરુભાઈની શૈક્ષણિક સેવાઓને બિરદાવતાં કહ્યું : “મારે મારા વતનમાં જે કામ કરવું જોઈએ એ ન કરી શક્યો તેનો મને આજે અફસોસ છે. પણ ધીરુભાઈએ અહીં વસીને એ કાર્ય કર્યું. એ માટે હું તેમનો ભવોભવનો ઋણી છું.” ધીરુભાઈ આજે પણ, જીવનના સાડા આઠ દાયકા ઉપર પહોંચ્યા પછીય, ગુજરાતી ભાષાના વિશ્વકોશના કાર્યમાં ખૂંપેલા છે. તેઓ રુંવે રુંવે શિક્ષક છે. અનેક શિક્ષકોના તે શિક્ષક રહ્યા છે.

[‘સામ્પ્રત’ માસિક : ૨૦૦૩]