સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/અમારી મહેફિલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમારી મહેફિલો કદીક નભના મંડપ મહીં
થતી; ને ત્યાં રાત્રા નિજ મટુકીચંદા શિર ધરી,
લઈ આવે પીણું અજબ ભરિયું એ મટુકીમાં;
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી.
અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીં;
વસંતે આવે ત્યાં કુસુમ-મટુકીને શિર ધરી;
નશાવાળું પીણું મટુકી મહીં એ છે સુરભિનું;
અમે પ્યાલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની.
અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા,
અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા;
ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી,
અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત નટી.
કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં
થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળે;
ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે,
લઈએ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી.
અમે પીનારા એ અદ્ભુત રસોના ફરી ફરી,
અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી.
[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]