zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/આંધીમાં બુઝાયેલી જ્યોત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

આધુનિક ગણિતમાં સૌથી ઊજળું નામ ‘સમૂહશાસ્ત્ર’ના શોધક ગાલોઆ નામના ફ્રેંચ વિદ્વાનનું છે. એમને એકવીસ વરસ પણ પૂરાં થયાં નહોતાં ત્યારે એમનું અવસાન થયું — અને તે એમના અસંયમી વર્તનને પરિણામે.

નિશાળમાં ઉચ્છૃંખલ, ઘેર કજિયાખોર, સમાજમાં બદનામ. બે વખત જેલ જઈ આવેલા. (પોતાનું ગણિતનું સંશોધન ઘણુંખરું જેલમાં કરેલું!) જેલમાં માંદગી આવતાં સારવાર માટે એમને હૉસ્પિટલમાં લઈ ગયેલા. ત્યાં એ શરીરે સાજા તો થયા, પણ એક નર્સની સાથે એમનો અઘટિત સંબંધ બંધાયો. નર્સના પતિએ એ લાંછન ધોવા ગાલોઆને દ્વંદ્વયુદ્ધનો પડકાર ફેંક્યો. તેમાં પેટમાં ગોળી વાગતાં ગાલોઆનું બીજે દિવસે મોત નીપજ્યું.

આગલી રાત્રો ગાલોઆએ મિત્રો ઉપર બે પત્રો લખ્યા હતા : એકમાં પોતાની અદ્ભુત ગણિતિક શોધો ટૂંકમાં સમજાવીને, એ કોઈ પ્રખ્યાત ગણિતશાસ્ત્રીને પહોંચાડવાની વિનંતી હતી. ઉચ્ચ ગણિતની જે શાખા આજે ‘અરૂપ બીજગણિત’ને નામે ઓળખાય છે, તેની રૂપરેખા તેમાં હતી.

બીજા પત્રમાં ગાલોઆએ પોતાનું હૃદય ઠાલવ્યું હતું : “મારું જીવન એક કરુણ ફારસ બનીને નષ્ટ થાય છે. આટલી યુવાન વયે મરવું, આટલી તુચ્છ વસ્તુ માટે મરવું, આટલી અદ્ભુત શોધો છોડીને મરવું... કેવો તિરસ્કાર છૂટે છે!”

વિજ્ઞાન-આકાશની એ જ્વલંત જ્યોત એકવીસ વરસની કાચી ઉંમરે બુઝાઈ ગઈ — વાસનાની આંધીમાં. જો ગાલોઆ બીજાં વીસ વરસ જીવ્યા હોત, તો ગણિતના ઇતિહાસનાં વહેણ જુદાં વહ્યાં હોત!