સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/ઉપાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દાંત દુખતો હતો ત્યારે દાંતના ડોક્ટરની પાસે જવાની જરૂર જણાઈ. જવાની તૈયારી પણ કરી, પણ એટલામાં દુખાવો ઓછો થઈ ગયો હતો, લગભગ સાવ શમી ગયો હતો. એટલે ડોક્ટરની પાસે જવાનું માંડી વાળ્યું. એમ તો દાંતના ડોક્ટરની પાસે જવું કોઈને ગમતું નથી, ને હવે તો દુખાવો ગયો હતો એટલે ખોટો ધક્કો ખાવા જવું નથી એમ પણ લાગ્યું એટલે જવા દીધું. કુદરતને પોતાનું કામ કરવા દઈએ તો કુદરત જ દુખાવો મટાડી આપે ને! એટલે દુખાવો ગયો. પણ બીજે દિવસે દુખાવો પાછો આવ્યો. એ જ દાંતે ને એ જ રીતે ને થોડો વધારે તીવ્ર. થયું: હવે ચોક્કસ ડોક્ટરની પાસે જવું પડશે. પણ એકદમ જવું તો અનુકૂળ ન હતું. સાંજે જવાનું નક્કી કર્યું, પણ સાંજ સુધીમાં દુખાવો ફરીથી ગુમ થયો હતો અને ભુલાઈ ગયો હતો એટલે ડોક્ટરનો ફેરો પણ રહી ગયો. આમ રમત થોડા દિવસ ચાલી. દુખાવો, નિર્ણય, શમન, વિસ્મરણ. છેવટે એક દિવસ દુખાવો ઉગ્ર બન્યો ને ગયો નહીં ને ઊઘવા પણ ન દીધો ને કામ કરવા પણ ન દીધું, એટલે દાંતના ડોક્ટરની પાસે જઈને ઉપાય કર્યો. માણસનો એવો સ્વભાવ છે, ન છૂટકે ઉપાય કરે. વિલંબ કરે, આળસ કરે, વાયદા મૂકે, ચલાવી લે, ભુલાવી દે, ધકેલી દે. છેવટે સહન ન થાય ત્યારે ડોક્ટરની પાસે જાય. દાંતના ઉપાય માટે પણ અને દિલના ઉપાય માટે પણ. દિલનો ઉપાય ભગવાન પાસે છે. પણ ભગવાનની પાસે જવાની માનવીને ફુરસદ નથી. દિલ દુખવા માંડે ત્યારે વિચાર કરે: ભગવાન પાસે જાઉં. પણ વિચાર જ છે. જીવનમાં દુ:ખ આવે, વિયોગ થાય, આફત પડે ત્યારે માનવીને જરૂર ખ્યાલ આવે કે ભગવાન પાસે જવું જોઈએ. જવાનો નિર્ણય પણ કરે છે, પણ દુ:ખ ઓછું થાય, પ્રસંગ વીસરી જાય. જિંદગી આગળ ચાલે—અને ભગવાનને મળવાનું રહી જાય. છેવટે ન છૂટકે, મોટું દુ:ખ આવે, એ જતું ન રહે અને કામ કરવા ન દે ને જીવવા જ ન દે ત્યારે માણસ ભગવાનની પાસે જાય અને ધર્મનો ઉપાય શોધે. એ માનવીનો સ્વભાવ છે. મોડો જાય. ન છૂટકે જાય. દુ:ખ અસહ્ય બને ત્યારે જાય. કહે છે કે દાંતમાં કોઈ પણ તકલીફ ન હોય તોપણ દાંતના ડોક્ટરની પાસે તપાસ માટે નહિ નહિ તો વરસમાં બે વખત જવું હિતાવહ છે. એમ કરવાથી દાંતની ઘણી તકલીફોમાંથી માણસ બચી જાય છે. ડાહ્યા માણસો એમ કહે છે. ભગવાનની પાસે પણ વારે વારે જવાથી—વિશેષ દુ:ખ ન હોય તોપણ—માનવીને લાભ થાય, એમ પણ અનુભવી કહે છે.