સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/શ્રેષ્ઠતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઈટલીના મિલાનો શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી ને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી ન પહોંચી શકે. તો પણ શિલ્પકાર પોતાના કામમાં લીન થઈને એક-એક રેખામાં ને મરોડમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. એક મિત્રો એ જોઈને ટીકા કરી : “આ મૂર્તિ પર કોઈની નજર સરખી યે પડવાની નથી, તો પછી એની પાછળ આટલી બધી મહેનત કેમ ઉઠાવો છો? ઝટ પતાવી દેશો તો ત્યાં તો ચાલશે.” શિલ્પીએ મૂર્તિમાંથી આંખ ઊંચી કર્યા વગર જવાબ આપ્યો : “મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ — પછી ભલે કોઈ એ જુએ કે ન જુએ. હું તો જોઉં છું. અને બીજું કોઈ નહિ, તો ભગવાન તો એ જોશે જ ને?” “મારી કૃતિ છે, એટલે શ્રેષ્ઠ જોઈએ” — એ કલાકારનો આદર્શલેખ છે અને જીવનઘડતરનો અગ્રસિદ્ધાંત છે. મારે હાથે કાચું કામ નહીં શોભે. મારી મર્યાદાઓ તો છે જ; પણ એમાં રહીને મારાથી જેટલું સારામાં સારું કામ થઈ શકે એટલું હંમેશ વ્યવહારમાં ઉતારવાનો મારો આગ્રહ રહેશે. મારું કામ છે, એટલે મારા પ્રમાણમાં ઉત્તમ જ હોય. યુવાન માઈકલાંજેલોની કેટલીક શિલ્પકૃતિઓ ચોરાઈ અને બીજાના નામે વેચાઈ, ત્યારે એને ખૂબ લાગી આવ્યું અને જે મૂર્તિ પોતે ઘડી રહ્યા હતા એના ઉપર જ મોટા અક્ષરોથી પોતાનું નામ કોતરી દીધું. પણ એ ઉપાય બેહૂદો લાગતાં એમણે મનસૂબો કર્યો કે, મારી એક-એક કૃતિ હવે પછી એવી થશે કે તે જોતાંવેંત એ માઈકલાંજેલોની જ છે એની સૌ કોઈને પ્રીતિ થઈ જશે. સ્થૂળ અક્ષરોથી નહીં, પણ મારો પ્રાણ મારી દરેક કૃતિમાં રેડીને હું તે મારી કૃતિ તરીકે ઓળખાવીશ. અને ખરેખર, આજના કલાનિષ્ણાતો પણ માઈકલાંજેલોની એક-એક મૂર્તિમાં ને એકએક ચિત્રામાં એમની આગવી છાપ પારખી શકે છે. મારા જીવનઘડતરમાં, મારા અંતરના ચિત્રામાં પણ એવી છાપ ને એવી કારીગરી જોઈએ. ‘કોપીરાઈટ’ના કાયદાને જોરે નહીં, પણ મારા આત્માના પ્રભાવથી મારું કામ ને મારું જીવન ખરેખર મારાં જ છે એ હું સિદ્ધ કરી દઈશ. મારી સહી ન હોય તો યે કાગળ મારો છે એમ વાંચનારને થાય એવી રીતે હું લખીશ. ભજનની છેલ્લી કડીમાં “ભણે નરસૈયો” ન આવે તોય ભજન નરસૈયાનું જ છે એવી પ્રીતિ આપોઆપ થાય એવી રીતે મારું જીવનકાવ્ય હું રચીશ. કેટલું કરો છો એ નહીં, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની ‘વિપુલતા’ નહીં પણ ‘શ્રેષ્ઠતા’ સાધવાનો આદેશ છે. ફ્રાંસના અગ્રણી તત્ત્વચિંતક સાર્ત્રાની આગળ તેમના એક શિષ્યે ફરિયાદ કરી કે “આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે.” ત્યારે એમણે જવાબમાં કહ્યું : “મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારા લખાણનો ફક્ત પાંચમો ભાગ પ્રસિદ્ધ કર્યો છે,” અને ઉમેર્યું : “જો મારાં બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો મને આટલી ખ્યાતિ મળી ન હોત, અને તમે મારા શિષ્ય પણ ન હોત!” એ શ્રેષ્ઠતાએ એમને સાક્ષરોના કીર્તિમંદિરમાં સ્થાન અપાવ્યું. શ્રેષ્ઠની ઉપાસના એ કલામાં ને વિજ્ઞાનમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપાવનાર મંત્રા છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તો યે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય, તો યે હું સરખી રીતે વાંચીશ. ક્રિકેટ-મેચ ટ્રોફી માટેની હોય કે ખાલી ‘મૈત્રી-રમત’ હોય, તો યે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહીં, પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને કલાકારો ‘કલા ખાતર કલા’, દાર્શનિકો ‘કર્તવ્યબુદ્ધિ’ અને ધર્મગુરુઓ ‘નિષ્કામ કર્મ’ કહે છે; પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતનાં ભાષાંતર : કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવે છે. એ ચોખાના દાણા અખંડ, અક્ષત હોવા ઘટે. સો સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ માને તે સાચો પૂજારી નથી. આપણું જીવન પણ એક યજ્ઞ છે. દિવસે દિવસે, દાણે દાણે હૃદયમંદિરમાં બિરાજતા અંતર્યામીના ચરણની આગળ આપણું એક એક કાર્ય આપણે અર્પણ કરતા જઈએ છીએ. એવું એકેએક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ, અક્ષત રાખવાનો જેને દિલથી આગ્રહ ન હોય, તે સાચો જીવનપૂજારી નથી.