સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બબલભાઈ મહેતા/થોડાક દોરાનો ફેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એક કાળ એવો આવી ગયો કે ભારતના નવજુવાનોએ રાષ્ટ્રની આઝાદી ખાતર પોતાના જીવનનાં બલિદાન આપવાની તૈયારી દાખવી. ભારતની માતાઓએ પોતાના વહાલા પુત્રોને દેશહિત ખાતર જેલમાં જવા હોંશેહોંશે વિદાય આપી. ભારતની સામાન્ય જનતાએ દેશપ્રેમથી પ્રેરાઈને કાંઈક ને કાંઈક ત્યાગની રેલ ચલાવી. ત્યાગ છૂટતો જાય છે અને વૈભવ વધતો જાય છે. સંયમ છૂટતો જાય છે અને વિલાસ વધતો જાય છે. અનીતિ વધતી જાય છે અને નીતિમત્તા ઘટતી જાય છે. એ જ ભારતમાં આજે એકેએક ક્ષેત્રામાં નાનામાં નાની સેવાનો બદલો મંગાવવા લાગ્યો છે. મોટા મોટા પગારો ઓછા પડે છે, મોટામાં મોટા નફાઓ ઓછા પડે છે અને નફાખોરી તથા લાંચરુશવત આજે જીવનના દરેક ક્ષેત્રામાં વ્યાપી ગયેલ સડો બની ગઈ છે. ત્યાગ છૂટતો જાય છે અને વૈભવ વધતો જાય છે. સંયમ છૂટતો જાય છે અને વિલાસ વધતો જાય છે. અનીતિ વધતી જાય છે અને નીતિમત્તા ઘટતી જાય છે. આનું કારણ શું છે? અને એનો ઉપાય શો છે? શિયાળાની કડકડતી ટાઢમાં પણ ઇંગ્લૅન્ડ જેવા ઠંડા મુલકમાં ભારતનો પ્રતિનિધિ નગ્ન ફકીરરૂપે ગયો હતો. એ નગ્ન ફકીરીમાં એને રાષ્ટ્રનું સાચું પ્રતિનિધિત્વ રજૂ થતું દેખાતું હતું. જાતે સ્વીકારેલી એ ગરીબાઈમાં એને રાષ્ટ્રનાં માન-આબરૂ દેખાતાં હતાં. આજે તો ભારતના પ્રતિનિધિને તોપો ફોડાય કે રાજવૈભવ દેખાડાય ત્યારે જ રાષ્ટ્રનાં માન-આબરૂ વધતાં દેખાય છે. આ બન્ને અલગ અલગ દિશાઓ છે. રેલગાડીના પાટા અલગ દિશામાં જવાની શરૂઆત જ્યાં કરે છે, ત્યાં બે પાટા વચ્ચે થોડાક દોરાનો જ ફરક હોય છે, પણ એની પરની રેલગાડી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ એ અંતર વધતું જ જાય છે. છેવટે એ મૂળના કરતાં સદંતર વિરોધી દિશામાં પણ જતી દેખાય છે. એમ આપણા પ્રતિનિધિઓએ બદલેલી એમની જરાક સરખી ચાલના પડઘા પ્રજાજીવનના એકેએક ક્ષેત્રામાં પડવા લાગ્યા છે.