સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બબલભાઈ મહેતા/મીઠું મીઠાપણું તજે નહીં
તોફાનો જોઈને તેને વશ થઈ જનારી સરકાર સામાન્ય જનતાને કદી રક્ષણ નહિ આપી શકે. બેંક-કર્મચારી હોય કે સરકારી નોકરિયાત હોય, પણ તે સંગઠિત થઈને હડતાલ પાડે, બીજાં તોફાનો કરે, એટલે સરકાર એના તરફ ધ્યાન આપે છે, અને તે અંગે સમાધાન કરવાના યોગ્ય-અયોગ્ય માર્ગ લે છે. આ પરંપરાથી સામાન્ય જનતાની મોંઘવારી વધતી જાય છે. બૂમો પાડવા છતાં એની તકલીફો સાંભળવામાં આવતી નથી, અને એના મનમાં પણ એવો ભાવ જાગે છે કે ન્યાય મેળવવો હોય તો ધાંધલ થાય, જાહેર મિલકતને નુકસાન થાય એવાં પગલાં ભરો — તો આપણી વાત સંભળાશે. આ બહુ ચિંતાજનક વલણ છે. શિક્ષકો પણ જો એ દિશામાં વળતા હોય, તો એ વલણ વધુ ચિંતાજનક બને છે. જ્યાંથી સમજદારી, પ્રેમ અને ઉદારતાનાં વલણ કેળવવાનાં છે એ વિદ્યાધામો ચલાવનારા જ જો એ શ્રદ્ધા ખોઈ બેસે, તો આપણે ક્યાં જઈને ઊભા રહેશું? બીજા લોકો ગમે તે માર્ગ લે; પણ મીઠું જ એની અંદરની ખારાશ ત્યજી દેશે, તો ખારાશમાંથી પેદા થતી મીઠાશની લહેજત આજે આખો સમાજ માણી રહ્યો છે એ સંસ્કારનું સિંચન કોણ કરશે? તંત્રોએ પણ સજાગ થઈને, ખટકારો બોલે તેની સાથે જ એ ખટકારો શાને લીધે થયો અને વહેલી તકે એને શી રીતે દૂર કરવો એની ખોજ કરીને યોગ્ય ઉપાય કરી લેવા જોઈએ. ઊંજણની જરૂર હોય ત્યાં ઊંજણ પૂરવું જોઈએ. શિસ્ત કેવળ દબાણ કે દંડથી જ નથી જળવાતી. પોતાની વાતને યોગ્ય રીતે સાંભળવામાં આવે છે, એવી ધરપત અને આત્મીયતામાંથી શિસ્ત ઊગતી હોય છે, એ ભૂલવું ન જોઈએ.