સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બબલભાઈ મહેતા/શિક્ષણમાં ક્રાંતિ એટલે શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજકાલ અપાતું શિક્ષણ ઘણું ખામીભરેલું છે, એટલે એમાં ફેરફારો થવા જોઈએ, એ સર્વસ્વીકૃત વાત છે. એમાં યુનિવર્સિટી તથા કેળવણીતંત્રાની કેટલીક ત્રુટીઓ છે, એ વાત પણ આપણે સ્વીકારીને ચાલીએ. પણ શું એમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની કોઈ જ જવાબદારી નથી? વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે કે કરાવે, વધારે માર્ક મેળવવા માટે લાલચ આપે કે ધમકી આપે, એ કેટલું વાજબી ગણાશે? શિક્ષકો જેમ એમના પગારના વધારા કે હક્કોની માગણી કરે છે, એમ શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટેની એમની જવાબદારી ખરી કે નહિ? પોતાનાં પુત્ર-પુત્રીઓ એમનું વર્તન એક નાગિરકને શોભે એવું રાખે છે કે નહિ, એ વિષે માબાપની જવાબદારી ખરી કે નહિ? આપણે શિક્ષણમાં ક્રાંતિ કરવી છે; એટલે શું ભણ્યા-ભણાવ્યા વિના વિદ્યાર્થીઓને પાસ કરી દેવા, એ ક્રાંતિ છે? પરીક્ષામાં ચોરી કરવી-કરાવવી કે પરીક્ષક ઉપર લાગવગ વાપરવી, એ ક્રાંતિ છે? સાચી ક્રાંતિ તો એ છે કે, મારા હક્કનું છે એટલું જ મારે જોઈએ, એથી વધુ મારે જરાય ન જોઈએ, અને આવડતું ન હોય તો મારે પાસ નથી ગણાવું; બીજા માટે હું ઘસારો વેઠીશ પણ મારા સ્વાર્થ ખાતર હું બીજા કોઈને જરાય નુકસાન નહિ પહોંચાડું; મારી વિદ્યા વડે હું બીજાઓનું અને સમાજનું હિત થાય એવાં કામો કરીશ. આવી સમજણ વધારવી અને આવો વ્યવહાર કરવો એ શિક્ષણમાં ક્રાંતિ થઈ.