સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બબલભાઈ મહેતા/“મારા હાથનો જ પીવો!”
ભક્તિબા તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલાં હતાં, પરંતુ દરબાર ગોપાળદાસ રાજા હતા ત્યારે દારૂના વ્યસનમાં ફસાયેલા હતા. સાસરે આવ્યા પછી ભક્તિબાએ એક દિવસ દરબાર સાહેબ પાસે વાત રજૂ કરી કે, “તમે મારું એક વચન ન રાખો?” દરબાર સાહેબે કહ્યું, “જરૂર. બોલો, વચન રાખ્યું.” ભક્તિબા બોલ્યાં : “હું જાણું છું કે તમને દારૂની લત વળગેલી છે. તમારાથી એ છૂટે નહીં ત્યાં સુધી દારૂ તમે ભલે પીતા રહો; પણ તમારે તમારી મેળે કે બીજા કોઈને હાથે દારૂ ન પીવો, પણ મારા હાથનો આપેલો જ પીવો. આટલી મારી માગણી ન સ્વીકારો?” દરબાર સાહેબે પહેલેથી “જરૂર” તો કહ્યું જ હતું, એટલે આપેલા વચનમાંથી તે પાછા શાના ફરે? પણ એમના મનમાં વિચાર આવ્યો કે, ભક્તિબા જેવાં, લસણ કે ડુંગળીને પણ ન અડકનાર ધર્મપરાયણ પત્નીને મારે કારણે દારૂનો સ્પર્શ કરવો પડે, એના કરતાં એવા દારૂને જ હું છોડું એ શું ખોટું? તે દિવસથી દરબાર સાહેબનો દારૂ ગયો.