સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાબા આમટે/આંસુની નદી આડો બંધ
અયોધ્યામાં એક મસ્જિદને જમીનદોસ્ત કરવામાં આવી, તેમાંથી ઊડેલી ધૂળની ડમરીએ આપણને આંધળા બનાવી મૂકતો વંટોળ ચોમેર ફેલાવ્યો છે. તેને પરિણામે, નર્મદાને કિનારે મેં મારી જાત પર લાદેલો એકાંતવાસ તોડવાની મને ફરજ પડે છે. નર્મદા પરના મોટા વિનાશકારી બંધો સામેનો મારો વિરોધ મારા અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેશે જ. પણ આજે તો, અયોધ્યામાં અને તેના અનુસંધાનમાં અન્યત્રા ફેલાયેલા વિનાશે આંસુઓની જે મહાનદી વહેતી મૂકી છે, તેની આડો કોઈ બંધ બાંધવા મારે નીકળી પડવાનું આવ્યું છે. પરમાત્માને મારી પ્રાર્થના છે કે મારી ભાંગેલી, કહ્યું ન કરનારી કાયા હવે મારા અંતરાત્માના આદેશ મુજબ ચાલે. આપણી ઉપર જે આપત્તિ તોળાઈ રહી છે તે માત્રા આ દેશના કટકા કટકા થઈ જવાની નથી — જે સંકટ ઊભું થયું છે તે તો છે આપણી પ્રજાનાં દિલ અને દિમાગના ટુકડે ટુકડા થઈ જવાનું. રાષ્ટ્રનો આત્મા જાણે મરી પરવાર્યો છે. જે કાંઈ આપણે મહામૂલું ગણેલું, જેને કાજે તો આપણી હસ્તી હતી, એકતાની જે અવિચલ ભાવનાએ આપણામાં પ્રાણ પૂરેલા, જેના થકી આ રાષ્ટ્ર આકરામાં આકરા પડકારોનો સામનો કરી શકેલું, તે બધાંની ઉપર મરણતોલ પ્રહાર થયો છે. એ ભાવનાને આપણે ફરી જીવતી કરવાની છે, નવેસર તેની પ્રતિષ્ઠા કરવાની છે. આપણામાંના પ્રત્યેકને આજે હું એ પ્રશ્ન કરવા માગું છું કે, કશું પણ મહાન અને સુંદર, પવિત્રા અને સનાતન શું અપમાન ને આશંકા, વૈર ને વિનાશના પાયા ઉપર બાંધી શકાય ખરું? આપણે જેને ઇતિહાસની ભૂલો માનતા હોઈએ તેને ખાતર, જે નબળા અને નિર્દોષ છે તેમને આજે દંડ દેવા બેસવું તે શું આપણને છાજે છે? અને આ જંગાલિયત આપણને ક્યાં દોરી જશે? આ હેવાનિયતનો અંત ક્યારે આવશે? આપણી નફરત ગળા સુધી ધરાઈ જાય તે પહેલાં હજી કેટલી મસ્જિદો જમીનદોસ્ત થશે, કેટલાં મંદિરોનો આપણે નાશ કરશું? અયોધ્યામાં એ વિવાદાસ્પદ સ્થળે આપણે ન મંદિર બાંધીએ કે ન મસ્જિદ, પણ પ્રેમનું એક સાચું દેવળ ઊભું કરીએ અને છઠ્ઠી ડિસેમ્બર પછી ફેલાયેલી પાગલ હિંસાખોરીમાં અનાથ બનેલાં બાળકોને ત્યાં વસાવીને ઉછેરીએ. અયોધ્યાને આપણે ઇન્સાનની બિરાદરીનું ને એકતાનું, મનમોટપ ને મહોબ્બતનું પ્રતીક બનાવીએ. આપણાં ગામ-શહેરોમાં જે બધાં ઘરબારોનો આ પાશવલીલામાં વિનાશ થયો છે તેને, ચાલો, આપણે તમામ મઝહબ અને કોમના લોકો ભેગા મળીને શ્રમદાન મારફત નવેસર બાંધીએ!