સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાબુ સુથાર/મને સાંભરે રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૧૯૭૯માં બી.એ.ના છેલ્લા વરસનું પરિણામ આવ્યું. પાસ થઈ ગયો. [ત્યારે હું ગોધરામાં ટેલિફોન ઓપરેટર હતો.] મિત્રોએ કહ્યું : બાબુ, એમ.એસ.માં ભણવા જા, ત્યાં સુરેશ જોષી ભણાવે છે. સુ.જો.નાં લગભગ બધાં પુસ્તકો મેં વાંચેલાં હતાં. કેટલાંક તો ચાર કે પાંચ વખત. એટલે એમના હાથ નીચે ભણવાની ઇચ્છા તો બહુ હતી પણ, નોકરી કરવા ગોધરા રહેવાનું અને ભણવા વડોદરા જવાનું જરા અઘરું લાગતું હતું. પણ એટલામાં જ બીજા બેચાર ટેલિફોન ઓપરેટરો આવી ચડ્યા. કહેવા લાગ્યા : બી.કે., તું એમ.એસ.માં જ ભણવા જા. અમે અમારી રાતપાળી તને આપીશું. [ગોધરાના ટેલિફોન ઓપરેટરો ત્યારે મને બી.કે. કહેતા.] અમારી નોકરીનો સમય દર અઠવાડિયે બદલાયા કરતો. ક્યારેક સવારે આવતો તો ક્યારેક બપોરે તો ક્યારેક સાંજે તો ક્યારેક રાતે. જો કે, અમે એકબીજા સાથે અમારી પાળી બદલી શકતા. પરણેલા ઓપરેટરો ભાગ્યે જ રાતપાળી કરતા. મને એનો લાભ મળી જતો. પછી મેં વડોદરા ભણવા જવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે આવ્યો વડોદરા. આર્ટ્સ ફેકલ્ટીની ઓફિસમાંથી એમ.એ.નું પ્રવેશપત્ર લીધું, ભર્યું. [રોજ રાતપાળી કરવાની. પછી સવારે ગોધરાથી વડોદરા આવવાનું, ક્લાસ ભરવાના. પછી સાંજે વડોદરાથી ગોધરા જવાનું. થોડો આરામ કરું ન કરું અને રાત પડી જાય. એટલે ફરી પાછા નોકરીએ જવાનું. આ બધું ખૂબ જ અઘરું લાગતું હતું. હું રાતપાળી કરીને સવારે સાડાસાતે રૂમ પર આવતો. તે વખતે નાનો ભાઈ (ભીખો) મારી સાથે રહેતો હતો. એ વહેલો ઊઠીને ખીચડી બનાવી દેતો. હું નાહી-ધોઈ, ખીચડી ને છાસ કે ખીચડી ને દહીં ખાઈ સાડા આઠ વાગે સાઇકલ લઈને રેલવે સ્ટેશને જતો. સાઇકલ ક્યારેક સ્ટેશન પર તો ક્યારેક એક વરલીમટકાવાળાને ત્યાં મૂકતો. અઠવાડિયામાં ત્રણ દિવસ હું ડિલક્સ લેતો અને બે દિવસ પશ્ચિમ એક્સપ્રેસ. ડિલક્સમાં પાસ ન ચાલે. એમાં ભીડ પણ એટલી. એટલે ઘણી વાર હું એના છાપરે બેસીને મુસાફરી કરતો. સમલાયાના ઓવરબ્રિજ પર માથું ન અફળાય એની ખાસ કાળજી રાખતો. પછી વડોદરા આવે ત્યારે બે ડબ્બાની વચ્ચે આવી જતો. જેથી ઇલેક્ટ્રિક વાયરો જીવ ન લે. ઘણી વાર આખો પ્રવાસ બે ડબ્બા વચ્ચે ઊભા રહીને કરતો. ક્યાંય જગ્યા ન હોય તો ક્યારેક ટોઇલેટમાં પણ ઘૂસતો. તે પણ પાછો એકલો તો નહીં, ચૌદ-પંદર જણ સાથે. પછી વડોદરા આવે એટલે ટિકિટ ક્લેક્ટર જોઈ ન જાય એમ ચોરીછૂપીથી અલકાપુરીવાળા રસ્તે નીકળી જતો. એકાદ-બે વાર તો અમે પાસવાળાઓએ ફાળો કરીને ટિકિટ ચેકરને દક્ષિણા પણ આપેલી. બદલામાં એ અમને ડીલક્સમાં પ્રવાસ કરવા દેતો. જો ઉપરથી ટિકિટ ચેકરોની ટુકડી આવવાની હોય તો એ અમને અગાઉથી ચેતવી દેતો, એટલે અમે ટિકિટ ખરીદી લેતા. ક્યારેક હું બસ લેતો. જોકે, મને બસ ખૂબ મોંઘી પડતી. સાંજે પાછા આવવા ક્યારેક જનતા એક્સપ્રેસ, ક્યારેક ડિલક્સ / પશ્ચિમ એક્સપ્રેસ લેતો.] એક દિવસે સુ.જો.એ મને પૂછ્યું કે તમે ગોધરાથી આવનજાવન કઈ રીતે કરો છો? મેં એમને મારાં આ પરાક્રમો કહેલાં. દેખીતી રીતે એમને મારાં પરાક્રમો ન’તાં ગમ્યાં. પછી એમણે પૂછેલું : શું બીજો કોઈ જ વિકલ્પ નથી? મેં કહ્યું : છે, મારે બસમાં આવવું પડે. જે મને ન પરવડે. અથવા તો વડોદરા બદલી કરાવવી પડે. અરજી કરી છે પણ ક્યારે બદલી મળશે કંઈ કહેવાય નહીં.

એક દિવસે એમની ઓફિસમાં અમે બે જ જણ બેઠા હતા. વાતમાંથી વાત નીકળી. સુ.જો.એ મને મારા પગાર વિશે, હું ઘર કઈ રીતે ચલાવું છું એ વિશે, મારાં માબાપને કેટલા પૈસા મોકલું છું એ વિશે પણ પૂછ્યું. મેં એમને બધી વાત કરી. પછી એ કહે : તમે આટલા બધા પૈસા તો માબાપને મોકલી આપો છો, તો પછી અહીં આવવા-જવાના પૈસા ક્યાંથી કાઢો છો? મારી પાસે સાચું બોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં ડરતાં ડરતાં કહ્યું : સુરેશભાઈ, મારું ભણવાનું ગોધરાના એક બે વરલીમટકાવાળા સ્પોન્સર કરે છે. એ લોકો મને ખુશ રાખવા દર અઠવાડિયે‘બક્ષિસ’ આપ્યા કરે છે. હું એમાંથી પુસ્તકો ખરીદું, બસનું ભાડું પણ આપું અને પાસના પૈસા પણ કાઢું. સુ.જો. સાથેના મારા સંબંધના ઇતિહાસમાં આ એક અત્યંત મહત્ત્વની ક્ષણ હતી. એ જરા વિચારમાં પડી ગયા. કહેવા લાગ્યા : આ તો અપ્રમાણિકતા થઈ. તમે સાહિત્યની વાત કરો છો, કળાની વાત કરો છો અને જીવનમાં અપ્રમાણિક બનો છો એ તે કેમ ચાલે? હું જવાબમાં કેવળ મૌન રહેલો. છેલ્લે, હું હવે એવું નહીં કરું, કહીને ઓફિસમાંથી બહાર નીકળી ગયેલો.

મેં ક્યારે એમના ઘેર જવાનું શરૂ કર્યું યાદ નથી આવતું. પણ, એમ.એ. થઈ ગયો ત્યાં સુધીમાં ભાગ્યે બેએક વાર એમને ત્યાં ગયો હોઈશ. મારું એમ.એ.નું છેલ્લું વરસ. યોગાનુયોગ એમનું પણ ડિપાર્ટમેન્ટમાં છેલ્લું વરસ હતું. એ નિવૃત્ત થયા પછી, મેં Diploma in Lingui‘tic‘માં પ્રવેશ લીધો. ક્લાસ બપોરે હોય. એટલે લગભગ રોજ સવારે નવ સાડા નવની આસપાસ એમના ઘેર જતો. સુ.જો. મોટે ભાગે તો આગળ બેઠકરૂમમાં બેઠા બેઠા કંઈક વાંચતા હોય. એમણે મોટે ભાગે બંડી, લેંઘો પહેર્યો હોય. એક હાથમાં દમનો પંપ પકડ્યો હોય. ત્યારે પ્રણવભાઈ અને કલ્લોલભાઈ વડોદરામાં ન હતા રહેતા. એટલે સુ.જો.નું નાનુંમોટું કામ ઘણી વાર હું કરતો. એ કામ સોંપતા નહીં, પણ મને એમનું કામ કરવાની મજા આવતી હતી. કારણ એક જ કે એ કોઈ પણ કામ સોંપતા ત્યારે એ કામને વિશે કંઈક ને કંઈક ટીપ્પણી કરતા. તે પણ સાહિત્યમાંથી સંદર્ભ લઈ આવીને. જો બેંકમાં ચેક જમા કરાવવાનું કામ સોંપતા તો રશિયન વાર્તાકાર ઝોશેન્કોની વાત કાઢતા અને કહેતા કે ભારતમાં આટલી નોકરશાહી છે તો પણ કેમ કોઈ ઝોશેન્કો પાકતો નથી? ક્યારેક પોસ્ટઓફિસના કારકુનની વાત કાઢતા, પછી એ કારકુનને એ કાફકાના કારકુનો સાથે જોડતા. ક્યારેક એ પોતાના બેંકના કે પોસ્ટઓફિસના અનુભવની વાત કરતા. એ પુસ્તકોની વાત કરતા, પ્રકૃતિની વાત કરતા, રોજબરોજના બનાવોની વાત કરતા, એમના પર પોતાની ટિપ્પણી પણ કરતા. એ બધાંમાંથી મને કંઈક ને કંઈક શીખવા મળતું. એટલે જ મારી એમની એકેએક મુલાકાતને હું ક્લાસમાં જવા બરાબર ગણતો. ઘણી વાર સવારે જાઉં ત્યારે એ એમના બગીચામાં ફરતા હોય. હું પણ એમની સાથે જોડાઈ જાઉં. એ એકેએક ફૂલછોડને જાણે કે સંજ્ઞાવાચક નામથી ઓળખતા ન હોય એમ જાળવતા. ઘણી વાર એ એકાદ છોડના પાનને સ્પર્શીને મને પૂછતા : આ શાનો છોડ છે તમને ખબર છે? હું ગામડાનો જીવ. બાજરીના ડૂંડાને કે મકાઈના ડોડાને જેટલો સરળતાથી ઓળખતો એટલી સરળતાથી સોનચંપો કે મોગરો ન’તો ઓળખતો. એટલે હું કહેતો કે મને ખબર નથી. તો એ કહેતા : ભલાદ’મી, એટલી ખબર નથી? આ તો બટમોગરો છે. જુઓ સૂંઘી જુઓ. પછી, બટમોગરાનું ફૂલ સૂંઘાડે. તોડ્યા વગર. એ જ રીતે રાતરાણીનો પરિચય કરાવે. મને ઘણી વાર એ શહેરી ફૂલોમાં રસ ન’તો પડતો. પણ, એ જે રીતે ફૂલછોડનો પરિચય કરાવતા તે ગમતું.

ઋચાનાં લગ્ન વખતે ઘર સાચવવાની જવાબદારી મારા માથે હતી. લગ્નસ્થળે જતાં અગાઉ સુ.જો.એ બધું જ બતાવી દીધેલું. નળ કઈ રીતે ચાલુ કરવો, કઈ રીતે બંધ કરવો, બગીચામાં છોડને પાણી પાઈને પાઇપ વાળીને ક્યાં મૂકવી, પાણીની ટાંકી ભરાઈ કે નહીં તેની ખાતરી કઈ રીતે કરવી વગેરે. લગ્ન પતી ગયાં. પછી સુ.જો., ઉષાબહેન અને કુટુંબીજનો ઘેર આવ્યાં. હું મારી રૂમ પર આવ્યો. બીજા દિવસે સવારે મને થયું કે લાવ, સુ.જો.ને જરા હલો કરી આવું. હું અસ્મદીયમ્ પર આવ્યો. જોઉં છું તો સુ.જો. હાથમાં દમની દવાનો પંપ લઈને બગીચામાં આંટાફેરા મારી રહ્યા હતા. એ જરા અસ્વસ્થ લાગતા હતા. મને જોઈને તેમણે રાબેતા મુજબ આવો કહ્યું. પણ, એ આવોમાં કોણ જાણે કેમ રોજના જેવાં ઉષ્મા અને ઉત્સાહ દેખાતાં ન હતાં. મને થયું કે સુ.જો.ને કદાચ ઋચા યાદ આવતી હશે. હું એમને કારણ પૂછવાની પરવા કર્યા વગર જ ઘરમાં ગયો. ઉષાબહેન સાથે થોડીક વાતો કરી. પછી બહાર આવ્યો. જોઉં છું તો સુ.જો. હજી પણ બગીચામાં આંટાફેરા મારી રહ્યા હતા. છેવટે મને થયું : લાવ, પૂછવા તો દે. કંઈ ગરબડ તો નથીને? મેં કહ્યું : સુરેશભાઈ, કેમ તમે મૂડમાં નથી લાગતા? જવાબમાં એ મને ગુલાબના એક છોડ પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા : આ છોડ પર એક ફૂલ હતું તે ક્યાં ગયું? મેં કહ્યું : એ તો પેલી ધોબીની છોકરી આવી હતી તે ચૂંટી ગઈ. મને કહે કે, અંકલ, બગીચામાંથી એક ફૂલ લઉં? મેં હા પાડી. એટલે એ લઈ ગઈ. એ બોલ્યા : અરે ભલાદ’મી, એમ કોઈને ફૂલ અપાતું હશે? પૈસા આપી દેવાના હોય. એમ કહી એ ચૂપ થઈ ગયા. મને લાગ્યું કે હું એમનું ઘર બરાબર સાચવી શક્યો નથી. હું કરું પણ શું? આઠદસ વરસની કોઈ છોકરી આપણને પૂછે કે અંકલ હું એક ફૂલ લઉં? તો આપણે કેમ કરીને ના પાડી શકીએ? હું આમ વિચારતો હતો ત્યાં જ એ બોલ્યા : નાનકડી કળી હતી ત્યારનો હું એ ફૂલનો વિકાસ જોતો આવ્યો હતો. હું કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. નવું ઘર બાંધ્યું. પછી એ અધ્યાપક કુટિરમાંથી નવા ઘરમાં રહેવા આવ્યા. કહે, ચાલો ઘર બતાવું : આ બેઠકરૂમ, આ બેડરૂમ. આ બેઝમેન્ટ. અહીં પુસ્તકો રહેશે. પુસ્તકોનો ઘોડો બનાવવા સુથાર શોધવો પડશે. ચોપડીઓ ગોઠવવામાં તમારી મદદની જરૂર પડશે. બહાર એક સીડી હતી. એ બતાવતાં એ બોલ્યા : આ સીડીની મદદથી ઉપર મહેમાનોની રૂમમાં જઈ શકાય. એ જ રીતે ઘરમાંથી પણ મહેમાનોની રૂમમાં જઈ શકાય. મેં પૂછ્યું : આ બહારની સીડી શા માટે રાખી છે? એમણે હસતાં હસતાં જવાબ આપેલો : આ મુંબઈવાળા આવેને. બહાર પાર્ટીમાં ગયા હોય. જરાક પીને આવે તો સીધા જ એમની રૂમમાં જઈ શકે. પછી જ્યારે પુસ્તકો ગોઠવવાનાં આવ્યાં ત્યારે મને કહે : હવે તમે સાંભળી લો. કવિતા એક બાજુ, નવલકથા એક બાજુ, ફિલસૂફી એક બાજુ, બંગાળી પુસ્તકો જુદાં કાઢજો. જે પુસ્તકો પર બીજા કોઈનું નામ હોય એ પણ બાજુ પર રાખજો. આપણે એ પુસ્તકો જે તે માલિકને પાછાં આપી દઈએ. મને તો મજા પડી ગઈ. પુસ્તકો ગોઠવવાને બહાને એમનાં પુસ્તકો જોવા મળ્યાં. એક દિવસે એ કહે : પુસ્તકો ગોઠવવાનું કામ ખૂબ મુશ્કેલ છે હોં. આપણને ખબર હોય કે આ પુસ્તક હું કદી વાંચવાનો નથી, પણ એને કાઢી નાખવાનો જીવ ન ચાલે. તે દરમિયાન મેં થોડાંક પુસ્તકો બાજુ પર કાઢી રાખ્યાં હતાં તે બતાવીને કહ્યું : આ બધાં ગુજરાતી પુસ્તકો છે. લેખકોએ તમને મોકલાવ્યાં હોય તેવાં. આમાં કોઈ જાણીતી કૃતિ નથી. કોઈ જાણીતો લેખક પણ નથી. મોટા ભાગનાં પુસ્તકો ચીલાચાલુ છે. આ કાઢી નાખું ને? સુ.જો. કહે : અરે હોય? કોઈ આપણને પુસ્તક આપે એ કેમ કાઢી નંંખાય? ભલેને એ પુસ્તક કચરા જેવું હોય! હું પુસ્તકો ગોઠવતો હોઉં ત્યારે એ આવે અને એમને ગમતું પુસ્તક જો એ જોઈ જાય તો કહે : લાવોને જરા. આ કવિ તો સરસ લખે છે. પછી એ કવિની અડધી જીવનકથા કહી નાખતા અને મૂડમાં હોય તો કવિતાની પંક્તિઓ વાંચી બતાવતા. એક દિવસે પુસ્તકો ગોઠવીને થાકી ગયો, એટલે બેઠકરૂમમાં જઈને બેઠો. એટલામાં સુ.જો. આવ્યા. કહેવા લાગ્યા : શું થાકી ગયા ને? ભલા’દમી, ઉતાવળ કરવાની જરૂર નથી. પછી કહે : તમે વોલ્ટર બેન્જામીનનો લેખ Unpacking my library વાંચ્યો છે? મેં કહ્યું : ના. એમણે કહ્યું : Illumination‘માં છે. વાંચજો. પુસ્તકો વસાવવાં, ગોઠવવાં, સાચવવાં ખરેખર અઘરું કામ છે. મારું પુસ્તકો ગોઠવવાનું કામ પંદરેક દિવસ ચાલ્યું. ત્યાર પછી ક્યારેક એમને કોઈ પુસ્તક ન જડે તો મને કહેતા : બાબુભાઈ, તમને યાદ આવે છે પેલું ઉનામૂનોનું પુસ્તક. ઘેર આવો તો જરા શોધી આપજોને, વગેરે.

પ્રણવભાઈને ત્યાં પારણું બંધાવાનું હતું. સુ.જો. અને ઉષાબહેનને હરખનો પાર ન હતો. એક દિવસે સાંજે એમને મળવા ગયો. થોડી વાતો કરી. પછી હું ઊભો થવા ગયો ત્યાં એ કહે : જમીને જજોને. સુ.જો.ને ત્યાં જમવાની હું ક્યારેક જ ના પાડતો. એક તો હોસ્ટેલનો ખોરાક ખાઈ ખાઈને કંટાળો આવતો હતો. બીજું, એમની સાથેનું જમણ એક મીની ક્લાસ બની રહેતું. જમ્યા પછી અમે રસોડામાં તગારામાં તાપણું કરીને બેઠાં. સુ.જો. એક ડાયરી જેવું લઈને અમારી સાથે બેઠા. મેં ડાયરી જોઈ કૌતુકથી પૂછ્યું : આ શું છે? સુ.જો. કહે : હવે પ્રણવ બાપ બનશે. એના બાળકને કવિતા તો જોઈશે ને? આપણે જાતે કવિ હોઈએ તો પછી કવિતા બહારથી શા માટે ખરીદવાની? મેં કહ્યું : અમને સંભળાવોને. એમણે સાત-આઠ બાળકાવ્યો વાંચી બતાવેલાં.

[‘સોનગઢનો કળાધર સુરેશ જોષી’ પુસ્તક : ૨૦૦૩]