સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/અવકાશી અસવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા! આવો અનરાધાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા.
સાયબો થિયો છે અસવાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.
[‘સહવાસ’ પુસ્તક]