સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/ધૂળિયો જોગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એક ધૂળિયો જોગી રમે—
રમે એક ધૂળિયો જોગી રમે.
આભમંડલમાં ઊડે ઓડિયાં,
પગ ધરતી પર ભમે;
અંગન અંગન અલખ જગાવે,
કાયા કષ્ટે દમે :
હે જી એક ધૂળિયો જોગી રમે–
રમે એક ધૂળિયો જોગી રમે.
આંખ જોગીની અલખ વાંચતી,
વાણી વેદ ઓચરે;
એની ધૂળીના શીળા ધખારા
પ્રેમલ તણખા ઝરે :
હે જી એક ધૂળિયો જોગી રમે–
રમે એક ધૂળિયો જોગી રમે.
કંઠી બાંધી સોય નર જીત્યા,
નૂગરા હારે બાજી;
ભવનું ભાથું બાંધ લિયો, ભાઈ,
છોડ દિયો પતરાજી :
હે જી એક ધૂળિયો જોગી રમે—
રમે એક ધૂળિયો જોગી રમે.
ભૂમિ, દોલત, માલ, ખજાના–
સંગ ચલે ના કોડી;
મૂઠી, ટોપલે, ખોળે, ખોબલે
દૈ દેજો, ભાઈ, દોડી :
હે જી એક ધૂળિયો જોગી રમે–
રમે એક ધૂળિયો જોગી રમે.
જે દેશો તે થશે સવાયું :
કીમિયાગર ભિખારી;
ઓળખી લેજો, આયો સદાશિવ
ગોકુલમાં અલગારી :
હે જી એક ધૂળિયો જોગી રમે–
રમે એક ધૂળિયો જોગી રમે.