સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/પારાવારના પ્રવાસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આપણે તે દેશ કેવા?
આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી,
પાંખ જો પ્રકાશ-ભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે,
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.