સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બિપિનચંદ્ર જી. ઝવેરી/સજ્જનની સુવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ગુજરાતમાં વિદ્વાનો છે, નીડર યોદ્ધાઓ છે, પ્રખર રાજકારણીઓ છે, પણ ગુજરાતનો એકમાત્રા સજ્જન તો રમણભાઈ છે : આવું ગાંધીજીએ જેમને વિશે કહેલું તે રમણભાઈ નીલકંઠ. અમદાવાદના જાણીતા કેળવણીકાર મહીપતરામ રૂ. નીલકંઠને ત્યાં ૧૮૬૮ની ૧૩મી માર્ચે એમનો જન્મ થયેલો. ઉત્કટ દેશપ્રેમ, સુધારક વૃત્તિ, સ્ત્રીસન્માનની ભાવના ને સિદ્ધાંતને માટે લડી નાખવાનું ખમીર એમને પિતા તરફથી વારસામાં મળેલાં. બાળક રમણભાઈની સ્મરણશક્તિ ને અવલોકનશક્તિ ઘણી તીવ્ર હતી. નાનપણથી જ એમને દરેક વસ્તુ જાણવાનો શોખ હતો. મૅટ્રિકમાં અમદાવાદ કેન્દ્રમાં પહેલા આવીને પાસ થયા પછી ૧૮૮૪માં એ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. એ વરસે એમના વચલા ભાઈનાં લગ્ન લેવાયાં, એટલે પિતા મહીપતરામે નાના પુત્રા રમણનાં લગ્ન પણ સાથોસાથ ઉકેલી નાખ્યાં. દાક્તર સુમન્ત મહેતાની પિત્રાઈ બહેન — ૧૩ વરસની હસવદન સાથેનું રમણભાઈનું લગ્ન સુખી નીવડયું, પણ ચાર વરસ પછી એ વિધુર થયા. પ્રાર્થના સમાજના સહસ્થાપક ને તે વખતના આગેવાન સુધારક ભોળાનાથ સારાભાઈ સાથે મહીપતરામને સારો સંબંધ હતો. મૈત્રી બેય કુટુંબો વચ્ચે લગ્નસંબંધથી ગાઢ કરવાની ભોળાનાથની ઇચ્છા હતી, પણ મહીપતરામના ત્રાણે પુત્રો પરણેલા હોવાથી તેમ કરી શક્યા નહોતા. પછી રમણભાઈ વિધુર થતાં નરસિંહરાવે તથા ભોળાનાથનાં બીજાં સંતાનોએ પોતાની ભાણેજ વિદ્યાગૌરીનું વેવિશાળ રમણભાઈ સાથે કરી ભોળાનાથની એ ઇચ્છા પૂર્ણ કરી. આમ ૧૮૮૯માં રમણભાઈનું બીજું લગ્ન થયું. રમણભાઈની ઇચ્છા એમ. એ. થઈને અધ્યાપક બનવાની હતી. પણ એમની નાજુક તબિયતને કારણે દાક્તરે આગળ અભ્યાસ કરવાની ના પાડી. એટલે અમદાવાદ જિલ્લા અદાલતમાં થોડાં વરસ નોકરી કર્યા પછી રમણભાઈએ વકીલાત કરવા માંડી. વરસો જતાં વલ્લભભાઈ ઝ. પટેલ સહિત અમદાવાદના ચાર અગ્રગણ્ય વકીલોમાં તેમની ગણના થવા લાગી. ૧૮૯૭માં રમણભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા, તે દિવસથી જાહેર સેવાનો તેમનો યજ્ઞ શરૂ થયો તે લગભગ જીવનના અંત સુધી અવિરતપણે ચાલ્યો. એમની સેવા પામેલી એવી બીજી અનેક સંસ્થાઔ પૈકી મુખ્ય બે તે પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી — આજની ગુજરાત વિદ્યાસભા. પ્રાર્થના સમાજે પોતાના પાક્ષિક ‘જ્ઞાનસુધા’નું સંપાદન ૧૮૮૭માં રમણભાઈને સોંપેલું. ૧૮૯૨થી માસિક બનેલા એ પત્રામાં રમણભાઈની નવલકથા ‘ભદ્રંભદ્ર’ હપતાવાર છપાવા લાગી, ને ૧૯૦૦માં તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. સમગ્ર હિંદુ સમાજ ઉપર તેમાં કરવામાં આવેલા કટાક્ષોને લીધે જનતામાં લગભગ હાહાકાર મચી ગયો. રમણભાઈનાં પત્ની વિદ્યાબહેને સાક્ષર આનંદશંકર ધ્રુવના એક ટોણા પરથી ૧૮૯૪માં — લગ્ન પછી પાંચ વરસે — કૉલેજનો અભ્યાસ આરંભેલો, જે ૧૯૦૧માં પૂરો થયો. એમને એ સાલમાં મળેલી બી.એ.ની ઉપાધિ એ, સંતાનવંતાં વિદ્યાબહેનની ધીરજ અને મહેનતનો તેટલો જ સુધારક રમણભાઈની તિતિક્ષાનો વિજય હતો. બાકી, લગભગ સમગ્ર સમાજના વિરોધ વચ્ચે, અનેક જાતની કુટીકાઓ સહેતાં સહેતાં એ જમાનાનો કયો પતિ પોતાની પત્નીને આટલે સુધી ભણવા દેત! વિદ્યાબહેન — રમણભાઈનું લગ્નજીવન દાંપત્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ બન્યું હતું. એ દંપતીના રમૂજી લેખોનો સંગ્રહ ‘હાસ્યમંદિર’ ૧૯૧૫માં બહાર પડ્યો. હાસ્યલેખક રમણભાઈની હાસ્યવૃત્તિ જીવનમાં પણ અનન્ય હતી. મ્યુનિસિપાલિટીના બેસમજ સભ્યો તથા તેના અનાડી પટાવાળા, બંનેને એ હાસ્યવૃત્તિ વડે રમણભાઈ કાબૂમાં રાખતા. કર્તવ્યભાર તળે કચડાયેલા તેમના જીવનમાં પણ આ હાસ્યવૃત્તિને લીધે જ આનંદ રહેતો. રમણભાઈનો ગાડીવાળો કોઈ કોઈ વાર આવીને કહે કે, “સાહેબ, આજે મારી ન્યાતમાં મૈયત થઈ છે, એટલે મને જવાની રજા આપો.” વકીલ એની સામે જોઈ રહે. એમને યાદ આવે કે પખવાડિયે પખવાડિયે રવિવારે જ એની ન્યાતમાં મૈયત થાય છે. અને જવાબ આપે કે, “મને લાગે છે કે આ તો હવે તારી ન્યાતનો છેલ્લો જ માણસ હશે!” રમણભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે પોતાની ઘોડાગાડીમાં ફરતા. તેમાં બેઠા બેઠા પણ ઊંધું ઘાલીને કાંઈક ને કાંઈક વાંચ્યા કે લખ્યા કરતા. પગ આગળ પડેલી કાળી પેટીમાંથી એક પછી એક તુમાર એ ઉઠાવે અને તેના પર શેરો કે સહી કરી પાછો મૂકતા જાય. એમની વિક્ટોરિયા શહેરની સુધરાઈના વંડામાં રોજ દાખલ થાય ત્યારે ઘડિયાળમાં પાંચના ટકોરા સંભળાય. સાડા આઠ વાગ્યે સુધરાઈની સભા પૂરી થાય ને નવેક વાગ્યે રમણભાઈની ગાડી ભદ્રની બહાર આવેલા બંગલામાં પાછી ફરે. વાટ જોઈને બેઠેલાં પત્ની-બાળકો સાથે ભોજન પતાવ્યા પછી રમણભાઈ પોતાના ઓરડામાં જાય અને વકીલાતની બ્રીફો, મ્યુનિસિપલ તુમારો, પત્રાવ્યવહાર અને છપાતાં લખાણોનાં પ્રૂફોમાં દટાઈ જાય. વચ્ચે પ્રેમાળ ધર્મપત્ની “હવે તો ઊઠો! ક્યાં સુધી બેસી રહેશો?” એમ કહી જાય. પણ એ દૂબળીપાતળી કાયા તો એક વાગ્યે ઊંઘવા ઊઠે. જાહેર કામોના વધતા જતા બોજામાંથી માથું ઊંચું કરવાની યે ફુરસદ ન હોવા છતાં, એક શાસ્ત્રી રાખી એની પાસે ‘ઉપનિષદો’ વગેરેનો અભ્યાસ કરી, રમણભાઈએ પોતાની સંસ્કૃત-પિપાસા જીવનના છેલ્લા દાયકામાં પૂરી કરી. ૧૯૨૬માં તેઓ આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા. નબળી શરીર-પ્રકૃતિવાળા રમણભાઈ જાહેર સેવા પાછળ વિના હિસાબે શક્તિ ખરચ્યે જતા હતા. આ અતિશ્રમનું પરિણામ આવતાં ઝાઝી વાર લાગી નહીં. તેમને લકવાનું દરદ લાગુ પડ્યું, જે એમના અંત સુધી લંબાયું. વકીલાત અને લગભગ બધાં કામ છોડી એમને પથારીવશ રહેવું પડ્યું. ૧૯૨૮માં એમનું અવસાન થયું.


[‘કુમાર’ માસિક : ૧૯૫૧]