સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બેન કાર્સન/એ પ્રવાસ ક્યારે શરૂ થયો...
૧૯૬૧ની સાલ હતી. હું પાંચમા ધોરણમાં ભણતો હતો. પરીક્ષાનું મારું પરિણામ ખૂબ ખરાબ હતું. પણ તે અંગે ચિંતા કરવા જેટલો હું સમજણો થયો ન હતો. અમારા પિતાજીનું વર્ષો પહેલાં અવસાન થયું હતું. મારો ભાઈ કર્ટિસ અને હું અમારી મા સાથે અમેરિકાના ડેટ્રૉઇટ શહેરના પછાત વિસ્તારમાં રહેતાં હતાં. અમારું ઘર સંકડાશવાળું, ખાસ સરસામાન વિનાનું અને છતાં ચોખ્ખું હતું. વળી ડાઇનિંગ ટેબલ પર હંમેશાં ખાવાનું પણ મૂકેલું રહેતું. મારી અને મારા ભાઈની વાત કરું તો, પોતાની જાતને સલામતીની લાગણી આપનારી એક નિર્દોષ બાલસહજ અભાનતા અમારામાં પણ હતી. એટલે ત્રાણ ઘરની કામવાળી એવી અમારી મા બે છેડા કેવી રીતે ભેગા કરતી તેનો અમને પણ આછોપાતળો જ ખ્યાલ હતો. અમારી દુનિયા એકંદરે કંઈક આવી હતી : નિશાળ પૂરી કરવી, પછી ફૂટબૉલ કે બાસ્કેટબૉલ રમવું, ત્યાર બાદ પાડોશીના વાડાના ઝાડ પરથી સફરજનની ધાપ મારવી અને ક્યારેક એરગન લઈને મોટા ઉંદરો કે સસલાં મારવાં. અંધારું થાય એટલે ટેલિવિઝન જોવું. માના પલંગ પર ટાંટિયા લંબાવીને અમે કલાકો સુધી નાના પડદા સામે તાકી રહેતા. પણ એક દિવસ માએ અમારી દુનિયા ધરમૂળથી હંમેશાં માટે બદલી નાખી. તેણે ટી. વી. બંધ કરી દીધું. આ આખી વાત પરીક્ષાના મારા પરિણામને કારણે આવી પડી. અમારી મા સોન્યા ત્રાણ ચોપડી જ ભણેલી હતી. પણ એ દિવસોમાં અમારી જાણમાં એના જેટલી હોશિયાર અને ચબરાક બીજી કોઈ વ્યક્તિ ન હતી. પરાં વિસ્તારમાં ઘરોમાં સાફસફાઈનું કામ કરતાં કરતાં તેણે એક વસ્તુની પાકી નોંધ લીધી હતી — પુસ્તકોની. એટલે એક દિવસે ઘરે આવ્યા પછી તેણે ટી.વી. ફટાક કરતું બંધ કરી દીધું, અમને પાસે બેસાડયા અને સમજાવ્યું કે એના દીકરાઓએ જિંદગીમાં કંઈક બની બતાવવાનું છે. તેણે પાછું એમ પણ કહ્યું : “તમારે દર અઠવાડિયે બે પુસ્તકો વાંચવાનાં, અને તમે જે વાંચ્યું એ વિશે મને નિબંધ લખી બતાવવાનો.” અમે કકળાટ કરતાં તેને કહ્યું કે એની વાત બરાબર નથી, બધાં જ બાળકો તો ટેલિવિઝન જુએ છે. પણ અમારું કંઈ ચાલ્યું નહીં, એટલે અમે વિચાર્યું કે મા તો આ વાત બે-ત્રાણ દિવસમાં ભૂલી જશે. વળી, વાંચવા માટે અમારા ઘરમાં માના ‘બાઇબલ’ સિવાય કોઈ પુસ્તક હતું પણ નહીં. ઘરમાં ભલે પુસ્તકો ન હોય, જ્યાં પુસ્તકો હોય ત્યાં આપણે જઈશું, એમ માએ અમને કહ્યું. એણે જાહેર કર્યું : “હું તમને લાઇબ્રેરીમાં લઈ જઈશ.” ટૂંક સમયમાં જ ચિડાયેલા અને મોં ચડાવેલા બે છોકરાઓને લઈને માની મોટર ડેટ્રૉઇટ પબ્લિક લાઇબ્રેરી ભણી ઊપડી. ત્યાં જઈને હું કચવાતે મને બાળકોના વિભાગમાં ફરવા લાગ્યો. પ્રાણીઓ મને ગમતાં, એટલે પ્રાણી વિશે હોય તેવાં લાગતાં પુસ્તકોનાં પાનાં હું ફેરવવા લાગ્યો. મેં બરાબર વાંચીને પૂરું કરેલું પહેલું પુસ્તક એટલે ‘ચીપ દ્ ડૅમ બિલ્ડર’. એ પુસ્તક બીવ્હર પ્રાણી અને તે કેવી રીતે પુરતા બાંધે છે તેના વિશે હતું. જિંદગીમાં પહેલી જ વાર હું એક બીજી દુનિયામાં ખોવાઈ ગયો. આ શબ્દપ્રવાસ મને શીતળ ઝરણાં અને તેમાં ઘર બાંધતાં બીવ્હરની એક દૂરસુદૂરની દુનિયામાં લઈ ગયો. ટેલિવિઝન પરની કોઈ શ્રેણીએ મને આવી દુનિયામાં પહોંચાડયો ન હતો. થોડાક દિવસ પછી તો મારી નવી દુનિયાના આ નીરવ અભયારણ્યમાં ફરીથી ક્યારે ફરવા મળે તેની હું રાહ જોવા લાગ્યો. મને ડાયનોસોર્સની ભાળ મળી. સરિસૃપ અને સસ્તન પ્રાણીઓ વચ્ચેનો તફાવત મને સમજાયો. તદુપરાંત ખૂબ મહત્ત્વની એ વાત પણ સમજાઈ કે મને વાંચવામાં મજા આવે છે, એટલું જ નહીં પણ હું વધુ માહિતી વધારે ઝડપથી ગ્રહણ કરી શકું છું. છાપેલા શબ્દ દ્વારા થતી માહિતી ગ્રહણની આ પ્રક્રિયા ટેલિવિઝન પરના અવાજ કે ચિત્રા દ્વારા થતી ગ્રહણપ્રક્રિયા કરતાં વધુ ઝડપી છે. પ્રાણીઓ વિશેનાં પુસ્તકો તરફથી હું ઝાડછોડ વિશેનાં પુસ્તકો તરફ વળ્યો. લાઇબ્રેરીમાં વનસ્પતિ વિશેનાં જેટલાં પુસ્તકો મળ્યાં તેટલાં બધાં મેં વાંચી નાખ્યાં. પછી મને ખડકોમાં રસ પડયો. રેલગાડીના પાટે પાટે રખડીને હું ખોખું ભરીને પથ્થરો ભેગા કરતો, અને તે ખોખાંને ખેંચીને ઘરે લાવતો. પછી ભૂસ્તરશાસ્ત્રાનાં પુસ્તકોની મદદથી હું તે પથ્થરોને ઓળખવા પ્રયત્ન કરતો. એ બધાં પુસ્તકોનાં બે પૂઠાં વચ્ચે જાણે આખાં ને આખાં વિશ્વો હતાં અને હું તેમાં મુક્તપણે વિહરી શકતો. આ બધા દરમિયાન એક મજાની વાત બની — શાળામાં જે કંઈ શીખવવામાં આવતું તેમાં મને સમજ પડવા લાગી. આ બાબત મારા શિક્ષકોના પણ ધ્યાનમાં આવી. હવે તો એવું થયું હતું કે છેક ઘરે પહોંચીને પુસ્તકો વાંચું તેટલી મારી ધીરજ રહેતી નહીં. મા પોતાનું કામ પૂરું કરીને પછી મને અને કર્ટિસને મોટરમાં બેસાડીને લાઇબ્રેરી લઈ જાય તેટલો સમય પણ અમારાથી રહેવાતું નહીં. એટલે અમે અમારી રીતે શૉર્ટ-કટ શોધ્યો. અમે રેલગાડીના પાટેપાટે લાઇબ્રેરી તરફ ચાલતા થતા. ક્યારેક ધીમે ધીમે ચાલતી ગાડીમાં રસ્તા વચ્ચેથી જ ચડી જતા. ગાડી લાઇબ્રેરીના વિસ્તારમાં પહોંચે એટલે અમે તેમાંથી કૂદી પડતા. પછી ત્યાં આવતી એક ટેકરી ઊતરીને પુસ્તકસ્થાનકે પહોંચી જતા. પછી ટેલિવિઝન પરની બંધી બાબતે મા સહેજ કૂણી પડી. દર અઠવાડિયે થોડા કલાક માટે અમને ટી.વી. જોવા મળતું. પણ હવે ટી.વી. એ અમારી દુનિયા ન હતી. એ તો માત્રા કો’ક વારની મજા હતી. આજે કર્ટિસ એન્જિનિયર છે અને હું બાળકોની એક હૉસ્પિટલમાં મગજની શસ્ત્રાક્રિયા માટેનો વડો સર્જન છું. ક્યારેક હું મારા જીવનપ્રવાસનો વિચાર કરું છું. નાપાસ થતા અને નફિકરા છોકરાથી માંડીને શિષ્યવૃત્તિ પર યુનિવર્સીટીમાં તબીબી અભ્યાસ પૂરો કરીને, આજે અઘરી શસ્ત્રાક્રિયાઓ શીખવવા અને કરવા માટે દુનિયાભરમાં ફરનારા નિષ્ણાત તરીકેનો આ પ્રવાસ ક્યારેક મને માનવામાં ન આવે એવી વાત લાગે છે. પણ આ પ્રવાસ ક્યારે શરૂ થયો તે મને બરાબર ખબર છે — એ શરૂ થયો મારી માએ ટેલિવિઝન બંધ કરીને અમને લાઇબ્રેરીમાં લઈ જવા માટે મોટરમાં બેસાડયા તે ઘડીથી.
(અનુ. સંજય શ્રી. ભાવે)