સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/અપેક્ષાઓના તાણાવાણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બ્રિટનના સમર્થ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની નવલકથા ‘ડોમ્બી ઍન્ડ સન’માં એક માણસના ઘેર પુત્રા જન્મે છે, તો તે માને છે કે ભગવાને તેને ‘ડોમ્બી ઍન્ડ સન’ની કંપની ચલાવવા જ મોકલ્યો છે. પિતાએ પુત્રા ઉપર કલ્પનાની ઇમારતો ઊભી કરવા માંડી હોય છે. પણ બાળક લાંબું જીવતો નથી! પિતાએ આ અલ્પાયુ પુત્ર પર જ બધો ‘પ્રેમ’ ઢોળ્યા કર્યો હોય છે અને પ્રેમાળ પુત્રીની સતત ઉપેક્ષા કરી હોય છે. નથી એને પુત્રીનો પ્રેમ મળતો, નથી પુત્રનું ‘સુખ’ મળતું. દરેક માબાપને તેમનાં સંતાનોની ચિંતા થાય, તેમને સુખી જોવા તે ઇચ્છે એ બધું બરાબર છે. પણ માબાપ તેમના સંતાનને વધુમાં વધુ તો પ્રેમ અને શુભેચ્છાઓનો જ વારસો આપી શકે. પુત્ર કે પુત્રીની ચિંતા કરવાનો હક્ક માબાપને છે. તેમના સ્વતંત્ર જીવનના અધિકારનો પાવર ઑફ એટર્ની લખાવી લેવાનો અધિકાર તેમને નથી. માબાપનું કહ્યું નહીં માનીને કદાચ તેઓ દુઃખી પણ થઈ શકે છે. પણ તેમને પોતાના જ નિર્ણયના કારણે આવી પડેલાં દુઃખ કે પીડા વેઠવાનો અધિકાર વાપરવો છે. તેને તમારું તૈયાર સુખ બક્ષિસરૂપે નથી જોઈતું. તમે જે કિંમત તમારી કલ્પનાના સુખની આંકો છો તે જ કિંમત તે ન પણ આંકતો હોય! તેને પોતાની કલ્પના મુજબનું સુખ જાતે જ કમાવું છે. તમે માનો છો કે તમારો અનુભવ બહુ કીમતી ખજાનો છે, દીકરો માને છે કે એનો પોતાનો બિનઅનુભવ અપાર શક્યતાઓનું એક અસીમ મેદાન છે! આપણે લોહીની સગાઈને ‘ડિવાઈન રાઈટ ઑફ પેરેન્ટ્સ’ રૂપે જોઈએ છીએ. પણ લોહીની તમામ સગાઈઓને લાગણી વડે ફરી કમાવી પડે છે. કોઈ સંતાનનાં માબાપ હોવું એ એક અકસ્માત છે. તેને પ્રેમ દ્વારા ‘પ્રાપ્ત’ કરીને આપણે માબાપ તરીકેની આપણી લાયકાત સિદ્ધ કરવી પડે છે. ઇંગ્લૅન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની મા સૌંદર્યવતી હતી, સંસ્કારી હતી, પણ તે ચર્ચિલને પ્રેમ આપી ના શકી. ચર્ચિલના ખંડમાં ટેબલ ઉપર એક આયાની તસવીર જ રહેતી, જેણે ચર્ચિલને પ્રેમ આપ્યો હતો. અબ્રાહમ લિંકનને માતાનો સાચો પ્રેમ પાલક માતા પાસેથી જ મળ્યો હતો. લોહીની સગાઈનું મૂલ્ય જરાય ઓછું નથી. પણ સંતાનોને મિલકત ગણીને તમે તેને ચાહતાં હશો તો એ પ્રેમ સાચા લોહીની સગાઈનો ચમત્કાર નહીં સર્જી શકે. તમે જ્યારે સંતાનને એક સ્વતંત્રા સ્વમાની વ્યક્તિનો દરજ્જો આપીને ચાહો ત્યારે એ પ્રેમમાં તમને સાચા લોહીનો ધબકાર દેખાશે. લોહીના કુદરતી ખેંચાણને તમારે એકમેકની સાચી સમજણ અને સહાનુભૂતિના આકર્ષણમાં ફેરવવું પડે છે. જ્યારે આવું થાય છે ત્યારે પિતા અને પુત્રાનાં અલગ અલગ સદ્ભાગ્ય અને દુર્ભાગ્યની અનેક ઊથલપાથલો વચ્ચે પણ પેલો પ્રેમ અકબંધ રહે છે. માનવજીવન એવું છે કે નઃસ્વાર્થમાં નઃસ્વાર્થ પ્રેમમાં પણ પરસ્પરની અપેક્ષાઓના સૂક્ષ્મ તાણાવાણા મોજૂદ હોય જ છે. તેમાં કશું ખોટું પણ નથી અને શરમાવા જેવું પણ નથી. યાદ રાખવા જેવું એટલું જ છે કે પિતાની ‘યોગ્યતા’ માપવા માટે પુત્રા પ્રેમનો માપદંડ જ વાપરે એવી અપેક્ષા જેમ પિતાની હોય છે, તેમ પુત્રાની અપેક્ષા પણ એ જ રહેવાની કે પિતા પુત્રાની ‘યોગ્યતા’ માટે પણ પ્રેમનો માપદંડ જ વાપરે. વિખ્યાત અમેરિકન પત્રકાર — લેખક નોર્મન કઝીન્સ જ્યારે હૃદયરોગના પ્રચંડ હુમલા પછી ઇસ્પિતાલમાં પોતાની એ રાતને જિંદગીની છેલ્લી રાત ગણી રહ્યા હતા, ત્યારે તેમને તેમના પિતાની મૃત્યુપથારી વેળાની છેલ્લી મુલાકાત યાદ આવી ગઈ. પિતાએ ઉચ્ચારેલા શબ્દો નોર્મન કઝીન્સના કાળજે કોતરાઈ ગયા હતા : “બેટા, બીજું બધું તો ઠીક, પણ આ છેલ્લી ક્ષણ આવી પહોંચી છે ત્યારે મને થાય છે કે મેં તમને બધાંને પૂરતાં ચાહ્યાં તો છે ને? હું તમને પૂરતો પ્રેમ આપી શક્યો છું કે નહીં? એવો પ્રશ્ન મને થયા કરે છે.” સંતાનો અંગે જ નહીં, મિત્રો, સ્નેહીઓ બધાંના સંબંધોમાં આપણને અંતકાળે જ આવો પ્રશ્ન થાય તેવું બને. એવું પણ બને કે કોઈ મિત્રા કે કોઈ સ્નેહી ઓચિંતી વિદાય લે ત્યારે આવો પ્રશ્ન હૃદયમાં શૂળની જેમ ભોંકાય. માણસનું સદ્ભાગ્ય એમાં છે કે પોતાના સ્વજનની ઓચિંતી વિદાયની ક્ષણે કે ખુદ પોતાની વિદાયની ક્ષણે આત્મવિશ્વાસપૂર્વક એવું કહી શકે કે, મેં મારાં સ્વજનોને બરાબર ચાહ્યાં છે; બીજી ઘણી કમી રહી હશે, લાગણીની કમી મેં રહેવા દીધી નથી. માણસે આટલું કર્યું હોય તો મોતની ગમે તેવી વીજળી પડે ત્યારે તે છેક આશ્વાસનરહિત બની જતો નથી.