સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/જિંદગી એટલે વાવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એક જુવાન કહે છે : હું ત્રીસ વર્ષનો થયો, હું તો ઠેરનો ઠેર રહ્યો હોઉં એવું લાગે છે. જેણે ચાલીસ વર્ષ પૂરાં કર્યાં છે તેની ફરિયાદ એવી છે કે ચાલીસ વર્ષ પાણીમાં પડી ગયાં. આટલું આટલું મેળવવું હતું, પણ મેળવી ન શકાયું. નોકરીમાં અમુક બઢતી મેળવવી હતી તે હજુ નથી મળી. આટલું બૅન્કબૅલેન્સ કરવું હતું તે ન થયું. પચાસ વર્ષ થાય ત્યારે માણસ કહેશે કે, જે મેળવ્યું છે તે મારી શક્તિના હિસાબે અને બીજાઓ સાથેની સરખામણીના હિસાબે ઘણું જ ઓછું છે. માણસને ૬૦ વર્ષ થાય એટલે કહેશે કે કોઈની કંઈ કદર જ મળી નહીં. કંઈ કેટલાય માણસો ષષ્ટિપૂર્તિ ઊજવી ગયા, કંઈ કેટલાય કેટલી બધી જાત્રાઓ કરી આવ્યા, કંઈ કેટલાય પરદેશના પ્રવાસો કરી આવ્યા. સિત્તેર વર્ષે માણસને લાગે છે કે બસ, તબિયત જે લોહી પીવા માંડી છે તેને કઈ રીતે અંકુશમાં લેવી તે જ સવાલ છે! મૃત્યુ કઈ રીતે આવશે તેનો વિચાર ગભરાવી મૂકે છે. કોઈ કોઈ વાર અડધી રાતે આંખ ઊઘડી જાય છે અને મોત જ ક્યાંક આજુબાજુમાં સંતાઈને બેઠું હોવાનો વહેમ પડે છે. પણ જીવનની બહારની આ સંપત્તિ જેમને ન મળી તેમણે પોતાની અંદરની સંપત્તિથી પોતાની દુનિયાને આબાદ કરી છે તે હકીકત છે. મહાન ચિત્રાકાર વિન્સેન્ટ વાન ગોગે ત્રીસ વર્ષની ઉંમરે તેના ભાઈ થીઓ પરના પત્રામાં લખ્યું હતું : “જિંદગી પાસે ઝાઝી અપેક્ષા કરવી નહીં જોઈએ; જિંદગી એ તો એક પ્રકારનો વાવણીનો સમય છે — લણણીનો નહીં!” આખી દુનિયાની દરિયાઈ સફર કરી આવેલા સર ફ્રાન્સિસ ચિચેસ્ટરે કહ્યું છે : “આખી જિંદગી આમ જુઓ તો આખરે નિષ્ફળતા જ છે, પણ એમાંથી હાંસલ કરવા જેવું કંઈ હોય તો તેમાં મળતી રમત-ગમ્મત જ છે.” જર્મન મહાકવિ ગેટેએ નોંધ્યું છે : “મારી ૭૫ વર્ષની જિંદગીમાં ખરેખર મને સુખ અને શાંતિનો એક મહિનો પણ મળ્યો નથી. પણ મને મારી જિંદગી વિશે ખરેખર કોઈ ફરિયાદ નથી.” બીમાર સેમ્યુઅલ જોન્સને ૭૫ વર્ષની ઉંમરે કહ્યું છે : “એકાદી નવી ઓળખાણ ન કરું તો મને મારો દિવસ ફોગટ ગયેલો લાગે.” ૭૫ વર્ષની ઉંમરે વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું : “હું હવે ભગવાનને મળવા તૈયાર છું, પણ એ મને મળવા તૈયાર છે કે નહીં તે વળી જુદી વાત છે.” પછી ૯૧ વર્ષ સુધી જીવેલા ચર્ચિલને કોઈએ પૂછ્યું હતું કે, તમે આટલું લાંબું જીવ્યા કઈ રીતે? ચર્ચિલે કહ્યું : “આટલાં લાંબાં વર્ષોમાં મેં મારા હૃદયમાં કોઈની પ્રત્યેના ધિક્કારને મુદ્દલ સ્થાન નથી આપ્યું.” ૭૯ વર્ષની ઉંમરે બેન્જામિન ફ્રેંકલિને એક પત્રામાં લખ્યું હતું : “હજુ હયાત છું અને જિંદગીની મજા પણ માણી રહ્યો છું. વૃદ્ધાવસ્થાની નબળાઈઓ ઝડપથી આવી રહી હોય એવું લાગે છે અને શરીર એટલું બધું સમારકામ માગી રહ્યું છે કે પરમાત્માને કદાચ એમ જ થતું હશે કે આ જર્જરિત ઇમારતનું સમારકામ મોંઘું પડે. તેને પાડી નાખીને નવી જ ઇમારત બનાવું.”