સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/જીવવાનું બંધ ના કરો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૮૨ વર્ષની ઉંમરે શ્રી મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન બન્યા. બીજું તો ઠીક, સામાન્ય માણસને અહોભાવ જાગે છે. ૮૨ વર્ષે વડાપ્રધાન! ૮૨ વર્ષનો માનવી આટલો મોટો બોજો ઉપાડવા માટે શારીરિક અને માનસિક દૃષ્ટિએ કેટલો બધો સુસજ્જ હોવો જોઈએ? મોરારજી દેસાઈ ટટાર ચાલે છે અને ટટાર બેસે છે. એમની અદામાં કે અવાજમાં આઠ દાયકાની ઉંમરનો ભાર દેખાતો નથી. માણસો મોટી ઉંમરે પણ સક્રિય જીવનમાં તરબોળ રહી શકે, માંદા થઈને પથારીમાં ના પડે અને નિરોગી જીવન જીવે તેનું કાંઈ રહસ્ય છે ખરું? એનું રહસ્ય એટલું જ છે કે ઉંમરની સાથે જીવનશક્તિનાં પૂર ઓસરવા ના દેવાં હોય તો કોઈ પણ સંજોગોમાં મનથી ટટાર રહો. આપણે ત્યાં માણસો મનથી હારી જાય છે, વહેલાં હારી જાય છે અને મનથી વહેલાં નિવૃત્ત થઈ જાય છે. ઉંમરનો કાંટો ૫૫-૫૮ આસપાસ પહોંચે, ત્યાં માણસો થાકીને બેસી જવાની તૈયારી કરે છે. જે દેશમાં લાખો જુવાનો કામ શોધતા હોય ત્યાં માણસોએ અમુક ઉંમરે નોકરી છોડવી પડે, તેવું તો ગોઠવવું જ પડે. નોકરી, બેશક, છોડી દો, પણ જીવવાનું બંધ ના કરો. તમારી ઉંમર ગમે તેટલી હોય, તમે તમારી જાતને ખોડા ઢોર જેવી ના ગણો. માણસ છો, તો છેલ્લી ઘડી સુધી લડો — લડતાં લડતાં જ મરો, મરતાં મરતાં પણ લડો. એટલું નક્કી કરી નાખો કે, મરીશ તો લડતાં લડતાં જ મરીશ; યમરાજ મળવા આવશે તો તેને ઑફિસ કે દીવાનખાનામાં જ મળીશ — શયનખંડમાં નહીં જ મળું. જેમણે જિંદગીમાં કાંઈક કર્યું છે, તેવા માણસોનાં જીવન તપાસશો તો તમને દેખાશે કે, આ લોકો કામ કરતા રહ્યા છે, કપરો સંગ્રામ ખેલતા રહ્યા છે, વારે વારે પોતાની ઉંમરનાં ટીપણાં ઉખાળતા બેસી રહ્યા નથી. પશ્ચિમ જર્મનીના એક વારના ચાન્સેલર એડોનેરનું જીવન જ ૬૦ વર્ષ પછી શરૂ થયું હતું. ચર્ચિલનું સાચું રાજકીય જીવન પણ ૬૦ વર્ષ પછી શરૂ થયું. ચર્ચિલના એક ચરિત્રાકારે નોંધ્યું છે કે, ચર્ચિલનું મૃત્યુ ૬૦ વર્ષે થયું હોત તો બ્રિટનના ઇતિહાસમાં તેનું નામ કોઈ નાના પ્રકરણની ફૂટનોટમાં જ દટાઈ ગયું હોત. ચંગેઝખાનની જિંદગી ખરેખર ૫૬મા વર્ષે શરૂ થઈ હતી. બ્રિટનના જાજરમાન વડાપ્રધાનો ડિઝરાયલી અને ગ્લેડસ્ટન જિંદગીની સંધ્યાટાણે સૂરજની જેમ ઊગ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર ૫૫ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં કવિતા કરવા બેઠા અને નોબેલ પારિતોષિક મેળવવા સદ્ભાગી બન્યા. દુનિયામાં લાખો લોકો આજે પણ જે કથા રસપૂર્વક વાંચે છે, તેનાં હાસ્ય અને કરુણતા માણે છે, તે ‘ડોન ક્વીઝોટ’નો લેખક સર્વાન્ટીસ દારુણ ગરીબીમાં ૫૮ વર્ષની ઉંમરે એ વાર્તા લખવા બેઠો હતો. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન ૫૫ વર્ષના થયા ત્યાં સુધી તેમને જિંદગીમાં કરુણ પરાજયો જ મળ્યા કર્યા હતા. જિંદગીમાં કોઈને વહેલી સફળતા કે ખ્યાતિ મળે, કોઈને ખૂબ મોડી મળે, અને ઘણાંને તો કદાચ મળે પણ નહીં. પરિણામો આપણા હાથમાં નથી, કર્મ આપણા હાથમાં છે. માણસે પોતાને સંતોષ થાય અને જીવન સાર્થક લાગે તેવું કાર્યક્ષેત્ર નક્કી કરી નાખવું જોઈએ અને પછી તેમાં ગૂંથાઈ જવું જોઈએ. આપણે શાંત અને સુરક્ષિત જિંદગીના ખ્યાલમાં વધુ પડતા ઠંડા અને કાયર બની ગયા છીએ. તમારી ઉંમર ગમે તે હો — હવે તમે જીવવાનું શરૂ કરો. હજુ મોડું થયું નથી. કોઈ ઉંમરે, ક્યારેય મોડું થતું નથી. કોઈક મનપસંદ કામ લઈને તેનો યજ્ઞ આરંભી દો. જિંદગી એક લાંબા પંથ જેવી છે. મોત ક્યારે અને કઈ ઝાડીમાંથી આપણી ઉપર ત્રાટકવાનું છે તે આપણને ખબર નથી. આપણે તેની બીકથી રસ્તામાં વારેવારે ઊભા રહેવાની કે બેસી જવાની જરૂર નથી. ચાલતા જ રહો, કામમાં એટલા બધા ડૂબી જાવ કે ખુદ યમરાજા તમને ‘ડિસ્ટર્બ’ કરતાં ખચકાટ અનુભવે.

[‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૧૯૭૭]