સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોલાભાઈ ગોળીબાર/એ શીંગ-ચણાના દાણા!
મારી મા કહેતી હતી કે, “દીકરા મારા! દીકરીઓ તો નસીબદારના ઘરે જ હોય.” અને રૂમાએ મને મોડેમોડેય નસીબદાર ઠેરવ્યો હતો. યાસીન અને મોહસીન, બે દીકરાના જન્મ પછી દીકરી રૂમા જન્મી હતી. રૂમા નાનપણમાં ઘરઘર રમતી. નાનાં નાનાં વાસણોથી પોતાનું અલાયદું રસોડું સજાવતી. મારા માટે એ એકલા પાણીની ચા બનાવતી ત્યારે આસપાસ ઘણું ઢોળાતું. ઘરમાં કચ્ચરઘાણ કરવા બદલ નજમા એને વઢતી, ત્યારે હું રૂમાના હાથની બનેલી જૂઠમૂઠની ચા ટેસથી પીતો! રૂમા સ્કૂલે જતી ત્યારે પોતાના નાસ્તામાંથી થોડો ભાગ બચાવીને મારે માટે ઘેર લઈ આવતી. એના શીંગ-ચણામાંથી પાંચ-પચીસ દાણા પોતાના ફ્રોકના ટચૂકડા ખીસામાં એ ઘરે લઈ આવતી અને મારી સામે ધરતી, ત્યારે મારાથી એને કપાળે ચૂમીઓ થઈ જતી. રાતના ઓફિસેથી હું પાછો ન આવું ત્યાં સુધી રૂમા જમતી નહીં. હું એને સમજાવવાની કોશિશ કરતો: “બેટા! મારે કામ હોય તો ઓફિસે મોડુંય થઈ જાય. તું મમ્મી ને ભાઈઓ સાથે જમી લેતી હોય તો...! તું ભૂખી કેમ રહે છે?” “હું ક્યાં ભૂખી રહું છું, પપ્પા?” એ જવાબ આપતી. “તમે આવતા નથી ત્યાં સુધી મને ભૂખ જ નથી લાગતી ને!” અને હું કાંઈ બોલી શકતો નહીં. જેમજેમ રૂમા મોટી થવા માંડી, તેમતેમ નજમા એને ઘરના કામકાજમાં લગાવવા માંડી. એ સ્કૂલેથી આવી ને લેસન પતાવે-ન-પતાવે ત્યાં તો નજમા એને રસોડામાં કામ સોંપતી. હું નજમાને ટકોરતો: “એને નિરાંતે ભણવા દે ને!” “રૂમાએ બે કામ શીખેલાં હશે, તો એને જ ખપ લાગશે,” નજમા દલીલ કરતી. “એ કાલે મોટી થઈ જશે પછી સાસરે જઈને શું કરશે?” “હજુ તો રૂમા નાની છે,” હું કહેતો. પણ ત્યારે મને ખબર નહોતી કે દીકરીને મોટી થતાં વાર લાગતી નથી. જે રૂમાને ઢીંગલીની જેમ મારા ખોળામાં ઉપાડી હતી, એને પરીની જેમ ઘરમાં ઊડતી જોવા છતાં જાણે મને મારી આંખ પર વિશ્વાસ બેસતો નહોતો. આંખના પલકારામાં જાણે રૂમા નાની છોકરીમાંથી યુવતી બની ગઈ હતી. અમારામાં કાકા-મામાનાં બાળકો વચ્ચે લગ્ન થઈ શકે છે. રૂમાના મામાનો દીકરો રિઝવાન ‘નજમાફૂઈ’નો લાડકવાયો ભત્રીજો. એની સાથે રૂમાનાં લગ્ન કર્યાં. અત્યારે એ સુખી છે. સાસરેથી એના જેટલા ફોન ઘરે મમ્મીને નથી જતા, એટલા મને ઓફિસે આવે છે. રાબેતા મુજબ એ મને ફોન પર શિખામણ આપતી રહે છે: “તબિયત સાચવજો... મોડે સુધી કામ ન કરતા ...વહેલા ઘરે ચાલ્યા જજો... બ્લડપ્રેશરની દવા લેવાનું ભૂલતા નહીં!” ક્યારેક મારા માણસ સાથે હું એને કાંઈક વસ્તુ મોકલું, ત્યારે વળતાં પોતાની બનાવેલી કોઈ ને કોઈ વાનગી એ જરૂર મોકલે. પણ એક વાર એ રીતે તેણે નાસ્તા-બોક્સમાં શીંગ-ચણા મોકલેલા ત્યારે... સ્કૂલેથી આવીને ફ્રોકના ખીસામાંથી કાઢેલા શીંગ-ચણા મારી સામે ધરતી વર્ષો પહેલાંની મારી રૂમા નજર સામે તરવરી ઊઠેલી.
[‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તક]