સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/નારીનો મહિમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મોટામોટા સાહિત્યકારોની અમરતામાં તેમણે સર્જેલ ઉત્તમ નારીચરિત્રોનો મહદ્ અંશે ફાળો છે. વાલ્મીકિએ સીતાનું સર્જન કર્યું, વ્યાસે દ્રૌપદીનું, કાલિદાસે શકુન્તલાનું; શેક્સપિયરે ડેસ્ડિમોના તથા અન્ય અનેક નારીપાત્રો આપ્યાં... એમ યાદી લંબાવી શકાય. રવીન્દ્રનાથે ‘માનસી’ કાવ્યમાં કહ્યું છે કે, “હે નારી, તું માત્ર વિધાતાનું સર્જન નથી; પુરુષે પોતાના અંતરનું સૌંદર્ય તારામાં સંચારીને તને ઘડી છે, કવિઓએ સોનાનાં ઉપમા-સૂત્રોથી તારાં વસ્ત્રો વણ્યાં છે; તારે માટે સમુદ્રમાંથી મોતી આવ્યાં છે, વસંત તારે માટે પુષ્પો લઈને આવે છે...” અંતે કવિ કહે છે કે, “નારી, તું અરધી માનુશી છે, અરધી કલ્પના છે.” (One half woman and one half dream.) પોતાની અદ્ભુત સર્જકતા અને કલ્પના વડે પુરુષસર્જકો નારીના મનનાં ઊડાણોના આલેખનમાં સફળ થયા છે. પુરુષના ‘હૃદય’ પર ભલે કોઈ નારીનું શાસન ચાલતું હશે, પણ પૂર્વમાં કે પશ્ચિમમાં સમાજ પ્રાય: પુરુષશાસિત જ છે. પિતૃસત્તાક સમાજમાં નારીનું સ્થાન સદીઓથી બીજા દરજ્જાનું રહ્યું છે. નારીનું સ્થાનક ઘર છે, પરિવાર છે, જનની બનીને એને વંશવેલો વધારવાનો છે—એમ કહીને આદર્શ નારીનાં મૂલ્યો પુરુષોએ આરોપિત કર્યાં છે; અને એ રીતે નારીસમાજનું ચિત્ત ઘડાતું રહ્યું છે. નારીનો જે આદર્શ બની ગયો છે; તે આપેલો તો છે પુરુષોએ જ. સદીઓથી એમ ચાલતું રહ્યું છે. પરંતુ છેલ્લા બે સૈકાથી તેની સામે નારીસમાજના વિરોધના સૂર ઊઠ્યા છે. નારીનાં બંધનોની અને એ બંધનમાંથી મુકિતની વાત યુરોપમાં ઇબ્સન જેવા (પુરુષ-)સર્જકોએ કરી. તેના ‘ઢીંગલી-ઘર’ નાટકમાં, ગૃહત્યાગ માટે ઉંબર બહાર ડગ મૂકવા જતી નોરાને એનો પતિ જુદી જુદી રીતે રોકવા મથે છે, અને છેવટે પત્ની તથા માતા તરીકેના એના કર્તવ્યની યાદ અપાવે છે. ત્યારે નોરા કહે છે—“મારી બીજી ફરજો પણ છે.” “કઈ?” “મારી જાત પ્રત્યેની.” ઇબ્સને નોરાને મુખે જે વાત કહેવડાવી, તે વાત નારી હવે સ્વયં કહેવા લાગી છે. પોતાની આત્મ-ઓળખ, પોતાનું સ્થાન, પોતાની સ્વતંત્રતા અને પોતાની જાત પ્રત્યેની ફરજની વાત કહેવા નારી હવે આગળ આવી છે. નારીમુકિતની સર્જનાત્મક અભિવ્યકિત સાહિત્યમાં નારીસર્જકો દ્વારા થઈ રહી છે. સમાનતા અને સ્વતંત્રતાના પાયા પર નારી-આંદોલનની ઇમારત ચણાતી ગઈ છે. પોતાનું સ્ત્રીત્વ બરાબર જાળવી રાખીને પણ નારી પુરુષના જેવી સ્વતંત્રતાની અધિકારી બની રહે, એવો તેનો મહિમા આજે થવો ઘટે.

[‘શબ્દસૃષ્ટિ’ માસિક: ૨૦૦૨]