સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/સાહિત્યગુરુ મોહનલાલ
ગુજરાતી સાહિત્યમાં પ્રવેશપાત્ર બનવા માટે પ્રશિક્ષિત કરનાર શિક્ષાગુરુ એક કરતાં વધારે મને મળ્યા છે, પરંતુ દીક્ષાગુરુ તો મોહનલાલ પટેલ. એમણે સાહિત્યનો મર્મ પામવાની દૃષ્ટિ આપી છે. એ દૃષ્ટિને મારી તરુણવયનાં વર્ષોમાં અનેક સંવાદો-પત્રોથી પોષી પણ છે. સર્વવિદ્યાલય(કડી)માં એ ૧૯૫૦-૫૧માં આવવાના હતા એ વખતે એક મિત્રે ‘મિલાપ’માં આવેલી એક વાર્તા બતાવી. વાર્તાનું શીર્ષક હતું ‘ચીમન’. ‘(કુમાર’માં એ પહેલાં ‘ચક્રવત્ પરિવર્તન્તે’ નામે પ્રગટ થયેલી.) એ વખતે વાચનાલયમાં વાંચી લીધી. મિત્રે કહ્યું કે આ વાર્તાના લેખક આપણે ત્યાં ગુજરાતીના શિક્ષક તરીકે આવવાના છે. રતિલાલ નાયક, રાજગોર તથા રામભાઈ પાસે અમે સાહિત્યના પાઠ ભણતા હતા. હવે આ નવા શિક્ષક તો પોતે ‘સાહિત્યકાર’ છે. અમે ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યા. સર્વવિદ્યાલયમાં એ સમયમાં, ૧૯૪૮ પછીનાં વર્ષોમાં પણ, મોટા ભાગના શિક્ષકો ખાદીનાં કપડાં પહેરતા. એટલે જ્યારે ઉત્તમ સિલાઈવાળા પેન્ટશર્ટમાં સજ્જ યુવા મોહનલાલ પટેલે પ્રવેશ કર્યો ત્યારે વર્ગખંડના વિદ્યાર્થીઓ એમને જોઈ રહ્યા. અમે તો દસમા ધોરણના છાત્ર; પણ તેઓ કોઈને ‘તું’ ન કહે, બધા છાત્રોને ‘તમે’ કહે. આ પણ નવો અનુભવ. વર્ગમાં ફરતાં ક્યાંક કોઈને પણ અડકી જાય તો તરત બોલે ‘સોરી’. ઉજ્જડ એવા અમને આ વિવેક, આ રીતભાત વણકહ્યે કેટલું બધું કહેતા હતા! એ પાટીદાર આશ્રમમાં નહિ પણ કડી ગામમાં રહેતા, એટલે શરૂઆતમાં એમનો સંપર્ક ઓછો રહેતો. પછી તેઓ કિશોરકુંજમાં ગૃહપતિ તરીકે રહેવા આવ્યા. જે દિવસથી એ કાર્યભાર સંભાળ્યો તે દિવસથી પેલાં પેન્ટશર્ટ અને કોટ અદૃશ્ય થઈ ગયાં, ખાદીનાં વસ્ત્રો આવી ગયાં હતાં. વર્ગમાં રાજગોર પાસે અમે મુનશીનો એક પાઠ ભણેલા. રાજગોર એ સત્રની વચ્ચે જ કદાચ ગયેલા. એ પછી તરત મોહનલાલ પટેલ આવેલા. મુનશીની વાત કરતાં પછી એલેક્ઝાન્ડર ડ્યુમા અને ‘થ્રી મસ્કેટિયર્સ’ના વિશ્વમાં અમને લઈ ગયા. ‘ધૂમકેતુ’ની વાત કરતાં શરદબાબુ—ખાંડેકર તો ખરા જ, અમને તેઓ ચેખોવ અને મોપાસાંની, ગોગોલ અને ટોલ્સ્ટોયની અને સ્ટીવન્સનની વાર્તાસૃષ્ટિમાં પણ લઈ ગયા. દસમા ધોરણના છાત્રો આગળ સાહિત્યજગતની અજાયબીઓ ખૂલી રહી હતી. છાત્રો ગ્રંથાલયમાં જઈ આ બધા સાહિત્યસ્વામીઓની ચોપડીઓ ફેંદવા લાગ્યા. ‘ધ બેસ્ટ શોર્ટ સ્ટોરીઝ ઓફ ધ વર્લ્ડ’ પુસ્તક હું ગ્રંથાલયમાંથી લઈ આવ્યો અને તેમાંથી ટોલ્સ્ટોયની પ્રસિદ્ધ વાર્તા ‘હાઉ ફાર એ લેન્ડ ડઝ એ મેન નીડ’ વાંચી; એ વાર્તાનો નિર્દેશ એમણે વર્ગમાં કરેલો. મોપાસાંની ‘નેકલેસ’, સ્ટીવન્સનની ‘લાસ્ટ લીફ’, ગોગોલની ‘ઓવરકોટ’, ચેખોવની ‘એ લેટર’—આ બધી વાર્તાઓ વર્ગમાં એમણે ‘ધૂમકેતુ’, રા. વિ. પાઠક આદિની વાર્તાઓ ભણાવતાં ગૂંથી લીધેલી. નવલકથાઓમાં પણ શરદબાબુ, ખાંડેકરની સાથે પશ્ચિમના સાહિત્યસ્વામીઓ, ખાસ તો વિક્ટર હ્યુગો અને ડ્યુમા વગેરે અમે વાંચતા થયેલા. સદ્ભાગ્યે મૂળશંકર મો. ભટ્ટનું ‘લા મિઝરેબલ’નું ગુજરાતી રૂપાંતર એ વખતે નીકળેલું, અમે ઘણા છાત્રોએ એ વાંચેલું. એ રીતે અમારો વિશ્વસાહિત્યમાં બહુ ઓછા સમયમાં પ્રવેશ થયો. મને થતું કે આ બધું હું ક્યારે વાંચી લઉં? મોહનલાલ પટેલની વાર્તાઓ તો અમને પ્રિય હોય જ. એ અમે વાંચીએ અને થાય કે અરે આ વાર્તાકાર આપણા શિક્ષક—સાહેબ છે! પરંતુ એમણે કદી પોતાની વાર્તાઓ વિષે વર્ગમાં એક શબ્દ પણ ઉચ્ચારેલો નહિ. ‘સવિતા’ માસિકની વાર્તાહરીફાઈમાં એમની વાર્તા ‘એમના એ સોનેરી દિવસો’ને પહેલું ઇનામ મળેલું. એ દિવસોમાં બહુ ઇનામો મળતાં નહોતાં. અમારે માટે એ ગૌરવની વાત હતી. અમે એ વાર્તા વાંચવા ‘સવિતા’ માસિકનો એ અંક મેળવવા ઉત્સુક હતા. અંક મળ્યો, પણ વાર્તાનાં પાનાં ગાયબ. સાહેબે કાઢી લેવડાવેલાં. પોતાના છાત્રોને સ્ત્રી-પુરુષના સંબંધની વાર્તા રજૂ ન કરાય એવો ખ્યાલ હશે? પણ આ હતા મોહનલાલ પટેલ. મારા શિક્ષાગુરુ—દીક્ષાગુરુ મોહનલાલ કેમ હતા, તે વિશે અંગત નિર્દેશ કરું? એમણે એક વાર પરીક્ષામાં ‘ભારતીય સંસ્કૃતિ’ એવો નિબંધ પૂછેલો. મારો નિબંધ એમને ગમ્યો. સારા માર્ક આપ્યા, એ તો ખરું—આખા વર્ગ આગળ મારો એ નિબંધ વંચાવ્યો. મારો આત્મવિશ્વાસ જાણે જાગી ઊઠ્યો. મારો નિબંધ આટલો સારો છે? સારો નિબંધ કોને કહેવાય? વર્ગમાં નિબંધ લખવા એક વાર વિષય આપ્યો ‘મારો અવિસ્મરણીય અનુભવ.’ કહે આ નિબંધમાં તમારે તમારો અનુભવ લખવાનો. અનુભવનું મહત્ત્વ નથી, એ કેવી શૈલીમાં, ભાષામાં તમે લખો છો—તેને હું અગત્યનું ગણીશ. મેં મારો એક અનુભવ લખવાનો પ્રયત્ન કર્યો. અનુભવ હતો છમાસિક પરીક્ષામાં નાપાસ થવાના પરિણામનો. (પછી ખબર પડેલી કે પરિણામપત્રકમાં ભૂલથી ઓછા ગુણ લખાયેલા, પણ નાપાસ-પત્રક સાથે પત્ર ઘેર આવેલો.) એ આઘાતની વાત લખવાનો પ્રયત્ન કર્યો—પ્રતિક્રિયાઓ આલેખતાં વર્ગશિક્ષકની બેદરકારીની પણ વાત લખેલી (એઓશ્રી જ વર્ગશિક્ષક હતા) અને એવું બધું. નિબંધની નોટ તપાસાઈને પાછી મળી તો એક પૅરેગ્રાફ આગળ નિશાન કરી લખેલું: ‘શૈલી સારી છે.’ હું ચકિત! સારી શૈલી કોને કહેવાય? અંગત પ્રસંગ લખવામાં એ કેવી રીતે પ્રયોજાઈ હતી, એ વાત એમણે રેખાંકિત કરી આપી. પછી નિબંધો લખવામાં મને સફળતા કંઈક મળી હોય તો તે આ શાળાના વર્ગખંડમાં લખાયેલા મારા એ પ્રકારના પહેલા નિબંધને આભારી છે. કિશોરકુંજમાં એ આવીને રહ્યા, તો અમે અનેક વાર ઘેર મળવા જતા. એવો જ સૌજન્યપૂર્ણ વ્યવહાર. વાતો કરે, પણ સૌથી વિશેષ અમારી કાચી રચનાઓ વાંચી એની ચર્ચા કરે. હું ‘કવિતા’ રચતો એ વાંચીને છંદ સુદ્ધાંની ચર્ચા કરે. મારી સાથે બીજા મિત્રો પણ હોય. અમે એમનું માર્ગદર્શન મેળવી આગળ વધતા. પછી એક વાર તો મારી કવિતા તેઓ ‘કુમાર’ની બુધવારની બેઠક માટે લઈ ગયેલા, બચુભાઈને બતાવવા. બચુભાઈએ વાંચેલી અને છંદદોષ જ્યાં હતો, ત્યાં લાલ પેન્સિલથી નાની ચોકડી કરેલી. ૧૯૫૧ની એ હસ્તપ્રત મેં જાળવી રાખી છે. એ વખતે ૧૧મા ધોરણ (જૂનું એસ.એસ.સી.)માં પહેલી વાર અભ્યાસક્રમમાં મોટો ગદ્યપદ્યસંચય આવ્યો. આખું ‘કુંવરબાઈનું મામેરું’ ભણવાનું હતું. મોહનલાલ પટેલે પ્રેમાનંદના એ આખ્યાનને એવી રીતે ભણાવેલું કે આખ્યાનકળા કોને કહેવાય તે તો સમજાયું, એનું વિવેચન કેવી રીતે કરાય તે પણ. એસ.એસ.સી. પાસ કર્યા પછી કોલેજ જવાને બદલે હું શિક્ષક થયો અને યુનિવર્સિટીનો એકસ્ટર્નલ વિદ્યાર્થી બન્યો. કવિતા ક્યારેક ક્યારેક લખાય. એક નાનકડી રચના એમને મેં માણસાથી મોકલી. થોડા દિવસ પછી તો એ કવિતાનું વિશ્લેષણ કરતો ત્રણ પાનાનો પત્ર! મને સમજાતું જતું હતું કે સર્જનાત્મકતા શું છે. હંમેશાં પત્રોના જવાબ લખે, વિગતે લખે અને સાહિત્યિક પ્રશ્નોની છણાવટ એવી રીતે કરે, જાણે કોઈ સિદ્ધ સાહિત્યકાર આગળ ન કરતા હોય. હવે એ પોતાની વાર્તાઓ અવસર મળ્યે મારી સમક્ષ વાંચતા; ‘અનંત શેતરંજ’ એ રીતે વાંચેલી. મને એ વાર્તા બહુ પ્રભાવિત કરી ગયેલી. એનું છેલ્લું વાક્ય—‘ચંદ્ર ઊગ્યો—દક્ષાના ચહેરા જેવો’—તો એવું ચોંટી ગયું છે કે ઘણી વાર ઊગતા ચંદ્રને જોતાં સ્મૃતિમાં ઝબકી ઊઠે. એમણે પોતાના પહેલા વાર્તાસંગ્રહનું નામ ‘હવા! તુમ ધીરે બહો!’ રાખેલું. પોતાના એ પહેલા વાર્તાસંગ્રહથી તેમણે ગુજરાતી વાર્તાકારોમાં આગવું સ્થાન સિદ્ધ કરી લીધું હતું. એમના સાત જેટલા વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેઓ વાર્તાની ઉપાસના સતત કરતા રહ્યા છે, એટલે વાર્તા પણ એમને વરેલી રહી છે. તેમની વાર્તાઓનો પ્રધાનગુણ છે—સાહજિકતા. મોહનલાલ પટેલ એક વાર્તાકાર તરીકે માનવીય સંબંધો, એમાંય પારિવારિક સંબંધોની ક્યારેક કોઈ નાની અમથી ઘટના, કોઈ વાર્તાલાપના ખંડ કે આસપાસના પરિવેશની નિર્ભાર સહાયથી નિરૂપિત કરે છે. આ માનવીય સંબંધોમાં મૂળ સ્વર તો કઠોર વાસ્તવને અડકીને પણ લેખકની પરમ આસ્તિકતાનો રહે છે, જે વાચકને સ્પર્શ્યા વિના રહેતો નથી. લાઘવીરીતિ એમની લઘુકથાઓમાં અમોઘ રીતે પ્રયોજાઈ છે. ગુજરાતીમાં લઘુકથા એટલે મોહનલાલ પટેલ એવું સમીકરણ યોજાય છે. ટૂંકી વાર્તાનો જ એક ફાંટો નહિ, પણ આગવા કથારૂપ તરીકે લઘુકથાને સ્થાપવાનું શ્રેય મોહનલાલ પટેલને છે. બંગાળીમાં એક એવા લઘુકથા લેખક ‘બનફૂલ’ (બલાઈચાંદ મુખોપાધ્યાય) છે, જે મોહનલાલ પટેલની જેમ લઘુકથાલેખનનો આદર્શ પૂરો પાડે છે. હિંદીમાં પણ મોહનલાલ પટેલના બરની લઘુકથાઓ ઘણી ઓછી છે. ‘કુમાર’માં પ્રગટ થતી એમની લઘુકથાઓએ ખાસ ધ્યાન ખેંચ્યું. મોહનલાલ પટેલે નવલકથાઓ લખી તેની શરૂઆત તેમની ‘હેતનાં પારખાં’ (૧૯૫૭)થી થઈ. આ નવલકથા માટે લેખકે જે ઘટનાભૂમિ લીધી છે, જે પાત્રસૃષ્ટિ લીધી છે, તે વિસ્તારનો અને તે ચરિત્રોનો જાતઅનુભવ લેખકે લીધેલો. આદિવાસી પહાડી વિસ્તારનો પરિવેશ, ત્યાંની વનસ્પતિસૃષ્ટિ, જનજનાવર, તેની સવાર-સાંજ અને રાત્રિઓનાં યથાર્થ વર્ણનોમાં તો તેમણે કવિતાશકિતનો જાણે ઉપયોગ કર્યો છે. આદિવાસી ડુંગર વિસ્તારની વાત છે એટલે એ ડુંગરાઓનો નિર્દેશ પહેલા વાક્યમાં જ એક સુભગ ઉપમાથી થયો છે: “ચારપાંચ સેટનો નીલમનો હાર ધરતીની છાતી ઉપર ગૂંચવાઈને પડ્યો હોય એવા દેખાતા લીલાછમ ડુંગરાઓ માઇલોના માઇલો સુધી પથરાયેલા હતા.” આ નવલકથાએ એ વખતે કથારસિકોનું ધ્યાન ખેંચ્યું હતું. આજે પણ નવલકથા વાચકને તૃપ્ત કરે એવી સાહિત્યિકતાથી રસાન્વિત છે. ૧૯૫૫ની આજુબાજુના કોઈક વર્ષમાં મારે પાટણ જવાનું થયેલું. તે વખતે સાહેબ પાટણને કેંદ્રમાં રાખીને નવલકથા લખવાની તૈયારી કરતા હોય એમ લાગ્યું. પાટણ વિશે આપણી પહેલી નવલકથા ‘કરણઘેલો’ તો છે, એ પછી મુનશીની નવલકથાઓ છે. પણ મુનશીએ પાટણની મુલાકાત પણ લીધા વિના કલ્પનાના દોરે એ નગરના કોટ-દરવાજાઓનું અને ઘસાઈને વહેતી સરસ્વતી નદીનું વર્ણન કર્યું છે. મોહનલાલ પટેલે અમને વર્ગમાં ભણાવતાં એ બધા તથ્યદોષોની વાત કરી હતી. એમણે ત્યાંનાં ઐતિહાસિક સ્થળો, ઇમારતો, ખંડેરો એ બધાંમાં ભમીભમીને, ક્યાંક તો માપ સાથે હકીકતો એકઠી કરેલી. તેઓ આ બધાં સ્થળોએ જાતે લઈ ગયા. દરેક સ્થળની એમણે જે જાણકારી મેળવેલી તે કહેતા જાય. સાહિત્યકૃતિ પાછળ લેવાતા પરિશ્રમના પાઠ એમની પાસેથી શીખવા મળ્યા. આવા સાહિત્યગુરુ મળવા એ આપણું ઉત્તમ ભાગ્ય હોય તો જ બને. એમના હાથે શિક્ષિત અને દીક્ષિત થયેલા અનેક એમના શિષ્યોને એ ભાગ્ય મળ્યું છે. [‘શ્રી મોહનલાલ પટેલ અધ્યયન ગ્રંથ’]