સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/‘રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે’
૧૯૯૮નું વર્ષ દલપતરામ કવિની મૃત્યુશતાબ્દીનું વર્ષ હતું. કવિના અવસાન પછી એક સો વર્ષમાં ગુજરાતી કવિતા ક્યાંની ક્યાં પહોંચી છે. તેમ છતાં, અર્વાચીનયુગના આરંભમાં દલપતરામ એવા કવિ થઈ ગયા છે જેમનું નામ ગુજરાતી ‘ભાષામાં ઓગળી ગયું છે’, એવી પ્રતીતિ થયા કરે છે. દલપતરામનું નામ ભાષામાં ઓગળી જવાનું એક કારણ તેમણે ‘હોપ વાચનમાળા’ માટે રચેલાં કાવ્યો છે. દલપતરામની કેટલીક કાવ્યરચનાઓ વિદ્યાર્થીકાળમાં જેમને ભણવામાં આવેલી હશે, તેમાંથી મારી જેમ અનેકોને હજીય લગભગ કંઠસ્થ હશે. ગુજરાતી ભાષાના પ્રેમી અંગ્રેજ ન્યાયાધીશ ફોર્બ્સ અને દલપતરામની મૈત્રી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક અનન્ય ને ઉજ્જ્વળ પ્રકરણ છે. ફોર્બ્સની પ્રેરણાથી ૧૮૪૮માં સ્થપાયેલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) સાથે યુવાન દલપતરામ જોડાયા અને જોતજોતામાં એને ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને એ સંસ્થામાં રસ લેતા કર્યા. [‘ચૂંટેલી કવિતા : દલપતરામ’ પુસ્તક : ૨૦૦૨]