સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/અભરામની ટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બાવા અભરામ યહૂદીઓનો આદિ વડવો. જેટલો જોરાવર એટલો જ જિગરનો મુલાયમ. હાથ જાણે લોઢાના, તો હૈયું મીણનું. પારકું દુઃખ કે વિપદ દેખી ઓગળી— પીગળી જાય. અભરામ જેવી જ તેની સ્ત્રી સારાહ પણ ભલીભોળી. બંને ખુલ્લા મેદાનમાં તંબૂડી બનાવીને રહે, ઢોરઢાંખર ચરાવે અને પોતાને ત્યાં આવી ચડે તેની મન મૂકીને મહેમાનગત કરે. એક વાર ભગવાન પોતે જ આવી ચડયા. બપોરનો વખત હતો. અભરામ પોતાની તંબૂડીમાં બેઠો બેઠો ઝોકાં ખાતો હતો. અચાનક આંખ ખોલીને જુએ છે, તો સામેની ખજૂરીની છાયામાં ત્રાણ જણ ઊભેલા — તેમાંય વચલા પુરુષના ચહેરા પરથી તો તેજતેજના ફુવારા ઊડે. અભરામ ઓળખી ગયો : ભગવાન અને તેમના ફિરસ્તા સિવાય આવા નૂરાની ચહેરા કોઈના ન હોય. અભરામ દોડયો; ભગવાનના ચરણમાં પડી કહે : “આવ્યા, મારા નાથ! આવી આછી-પાંખી ખજૂરીને છાંયે ઊભા ન રહેવાય, મહારાજ! આવો, આવો, આ ગરીબની તંબૂડી હવે પાવન કરો.” પણ ભગવાન જરા ઉતાવળમાં હતા. કહે, “અભરામ, આ બાજુ નીકળ્યો’તો. તારી ભક્તિ જોઈને તને દર્શન દીધા વિના ન ચાલ્યું. પણ હવે હું જઈશ. મારે બહુ અગત્યનું કામ છે.” અભરામ એમ ભગવાનને છોડે? આડા હાથ દઈને ગળાના સોગન ખાઈ તેણે કહ્યું : “પ્રભુ, રોટલો ને છાશ ખવરાવ્યા વિના હું તમને કોઈ કાળે જવા નહીં દઉં.” અને પછી સારાહને બૂમ પાડી કહ્યું : “સારાહ, પ્રભુના પગ ધોવા જલદી ગરમ પાણી કરી લાવ, અને ઊની ઊની રસોઈ ધમકારે બનાવી દે! જો તો ખરી, આપણે ત્યાં પ્રભુ પધાર્યા!” સારાહના હરખનો પાર ન રહ્યો. જલદી જલદી ઘંટી ફેરવીને તેણે તાજો આટો દળી લીધો. ટપાકે રોટલા ટીપી નાખ્યા. શેડકઢાં દૂધનાં છાલિયાં ભર્યાં. ખજૂરના ગોળનો રવો તૈયાર રાખ્યો. પાણીના કળશા ભરીને પાટલા નાખી એ તો ગાતી જાય : અચો મુંજા પીર સચ્ચા, રબ તાં રંધાણી, રબ તો રંધાણી, પડ્યાં માંહી પ્રીત્યુનાં પાણી રે — અચો મુંજા પીર સચ્ચા. ભગવાન તો આ પ્રેમ, આ હુલાસ, આ ઓળઘોળ થતી આવભગત આશ્ચર્યથી જોઈ રહ્યા. સારાહે ભગવાનનાં ચરણ પખાળ્યાં ને ઝટ ઝટ તેમને જમવા બેસાડી દીધા. ભગવાને તો ઝટપટ ભોજન પતાવ્યું. અભરામ અને સારાહને અઢળક આશીર્વાદ આપ્યા. અને સોદોમ શહેરની દિશામાં મારમાર કરતા ચાલી નીકળ્યા. થોડે દૂર સુધી અભરામ ભગવાનને વળાવવા ગયો. એણે જોયું કે સોદોમ ભણી નજર કરતાં જ ભગવાનની ભ્રૂકુટિ ચડી જતી હતી. આંખમાંથી અંગારા ઝરતા હતા, અને બિડાયેલા હોઠ પુણ્યપ્રકોપથી કંપી ઊઠતા હતા. ભગવાને અભરામને અંતરની વાત કરી : “સોદોમ અને ગોમોરાના શહેરીઓનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. સાતમા આસમાનને ભેદીને તેમની રાડ મારે કાને આવી છે. આ બંને નાપાક શહેરોને હું ભસ્મીભૂત કરી નાખીશ. એક ઈંટ ઉપર બીજી ઈંટ નહીં રહેવા દઉં.” ભગવાને ઝડપ વધારી અને અભરામને કહ્યું, “તું હવે પાછો જા. તારું કામ ખોટી થતું હશે.” સોદોમના સત્યાનાશની આગાહી સાંભળી અભરામનું કાળજું ફફડી ઊઠયું. તે પાછો જવાને બદલે ભગવાનની વધુ નજીક આવ્યો ને ગળગળે સાદે બોલ્યો : “પ્રભુ, સોદોમમાં બધા જ કાંઈ પાપી થોડા હશે? એમાં પચાસ જણ સારા નહીં હોય? અને હરામખોરોની જમાત ભેળા આવા સાચદિલ ને સાફદિલ પણ હોમાઈ જાય, તે કાંઈ ચૌદ બ્રહ્માંડના ધણીનો ન્યાય કહેવાય?” આ સાંભળી ભગવાન ઊભા રહી ગયા. અભરામને ખભે હાથ મૂકી બોલ્યા : “સોદોમમાં પચાસ સારા માણસ હશે, તો તેમને ખાતર હું આખા નગરને જતું કરીશ, જા!” પણ અભરામ આઘો ન ખસ્યો. તેણે ભગવાનને ચરણે પડી કહ્યું, “પ્રભુ, હું તો તમારા પગની રજ પણ નથી. પણ બે વેણ કહું તો બેઅદબી માફ કરશો. એ પચાસ માણસમાંથી પાંચ જ ઓછા નીકળશે, તો પણ તમે સોદોમને ખતમ કરી નાખશો?” ભગવાને કહ્યું, “ભલે, પિસ્તાલીસ જેટલા નેક ને પાક આદમી હશે તો હું સોદોમનો સંહાર નહીં કરું.” અભરામે અત્યંત નરમાશથી પૂછ્યું, “પ્રભુ, એવા વીસ માણસો મળે, તો એ બીજા ભેળા બળીને ભડથું થઈ જશે?” “નિર્દોષ ને નિષ્પાપ વીસ માણસો પણ મળે તો આખા સોદોમને ઊની આંચ નહીં આવે.” ભગવાને અભરામને આશ્વાસન આપતાં કહ્યું. અને પછી અત્યંત લાડથી મરક મરક હસતાં અભરામે ભગવાનને વિનંતી કરી : “અને પ્રભુ, દશ?” માનવજાત પ્રત્યેની અભરામની અપાર કરુણા જોઈ ભગવાન પણ હસી પડ્યા. તેમણે પ્રસન્ન થઈને કહ્યું : “જા, એ દૈવતવાળા દશને ખાતર પણ આખું સોદોમ ઊગરી જશે.” આટલું કહી ભગવાન વીજળીવેગે સોદોમની દિશામાં અદૃશ્ય થઈ ગયા. અને એ વિશાળ શહેરના આભઊંચા મિનારા પર નજર નાખી અભરામે પોકાર કર્યો : “સોદોમના શહેરીઓ! તમારામાંથી દસ તો માઈના પૂત નીકળો! માનું ધાવણ ન લજાવે એવા દસ ધરમવીરની પણ તમારામાં ખોટ પડી ગઈ? વધારે નહીં — હજારોમાંથી દસ જ હાડસાચા આદમી હશે, તો તમને બચાવવા માટે એ બસ થઈ પડશે.” અભરામનો એ સાદ આજે પણ આકાશમાં ઘૂમરી ખાઈ રહ્યો છે.