સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/આ અંધકાર શો મહેકે છે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ અંધકાર શો મહેકે છે!
આ મત્ત મોર ઘનશોર કરી
શો આજ અષાઢી ગહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!
આ કામણ કાજળનાં વરસે,
ના નયન શકે નીરખી હરષે,
ના અંગ શકે પુલકી સ્પરશે;
પણ આતમની રજનીગંધા
ઉત્ફુલ્લ અલક્ષ્યે બહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!
આ ભીની હેત ભરી હલકે,
શી મીઠી મંદ હવા મલકે!
છાની છોળે અંતર છલકે;
આ ગહન તિમિરની લહેરો પર
કોઈનાં લોચન લહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!
આ શ્યામ સઘન ઉલ્લાસ ધરી
કો’ જાતું જાદુઈ હાસ કરી;
શી રાત બિછાત સુવાસ ભરી!
હું અંધ ભલેને દેખું ના —
મીત મને તો દેખે છે!
આ અંધકાર શો મહેકે છે!