સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ઢોલક હજુ બજાવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે,
ને ઉજ્જડપાના ફળિયામાં
એ સૂતાં પ્રેત જગાવે છે.
વર્ષો વીત્યાં, એ વાત ગઈ,
રજવાડી એ મો’લાત ગઈ
ને એ રઢિયાળી રાત ગઈ;
પણ ઉજ્જડપામાં આથડતાં
એ પડઘા રંગ જમાવે છે —
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે....
એ હોઠ રહે આછા મલકી,
એ કંઠ રહે આભે છલકી,
ને ગામ ઊઠે આખું હલકી;
એ રાસ મહીં જાણે સૌને
ડુબાડી પાર લગાવે છે —
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.
કહી દઉં એ કોનાં કામણ છે?
રે! આમ તો સાવ અભાગણ છે,
દુખિયારી રંગુ વડારણ છે;
પણ ઢોલક પર એની થાપી
કેવો તો કેર મચાવે છે!
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.