સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ધૂળિયે મારગ
Jump to navigation
Jump to search
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખેપડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત!
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!