સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/ભજન કરે તે જીતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વજન કરે તે હારે રે મનવા!
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે;
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં.
નવલખ તારા નીચે બેઠો,
કયા ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.